સામાન્ય લોકોને વેરો ન ભરતા દંડતી મનપાનું કૂણું વલણ
વેરાની ઉઘરાણી કરતા કલેક્ટર તંત્રએ ગ્રાન્ટ આવ્યા બાદ વેરો ચૂકવવાની ખાતરી આપી
- Advertisement -
ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ, તા.24
સામાન્ય લોકો જયારે વેરો ના ભરે તો તંત્ર દ્રારા કડક રીતે તેની ઉઘરાણી કરવામાં આવે છે,પરંતુ આ વખતે કંઈક ઉલટી ગંગા વહી રહી છે,જેમાં રાજકોટ કલેકટર કચેરીનો અધધ રૂપિયાનો વેરો ભરવાનો બાકી છે અને તે વેરાની કિંમત રૂ.3.22 કરોડ થાય છે, કલેકટર દ્વારા રાજય સરકાર પાસે ગ્રાન્ટ મેળવવા માટે હાથ લાંબો કર્યો છે,તો રાજય સરકાર રૂપિયા આપશે તે પછી આ વેરો ભરપાઈ કરવામાં આવશે.
રાજકોટમાં નગરપાલિકા કલેક્ટર તંત્ર પાસે મિલકત અને પાણી વેરાના કરોડોના બીલ માંગે છે અને તે ભરવા સંદર્ભે સરકાર પાસે ખાસ ગ્રાન્ટ માંગી છે, કોર્પોરેશન કલેકટર તંત્ર પાસે મિલ્કત વેરાના 2 કરોડ 5 લાખ તો પાણીના 1 કરોડ 17 લાખ માંગે છે. કલેકટર તંત્રે છેલ્લે 2018-19માં કોર્પોરેશનને 23 લાખ 96 હજારથી વધુ રકમ ભરી હતી. ત્યારબાદ કોઇ રકમ ભરાઇ નથી. આ દરમિયાન કલેકટરે જણાવ્યું હતું કે, ઇવીએમ વેર હાઉસ જે માધાપર ચોકડી પાસે આવેલ છે તેનો 1 લાખ 92 હજારનો વેરો ભરી દેવાયો છે.
- Advertisement -
RTO એ વાહન વેરો ના ભરનારનું લિસ્ટ બનાવ્યું સૌરાષ્ટ્ર યુનિવર્સિટીનો પણ વેરો બાકી
રાજકોટ RTO કચેરીના ઇતિહાસમાં પ્રથમ વાર વેરો ભરપાઈ ન કરનારા વાહન ધારકોને નોટિસો ફટકારવામાં આવી રહી છે. જેમાં 1,223 વાહનને નાયબ મામલતદાર મારફત RTO એટલે કે રેવન્યુ રિકવરી સર્ટિફિકેટ ઈસ્યુ કરવામાં આવી રહ્યા છે. 2થી 8 વર્ષ સુધી વેરો ભરપાઈ ન કરનારા વાહન ધારકોને 20 કરોડથી વધુના વેરાની ચૂકવણી માટે નોટિસ આપવામાં આવી રહી છે.
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીનો કુલ આશરે 15 કરોડ રૂપિયા જેટલો વેરો બાકી છે. જેમાં ગયા વર્ષનો 12 કરોડ રૂપિયા જેટલો વેરો બાકી છે. મહાનગર પાલિકાને વેરાની ટોટલ 120.85 કરોડ રૂપિયાની આવક થઈ છે. ગયા વર્ષ કરતા આશરે 10 કરોડ રૂપિયા જેટલી વધારે આવક થઈ છે. રાજકોટ શહેરના કુલ 193657 જેટલા પ્રમાણિક કરદાતાઓએ વેરો ભર્યો છે. ગયા વર્ષની સરખામણીએ આ વર્ષે વેરાની આવક વધી છે, જેની પાછળ અનેક કારણો છે. જેમાનું એક કારણ લોકોમાં વેરો ભરવા અંગેની જાગૃતિ વધી છે તો સાથે સાથે રાજકોટ શહેરની મિલકતમાં પણ વધારો થયો છે.