‘મારી ઈચ્છાથી જીવન ટૂંકાવુ છું આ ભુલ માટે અન્ય કોઈને દોષિત માનતો નથી’ સ્યુસાઈડ નોટમાં ઉલ્લેખ
દિલ્હીની ગંગારામ હોસ્પિટલમાં નોકરી કરતી પત્ની રક્ષાબંધન કરવા વતન આવ્યા હતા
ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ
દિલ્હીની વિખ્યાત એઈમ્સમાં કાર્યરત અને મૂળ રાજકોટના તબીબે ઘેની દવાઓનો ઓવરડોઝ લઈને આત્મહત્યા કરી લેતા ખળભળાટ સર્જાયો છે. આત્મહત્યા માટે કોઈને દોષિત નહીં ગણવાની સ્યુસાઈડ નોટ મળી આવી હતી. તેમના પત્ની રક્ષાબંધન કરવા વતન આવ્યા હતા. પોસ્ટમોર્ટમ રિપોર્ટ બાદ વધુ વિગતો બહાર આવવાનું પોલીસનું કહેવુ છે.
- Advertisement -
દિલ્હી એઈમ્સમાં ફરજ બજાવતા મૂળ રાજકોટના ડોકટર રાજ ધોણિયા ઉ.34એ પાટનગરના ગૌતમનગર સ્થિત નિવાસસ્થાને આત્મહત્યા કરી લીધી હતી આ વખતે ઘરમાં તેઓ એકલા જ હતા નવી દિલ્હીથી મળતા અહેવાલો અનુસાર ડોકટર દિલ્હીની એઈમ્સ હોસ્પિટલમાં ન્યુરો સર્જન વિભાગમાં કામ કરતા હતા. સ્થાનિક પોલીસ અધિકારીએ જણાવ્યું હતું કે, મૃતક ડોકટર રાજ ધોણિયા અને તેમની પત્ની વચ્ચે કોઈ બાબતને લઈ વિવાદ ચાલી રહ્યો હતો ડોકટરની પત્ની રક્ષાબંધનના તહેવારને લીધે પોતાની માતાને ઘરે ગઈ છે. પ્રાથમીક દ્રષ્ટિએ ડોકટરે વધારે પડતી દવાનું સેવન કર્યું હોવાનું જાણવા મળ્યું છે. જો કે નકકર કારણ જાણવા મળ્યું નથી. પોસ્ટમોર્ટમનો રિપોર્ટ પછી હકીકત જાણવા મળશે ડોકટરની પત્ની 16 જુલાઈના રાજપુર ગઈ હતી. ત્યાંથી તેણે પતિને કોલ કરવા પ્રયાસ કર્યા હતા. જો કે અનેક પ્રયાસો છતાં રાજે ફોન ઉપાડયો નહોતો. આથી તેણે મિત્ર ડોકટર આંકાક્ષાને ફોન કરીને તપાસ કરવા જણાવ્યું ત્યારે તેને પતિના મોતના સમાચાર મળ્યા હતા. ડોકટર રાજની પત્ની ગંગારામ હોસ્પિટલમાં એસઆરમાં છે અને માઈક્રોબાયોલોજી વિભાગમાં કામ કરે છે.પોલીસ તપાસમાં એવી વિગતો ખુલી છે કે રાજ ધોણિયાએ છ મહિના પુર્વે જ એઈમ્સમાં ન્યુરોસર્જરી (એમસીએચ)નો અભ્યાસ પુર્ણ કર્યો હતો. ટ્રેનીંગ માટે અમેરિકા પણ ગયા હતા અને 15 દિવસ પુર્વે જ પરત આવ્યા હતા. પરિવારજનોની પુછપરછ તથા પોસ્ટમોર્ટમ રિપોર્ટના આધારે વધુ માહિતી પ્રાપ્ત થશે. દિલ્હી એઈમ્સમાં ફરજ બજાવતા મૂળ રાજકોટના ડોકટર રાજ ધોણિયાએ આપઘાત કર્યા પુર્વે સ્યુસાઈડ નોટ લખી હતી અને તે ચોંટાડી દીધી હતી. સ્યુસાઈડ નોટમાં એમ લખ્યું છે કે ‘મારી ઈચ્છાથી જીવન ટુંકાવુ છું આ ભુલ માટે અન્ય કોઈને દોષિત માનતો નથી. કોઈને હેરાન કરવામાં ન આવે. મારી ઈચ્છાનું સન્માન કરવામાં આવે, બધાય ખુશ રહે’- રાજ ધોણિયા..