ખાસ-ખબર સંવાદદાતા
રાજકોટ જિલ્લા કોંગ્રેસમાં એક સાંધે ત્યાં તેર તૂટે જેવી સ્થિતિ જોવા મળી રહી છે. રાજકોટ અને લોધીકા તાલુકા કોંગ્રેસ પ્રમુખે રાજીનામુ આપ્યા બાદ આજે રાજકોટ જિલ્લા કોંગ્રેસ અનુસૂચિત જાતિના ચેરમેન સવજી પરમારે રાજીનામુ આપતા રાજકારણમાં ગરમાવો જોવા મળી રહ્યો છે. સવજી પરમારે ગુજરાત કોંગ્રેસ પ્રદેશ પ્રમુખ અને ગુજરાત પ્રદેશ કોંગ્રેસ અનુસૂચિત જાતિના પ્રમુખને લેખિત રાજીનામુ આપતા કોંગ્રેસમાં વધુ એક ભંગાણ સામે આવ્યું છે. વિધાનસભા ચૂંટણી પૂર્વે કોંગ્રેસમાં ભંગાણ
રાજકોટ તાલુકા કોંગ્રેસ સમિતિના પ્રમુખ સંજય ખૂંટ અને લોધિકા તાલુકા કોંગ્રેસ સમિતિના પ્રમુખ મયુરસિંહ જાડેજાએ બે દિવસ પૂર્વે રાજીનામુ આપ્યા બાદ આજે તેના સમર્થનમાં જિલ્લા કોંગ્રેસ અનુસૂચિત જાતી ચેરમેન સવજી પરમારે ગુજરાત પ્રદેશ કોંગ્રેસ પ્રમુખને રાજીનામું આપી દીધું છે. તેમણે લેખિતમાં જણાવ્યું છે કે સંજય ખુંટ અને મયુરસિંહ જાડેજાના સમર્થનમાં હું રાજીનામુ આપું છુ. પક્ષમાં કામની નોંધ ન લેવાતા અગાઉ બે પ્રમુખે રાજીનામાં આપ્યા હતા. જયારે આજે વધુ એક રાજીનામુ પડતા વિધાનસભા ચૂંટણી પૂર્વે કોંગ્રેસમાં એક બાદ એક ભંગાણથી આવતા દિવસોમાં ભાજપમાં કેસરિયો ધારણ કરે તેવી શક્યતા સેવાઈ રહી છે.