મરણ જનારે મોબાઈલ ફોનમાં વિડીયો બનાવી આપઘાત કરેલો હતો
ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ
- Advertisement -
બનાવની હકીકત જોવામાં ફરિયાદી ભાવનાબેન મુકેશભાઈ સરેરીયાએ એ મતલબની ફરિયાદ લખાવેલી કે તા. 1-5-25ના રોજ તેઓ તેઓના ઘરે હતા ત્યારે તેઓના પુત્રવધૂ રીમાબેનનો ફોન આવેલો અને કહ્યું કે તેના પતિ એટલે કે ફરિયાદીના પુત્ર કમલેશભાઈ ફોન ઉપાડતા નથી જેથી તેઓને જગાડો જેથી ફરિયાદી કમલેશભાઈને જગાડવા ગયા પરંતુ દરવાજો અંદરથી બંધ હોય બેથી ત્રણ વખત ખખડાવતા ખોલેલો નહીં જેથી તેઓએ પાડોશી અભિષેકભાઈને બોલાવી અને તેઓના દિયર દીનેશભાઈને પણ ફોન કરીને બોલાવેલા અને તેઓ બધા આવી જતાં બધાએ દરવાજો ખખડાવતા અંદરથી કોઈ જ જવાબ નહીં મળતાં તેઓએ ભેગા મળી દરવાજો તોડી નાખેલો અને અંદર જોતાં આ કમલેશભાઈ ગળાફાંસો ખાધેલી હાલતમાં પંખા સાથે લટકતા હતા અને ત્યારબાદ કોઈએ ફોન કરતાં પોલીસ આવી જતાં લાશની અંતિમવિધિ માટે પી.એમ. કરવા માટે લઈ ગયા અને ત્યારબાદ અંતિમ સંસ્કારની વિધિ પૂરી થતાં તેઓના દિયર દીનેશભાઈએ આ કમલેશનો મોબાઈલ ચેક કરતાં તેમાં એક વીડિયો બનાવેલો હોય જેમાં વીડિયોમાં તેઓએ જણાવેલું છે કે હું કોઈથી થાક્યો નથી હો અને કોઈથી બીતો નથી મારી રીમાનું ધ્યાન રાખજો હું આ પગલું ભરું એનું કોઈ જિમ્મેદાર નથી અને જો આ સલીમ દલે અને ઝાકીર દલે હાથમાં બે પાઈપ મારેલા હતા અને મારી બદનક્ષી થઈ છે આખા રોડ ઉપર તેના કારણે હું આ પગલું ભરું છું આનું કોઈ જિમ્મેદાર નથી અને મારા મમ્મીનું અને મારા ભાઈનું અને દીનેશકાકા તમે બહુ ધ્યાન રાખજો તમે મારા બાપા છો એટલે તમને કહું છું અને આ વીડિયો ઉતારવાનું કારણ એ જ છે બીજું કાંઈ નથી જેથી ઉપરોક્ત આરોપીઓએ મરણ જનારને ત્રાસ આપી મરવા મજબૂર કરેલા હોય જેથી ફરિયાદીએ ઉપરોક્ત આરોપીઓ સલીમ અસ્લમ દલ તથા જાકીર અસ્લમ દલ વિરુદ્ધ ફરિયાદ કરેલ જે અનુસંધાને રાજકોટ શહેર આજી ડેમ પોલીસ સ્ટેશન દ્વારા બી.એન.એસ.ની કલમ 108, 351(3) તથા 54 મુજબનો ગુન્હો નોંધેલો હતો અને જે અનુસંધાને બંને આરોપીઓની ધરપકડ કરવામાં આવેલી હતી તે પૈકી આરોપી સલીમ અસ્લમ દલ દ્વારા નામદાર સેશન્સ અદાલતમાં રેગ્યુલર જામીન અરજી કરવામાં આવેલી હતી.
જામીન અરજીના અનુસંધાને એ મતલબની રજૂઆત કરવામાં આવેલી હતી કે ફરિયાદીએ ખોટી ફરિયાદ આપી આરોપીઓને સંડોવી દીધેલા છે તેમજ આરોપી દ્વારા મરણ જનારને કોઈ બાબતે કોઈ ત્રાસ આપેલો હોય તેવું ફરિયાદ જોતાં જણાય આવતું નથી. ફરિયાદ જોતાં આરોપીને ખોટી રીતે સંડોવી દીધેલા છે, મરણ જનારને એવો કોઈ ત્રાસ જણાય આવતો નથી કે તેઓને મરવા મજબૂર થવું પડે, પરંતુ તેની જગ્યાએ તેઓ ફરિયાદ કરી શકતા હતા તેમજ આ બનાવ અંગે મરણ જનારએ કોઈ ફરિયાદ કરેલી નથી કે કોઈને જાણ પણ કરેલી નથી તેમજ આવો બનાવ નજરે જોનાર કોઈ વ્યક્તિ મળી આવેલી નથી તેવા સંજોગોમાં આરોપીને જામીન મુક્ત કરવા જોઈએ. બચાવ પક્ષની દલીલો ને પોલીસ તપાસના કાગળો તેમજ નામદાર ગુજરાત હાઈકોર્ટ તથા સુપ્રીમ કોર્ટના ચૂકાદાઓ ધ્યાને લઈ રાજકોટ સેશન્સ અદાલત દ્વારા સલીમ અસ્લમ દલને શરતી જામીન ઉપર મુક્ત કરવા હુકમ ફરમાવેલો હતો.
આ કામમાં રાજકોટના પ્રખર ધારાશાસ્ત્રી ભગીરથસિંહ ડોડીયા, ખોડુભા સાકરીયા, મીલન જોષી, જયવિર બારૈયા, દિપ પી. વ્યાસ, રવિરાજસિંહ જાડેજા, જયપાલસિંહ સોલંકી, સાગરસિંહ પરમાર, જય અકબરી તથા યજ્ઞેશ ખેર એડવોકેટ તરીકે રોકાયેલા હતા.



