72 કલાક બાદ પણ આરોપી જયદીપ ચાવડા પોલીસ પકડથી દૂર OPD અને વોર્ડની કામગીરી ઠપ્પ, માત્ર ઇમર્જન્સી સેવાઓ ચાલું
ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ
- Advertisement -
શહેરની પીડીયુ સિવિલ હોસ્પિટલના ન્યુરો સર્જરી વિભાગના રેસિડેન્ટ ડોક્ટર પાર્થ પંડ્યા પર થયેલા હુમલાના વિરોધમાં આજે જુનિયર ડોક્ટરોએ સજ્જડ હડતાલનું શસ્ત્ર ઉગામ્યું છે. ગત 29 ડિસેમ્બરની રાત્રે લોહીની ચિઠ્ઠી બાબતે થયેલી માથાકૂટમાં જયદીપ ચાવડા નામના શખ્સે ડોક્ટરને ટેબલ પર પછાડી માર માર્યો હતો. ઘટનાના 72 કલાક વીત્યા છતાં આરોપી ન પકડાતા મેડિકલ કોલેજ કેમ્પસમાં ડોક્ટરોએ સૂત્રોચ્ચાર સાથે વિરોધ પ્રદર્શન કર્યું હતું.
આરોપીના સરઘસની માંગ અને ઇમર્જન્સી સેવાઓ જુનિયર ડોક્ટર્સ એસોસિએશનની માંગ છે કે પોલીસ તાકીદે આરોપીને પકડી તેનું રિ-ક્ધસ્ટ્રક્શન કરી સરઘસ કાઢે, ત્યાં સુધી હડતાલ ચાલુ રહેશે. હાલ તમામ રેસિડેન્ટ અને ઇન્ટર્ન ડોક્ટરો ઓપીડી અને વોર્ડની કામગીરીથી અળગા રહ્યા છે, જોકે દર્દીઓની હાલત ધ્યાને રાખી માત્ર ઇમર્જન્સી અને આઈસીયુ સેવાઓ ચાલુ રાખવામાં આવી છે. હડતાલને પગલે સિવિલમાં સારવારનું ભારણ સિનિયર ડોક્ટરો અને વિભાગીય વડાઓ પર વધ્યું છે. તંત્રની તૈયારી અને વિરોધ પ્રદર્શન તબીબી અધિક્ષક ડો. મોનાલી માકડિયાએ જણાવ્યું કે દર્દીઓને હાલાકી ન પડે તે માટે વૈકલ્પિક વ્યવસ્થા ગોઠવવામાં આવી છે. બીજી તરફ, ડોક્ટરોએ ’સેવ ધ સેવિયર્સ’ અને ’સ્ટોપ વાયોલન્સ’ના બેનરો સાથે ડીન અને સુપરિન્ટેન્ડેન્ટને આવેદનપત્ર પાઠવ્યું છે. પ્રદ્યુમનનગર પોલીસે સરકારી ફરજમાં રૂકાવટનો ગુનો નોંધી આરોપીના નિવાસસ્થાને દરોડા પાડ્યા છે, પરંતુ આરોપી હજુ ફરાર છે.



