રાજકોટ મનપાનું વર્ષ 2023-24નું 2586.82 કરોડનું ડ્રાફ્ટ બજેટ સ્ટેન્ડિંગ કમિટી સમક્ષ કમિશનર દ્વારા રજૂ
ખાસ-ખબર સંવાદદાતા
રાજકોટ મનપાનું વર્ષ 2023-24નું 2586.82 કરોડનું ડ્રાફ્ટ બજેટ સ્ટેન્ડિંગ કમિટી સમક્ષ મ્યુનિ.કમિશનર દ્વારા રજૂ કરવામાં આવ્યું હતું. જેમાં અનેક નવી જાહેરાતો તથા નવા પ્રોજેક્ટને સમાવેશ કરવામાં આવ્યા છે. જેમાં રાજકોટ શહેરની જનતાને મિલકત વેરા અને પાણી વેરામાં તોતિંગ વધારો ઝીંકવામાં આવ્યો છે. બજેટની અંદર રહેણાંક મકાનોમાં પાણી વેરો 840 રૂપિયાથી વધારીને 2400 રૂપિયા કરવામાં આવ્યો છે જયારે કોમર્શિયલની અંદર 1680થી વધારીને રૂપિયા 4800 કરવામાં આવ્યો છે. નવા વર્ષના બજેટમાં કમિશ્નર અમિત અરોરાએ ગત વખતની જેમ જ ફુલગુલાબી અને આકાશી યોજનાઓ મૂકી નથી. અંદાજપત્રને વાસ્તવિકતાથી નજીક રાખ્યુ છે. હયાત બ્રીજ સહિતના પ્રોજેકટ પૂરા કરવા પર ફોકસ રાખ્યું છે. અનિવાર્ય એવા સાંઢીયા પુલના નવનિર્માણ માટે 60 કરોડ, માલવિયા કોલેજ ફાટક વિસ્તૃતિકરણ માટે રૂા.1 કરોડ અને કટારીયા ચોકડીએ બ્રીજના સર્વે માટે રૂા. 50 લાખની જોગવાઇ રાખી છે. આ ઉપરાંત અનિવાર્ય એવા વિકાસના કામો ઉપર જ વધુમાં વધુ ધ્યાન રાખવામાં આવ્યું છે. આજે પોતાનું બીજું બજેટ રજૂ કરતા કમિશનરે રાજકોટમાં હવાની ગુણવત્તા સુધારવા, જાહેર માર્ગો ડસ્ટ ફ્રી કરવા અને પીવાના શુધ્ધ પાણી લોકો સુધી પહોંચાડવાને જ અગ્રતા આપી છે. આજે કમિશનરે સ્ટે.ચેરમેન પુષ્કર પટેલને અંદાજપત્ર સોંપ્યુ હતું. હવે સ્થાયી સમિતિ એકાદ સપ્તાહ અભ્યાસ કર્યા બાદ જરૂરી સુધારા વધારા સાથે બજેટ મંજૂર કરશે.
- Advertisement -
થિયેટર વેરામાં 10 ગણો વધારો ઝીંકાયો: પિક્ચર જોવું મોંઘુ થશે
મહાનગરપાલિકા દ્વારા થિયેટર વેરામાં 10 ગણો વધારો ઝીકવામાં આવ્યો છે. મનપા કમિશનરના જણાવ્યા મુજબ છેલ્લે વર્ષ 2016-17 માં થિયેટર ટેક્સના દરમાં સુધારણા કરવામાં આવ્યા જે મુજબ સને 2022-23 સુધી પ્રતિ શો રૂ.100 લેખે વસૂલવામાં આવે છે. સિનેમાદારો દ્વારા જે પહેલા સિંગલ સિનેમા ઘર હતાં. હવે મલ્ટિપ્લેક્સ થઇ ચુક્યા છે આ બાબતો ધ્યાને લઇ નાણાંકીય વર્ષ 2023-24થી થિયેટર ટેક્સ પ્રતિ શો રૂ.1000 લેખે નિયત કરી વસુલવાની દરખાસ્ત કરવામાં આવી છે.
ગારબેજ કલેક્શનમાં પ્રતિવર્ષનાં રૂ.365ની બદલે 730 કરવા સૂચન
- Advertisement -
રહેણાંકમાં પ્રતિ સ્કવેર મીટર રૂપિયા 2નો વધારો કરી 13 કરાશે
રાજકોટ શહેરમાં રોજ 20 મીનીટ પાણી વિતરણ માટે સૌની યોજનાથી પણ પાણી લેવામાં આવે છે. જળાશયોથી પાણી પમ્પીંગ કરવા સહિતનો મેન્ટેનન્સ ખર્ચ 157 કરોડે પહોંચી ગયો છે. હાલ 2008થી રહેણાંકમાં રૂા. 840 વોટર ચાર્જ લેવામાં આવે છે જે નવા વર્ષથી માસિક રૂા.200 લેખે રૂા.2400 કરવા પ્રસ્તાવ મુકયો છે. કોમર્શિયલનો દર રૂા.1680માંથી માસિક રૂા. 400 લેખે વાર્ષિક રૂા.4800 સૂચવવામાં આવ્યો છે. ઘરે ઘરે કચરા એકત્રીકરણની વ્યવસ્થા ખુબ સફળ થઇ છે. હાલ ડોર ટુ ડોર ગાર્બેજ કલેકશન ચાર્જ રહેણાંક મિલ્કત માટે રોજના રૂા. એક લેખે વાર્ષિક 365 અને બિન રહેણાંકમાં રોજના રૂા. બે લેખે વાર્ષિક રૂા. 730 લેવામાં આવે છે. છેલ્લા પાંચ વર્ષમાં આ ખર્ચ વર્ષે 15 કરોડથી વધીને હવે 30 કરોડ થવા જાય છે. 2016 બાદ કોઇ વધારો કરાયો ન હોય, નવા વર્ષથી ઘરદીઠ દૈનિક રૂા. બે લેખે રૂા. 730 અને બિનરહેણાંકમાં રોજના રૂા. 4 લેખે રૂા. 1460 ચાર્જ રાખવા દરખાસ્ત મુકવામાં આવી છે.
મિલકત વેરામાં વધારો
2018માં કાર્પેટ એરિયાબેઈઝ મિલકતવેરા પધ્ધતિ લાગુ કરવામાં આવ્યા બાદ મિલકતવેરામાં કોઈ વધારો કરવામાં આવ્યો ન હતો પરંતુ ચાલુ વર્ષમાં રહેણાંકમાં પ્રતિ સ્કવેર મીટર દીઠનો હાલનો દર રૂા.11 છે જેમાં 2 રૂપિયાનો વધારો કરી રૂા.13 કરવા માટે સૂચવ્યું છે. કોમર્શિયલ મિલકતોના વેરામાં હાલ પ્રતિ સ્કવેર મીટર દીઠ રૂા.22નો દર અમલી છે જેમાં રૂા.3નો વધારો કરીને રૂા.25 કરવા સૂચવાયું છે.
દંડિત બિસ્વીન અને મેક્સ પાણીની બોટલ બજેટ બેઠકમાં મૂકાતાં વિવાદ
RMCમાં બજેટ રજૂ કરતી વખતે સભ્યોને જે પાણી પીવાલાયક નથી તે પાણીની બોટલો પીવા માટે આપવામાં આવી હતી. બજેટ બેઠકમાં રાજકોટ કોર્પોરેશન દ્વારા થોડા દિવસ પહેલાં જ બિસ્વીન બેવરેજીસ અને મેક્સ બેવરેજીસ કંપનીની પાણીની બોટલનાં નમૂના ફેલ થયા હતા અને તેમને દંડ ફટકારાયો હતો તે મૂકાતા વિવાદ છેડાયો છે.
બજેટ હાઈલાઈટ્સ
– સાંઢીયા પુલવાળા રોડને પહોંળો કરાશે, ઓવરબ્રિજની ડિઝાઈન નક્કી થશે
-મોટામવા સ્મશાનથી ન્યારી ડેમ સુધીનો રોડ પહોંળો કરાશે
– જંક્શન રોડ પહોળો કરાશે, જમીન સંપાદન થશે
-અમીન માર્ગને પણ 3 મીટર વધુ પહોંળો કરાશે
– રાજમંદિર ફૂડ ઝોનના રોડને પણ પહોળો કરવા જમીન સંપાદન કરાશે
-દસ્તુર માર્ગ સામે રેલવે લાઈનની નીચે નવું નાલું બનશે
-7 રસ્તાને 4.30 કરોડના ખર્ચે ડસ્ટ ફ્રી કરાશે
-CEPT યુનિ.ની સહાયતાથી મેગા વોટર પ્રોજેક્ટ
-શહેરના સ્લમ વિસ્તારમાં 16 હેલ્થ તથા વેલનેસ સેન્ટર બનશે
-જૂન માસ સુધીમાં 100 નવી ઈલેક્ટ્રીક બસ મુકાશે
-એશિયાટિક લાયન સફારી પાર્ક બનાવવામાં આવશે
-વોર્ડ નંબર 12માં આંતરરાષ્ટ્રીય કક્ષાનું સ્પોર્ટ્સ કોમ્પ્લેક્ષ
-100 CNG બસની ખરીદી કરવામાં આવશે