આ બેઠકમાં બંને ભાજપના ઉમેદવાર જ ચૂંટણી લડતાં ચર્ચાનો વિષય બની
ખાસ-ખબર સંવાદદાતા
રાજકોટ જિલ્લા સહકારી સંઘની એક બેઠક પરથી ભાજપના જ બે ઉમેદવારો સામ-સામે આવતાં આ મામલો ચર્ચાનો વિષય બન્યો છે. એક જ બેઠક પરથી ભાજપના જ એન.ડી. સિલુએ મેન્ડેડ ઉમેદવાર મનસુખ સખરવા સામે ફોર્મ ભર્યુ છે.
આ અંગે વધુમાં આર.ડી.સી. બેંકના ચેરમેન અને ભાજપના ધારાસભ્ય જયેશ રાદડીયાએ જણાવ્યું હતું કે રાજકોટ જિલ્લા સહકારી ક્ષેત્રમાં ભારતીય જનતા પાર્ટી પ્રેરિત બેઠકમાં 16 બેઠક આ પહેલાં બિનહરીફ થઈ ચૂકી છે અને હવે એક બેઠકની ચૂંટણી માટે આજરોજ મતદાન થયું હતું. તેમાં આ સીટ પર પણ ભારતીય જનતા પાર્ટીના મનસુખ સખરવા જંગી લીડ સાથે જીતશે તેવી આશા વ્યક્ત કરી હતી. વધુમાં એક બેઠકમાં ભાજપના જ બે ઉમેદવારો ચૂંટણી લડતાં આંતરિક જૂથવાદ જોવા મળ્યો છે. આ અંગે વધુમાં ઉમેદવાર ડોકટર એન. ડી. શીલુએ કહ્યું કે મેન્ડેટ જોવા માગ્યુ હતું પરંતુ મને જોવા ન આપતાં આ ફોર્મ ભર્યુ છે અને મેન્ડેટ પ્રદેશમાંથી આવ્યું છે કે નહીં તે પણ એક પ્રશ્ર્ન છે તેવું નિવેદન આપ્યું હતું.
ડોકટર એન. ડી. શિલુએ સહકારી ક્ષેત્ર પર અનેક સવાલો ઉઠાવ્યા છે અને કહ્યું કે સહકારી ક્ષેત્રે અશુદ્ધિકરણ છે જેનું શુદ્ધિકરણ થવું જોઈએ ત્યારે તેના વળતા જવાબમાં જયેશ રાદડીયાએ કહ્યું કે શુદ્ધિકરણ કરવા જ આજે ચૂંટણી યોજાઈ છે અને સાંજ સુધીમાં શુદ્ધિકરણ થઈ જશે તેવું અંતમાં જણાવ્યું હતું. આમ ભાજપમાં જ આંતરિક જૂથવાદ જોવા મળ્યો હતો.