જિલ્લા પંચાયતના વહીવટી પ્રશ્ર્નો અંગે વિસ્તુત ચર્ચા વિચારણા કરતા પ્રવિણાબેન રંગાણી
ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ
રાજકોટ જિલ્લા પંચાયત ખાતે પ્રમુખ પ્રવિણાબેન રંગાણી, જિલ્લા વિકાસ અધિકારી અનંદુ સુરેશ ગોવિંદની ઉપસ્થિતિમાં પ્રિમોન્સૂન કામગીરીની સમીક્ષા બેઠક યોજાઈ હતી. આ સમીક્ષા બેઠકમાં પ્રિ મોન્સૂન કામગીરી તથા જિલ્લા પંચાયતના વહીવટી પ્રશ્નો અંગે વિસ્તુત ચર્ચા – વિચારણા કરવામાં આવી હતી. આ તકે રાજકોટ જિલ્લા પંચાયત ખાતે પ્રમુખ પ્રવિણાબેન રંગાણી એ જણાવેલ કે, ગુજરાતમાં પંચાયતી રાજ અને બિનસરકારી સંગઠનોના સહયોગથી પંચાયતી રાજ વ્યવસ્થા ગોઠવવા પાછળનો મુખ્ય ઉદ્દેશ રાખેલ છે કે જેમાં ચૂંટાયેલ પ્રતિનિધિઓ અને સરકારી અધિકારીઓ લોકોની વચ્ચે રહીને સ્થાનિક સહયોગથી કલ્યાણકારી સમાજવ્યવસ્થાનું નિર્માણ કરવામાં મહત્વનો ફાળો પ્રદાન કરે. ત્યારે દેશના પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વમાં દેશમાં ગામ પણ મહાનગરની જેમ હાઈટેક બને તે માટે ભાજપ સરકાર દ્વારા અનેકવિધ યોજનાઓ અમલમાં મુકવામાં આવી છે.
- Advertisement -
ત્યારે આગામી વર્ષાઋતુને ધ્યાને લઈ શાળાઓના ઓરડા, આંગણવાડીઓ, આરોગ્ય કેન્દ્ર, ગ્રામ પંચાયતો, પશુ દવાખાનાઓના બિલ્ડિંગોની સ્થિતિની સમિક્ષા કરી તથા જરુરી લાગે ત્યાં મરામત કરવા સુચનાઓ આપી હતી. વર્ષાઋતુ દરમિયાન અતિવૃષ્ટિના કિસ્સામાં ખેતીવાડી ક્ષેત્રે નુકશાન થાય તો કે અંગે સર્વે ટીમ સ્ટેન્ડ બાય રાખવા સુચનાઓ આપી. પશુ-પાલન વિભાગ પાસે વર્ષાઋતુ દરમિયાન પશુઓ માટે જરૂરી તમામ દવાઓનો જથ્થો ઉપલબ્ધ, સિંચાઈ વિભાગના ડેમો છે ત્યાં વધુમાં વધુ વૃક્ષા રોપણ થાય તે માટે પ્રયાસો કરવા, આગામી વર્ષાઋતુ માટે આગોતરા આયોજન અર્થે તાલુકાના સ્ટાફની વિગતો, બચાવના સાધનો, વરસાદ માપક યંત્ર, સલામત આશ્રય સ્થાન,નીચાણવાળા પૂર ભયગ્રસ્ત ગામો, ગામમાં આવેલ તરવૈયા- સ્વયંસેવકોની યાદી તાલુકા વાઇઝ કરવી. વર્ષાઋતુ દરમ્યાન તાલુકા કક્ષાએ ભારે વરસાદ, વાવાઝોડા, વીજળી પડવી, પૂર જેવી કુદરતી આપત્તિઓને કારણે ઉભી થયેલી મુશ્કેલ પરિસ્થિતિમાં તાત્કાલિક જિલ્લા કક્ષાના 24*7 કાર્યરત કંટ્રોલ રૂમમાં જાણ કરવા અંગે ડિઝાસ્ટર રિસ્ક મેનેજમેન્ટ પ્લાન અમલમાં મુકવામાં આવેલ હોય તાલુકા કક્ષાએ તાલુકા આપત્તિ વ્યવસ્થા પ્લાન તથા તમામ ગ્રામ પંચાયતોએ વિલેજ આપત્તિ વ્યવસ્થાપન પ્લાન અદ્યતન કરીને સ્ટેટ ડિઝાસ્ટર રિસોર્સ નેટવર્ક પર ઓનલાઇન અપડેટ કરવામાં આવેલ છે.