– ‘મારી માટી, મારો દેશ’ અભિયાન જનજનની ભાગીદારીથી મહેકી રહ્યું છે
ભારતના 77માં સ્વાતંત્ર્ય દિવસની ઉજવણી નિમિત્તે રાજકોટ જિલ્લા વહીવટી તંત્ર દ્વારા જિલ્લા નિવાસી અધિક કલેકટર એસ. જે. ખાચરના અધ્યક્ષસ્થાને શહેરકક્ષાનો ધ્વજવંદન કાર્યક્રમ યોજાયો હતો. જેમાં રાષ્ટ્રગાન બાદ નિવાસી અધિક કલેકટરના વરદહસ્તે ધ્વજારોહણ કરી, રાષ્ટ્રધ્વજને આન, બાન અને શાન સાથે સલામી અપાઈ હતી.
- Advertisement -
આ તકે જિલ્લા નિવાસી અધિક કલેકટર એસ. જે. ખાચરે સ્વતંત્રતા પર્વ નિમિત્તે સુરક્ષિત, સ્વસ્થ અને સુવિકસીત ભવિષ્યની શુભેચ્છા પાઠવતા જણાવ્યું હતું કે, આપણા દેશની ભૂમિ માત્ર માટી નથી. એના કણકણમાં શૂરવીરતા, સાહસ અને સમર્પણની ગાથા છે. ભારતની મહામૂલી આઝાદી માટે લડત આપનાર તમામ વીર જવાનોને શ્રદ્ધાંજલિ આપવા દેશના લોકપ્રિય વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીની પ્રેરણાથી દેશભરમાં ‘મારી માટી, મારો દેશ’ અભિયાન હાથ ધરવામાં આવ્યું છે. ‘આઝાદી કા અમૃત મહોત્સવ’ની પૂર્ણાહુતિને વધુ યાદગાર અને શાનદાર બનાવવા આયોજિત આ અભિયાન જનજનની ભાગીદારીથી મહેકી રહ્યું છે, જે રાષ્ટ્રભક્તિની ચેતનાને જાગૃત કરવા મહત્વની ભૂમિકા ભજવશે. આ અભિયાન અંતર્ગત 2.5 લાખથી વધુ ગામોની માટી એકઠી કરીને તેને રાજધાની દિલ્હીના કર્તવ્યપથ સુધી લાવીને અમૃત મહોત્સવ સ્મારક બનાવશે. જેનાથી લોકોમાં દેશની અખંડદિતતા અને એકતા માટે કૃતાર્થ ભાવ જન્મશે.
- Advertisement -
તેમણે ઉમેર્યું હતું કે રાજકોટ સ્માર્ટ અને સુવિધાપૂર્ણ શહેરની વિભાવના પૂર્ણ કરી રહ્યું છે. વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીની દીર્ઘદ્રષ્ટિના કારણે તાજેતરમાં રાજકોટને ઇન્ટરનેશનલ ગ્રીનફિલ્ડ એરપોર્ટની ભેટ મળી છે. હાલમાં ‘મિશન બલમ સુખમ’ અંતર્ગત ગોંડલ, જસદણ અને ધોરાજી તાલુકા સરકારી હોસ્પિટલ કાર્યરત છે. રાજકોટ શહેરી વિકાસ સત્તામંડળ દ્વારા પ્રધાનમંત્રી આવાસ યોજના/ મુખ્યમંત્રી ગૃહ યોજના અંતર્ગત 4,134 આવાસનું નિર્માણ કરવામાં આવ્યું છે અને 3,942 આવાસોનું લોકર્પણ વડાપ્રધાનશ્રીના વરદહસ્તે લોકર્પિત કરવામાં આવ્યા છે. ગ્રામવન, રોડ સાઇડ વાવેતર, શક્તિ વન, રામ વન, નમો વડ વનથી રાજકોટ હરિયાળું બની રહ્યું છે.
એ. એસ. ચૌધરી હાઈસ્કુલ ખાતે આયોજિત આ કાર્યક્રમમાં પરેડ કમાન્ડર ડી. એસ. ડાંગરની આગેવાની હેઠળ પોલીસ, હોમગાર્ડ અને મહિલા એન.સી.સી. કેડેટ્સની પ્લાટૂનની પરેડનું નિવાસી અધિક કલેકટર એસ. જે. ખાચરે નિરીક્ષણ કર્યું હતું. ધારાસભ્ય ડો. દર્શિતાબેન શાહ તથા નિવાસી અધિક કલેકટર એસ. જે. ખાચર એ વિવિધ સરકારી વિભાગમાં શ્રેષ્ઠ કામગીરી કરનાર 09 અધિકારીઓ અને કર્મચારીઓને સર્ટિફીકેટ તેમજ દેશની સ્વતંત્રતામાં યોગદાન આપનાર 09 સ્વાતંત્ર્ય સેનાનીઓના પરિજનોને સુતરની આંટી આપીને સન્માનિત કર્યા હતાં. સાથેસાથે પૂર્વ મામલતદાર કે. એમ. કથીરિયાનું પણ અભિવાદન કરાયું હતું.
આ પ્રસંગે બાળકોએ દેશભક્તિની ભાવનાને અભિવ્યક્ત કરતા સાંસ્કૃતિક નૃત્યો રજૂ કર્યા હતાં. તેમજ મહાનુભાવોએ પર્યાવરણ જતન અર્થે વૃક્ષોનું રોપણ કર્યું હતું.
સમગ્ર કાર્યક્રમનું સંચાલન હરેશભાઈ રાવલએ કર્યું હતું. આ તકે પ્રાંત અધિકારી કે. જી. ચૌધરી, પૂર્વ સાંસદઓ રામજીભાઈ માવાણી અને રમાબેન માવાણી, અગ્રણી મુકેશભાઈ દોશી સહિતના અધિકારીઓ તથા નગરજનોએ ઉપસ્થિત રહી રાષ્ટ્રીય પર્વની રંગે-ચંગે ઉજવણી કરી હતી.