રાજકોટને મુંઝવતા પ્રશ્ર્નોમાંથી સુવ્યવસ્થાના સ્થાપન અંગે પોતાના વિચારો નિબંધ સ્પર્ધામાં વ્યક્ત કરાયા
ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ
- Advertisement -
છેલ્લા અનેક મહિનાઓથી રાજકોટમાં બની રહેલા દરરોજ અસંખ્ય જમીન કૌભાંડો, ભ્રષ્ટાચાર અને ગેરરીતિઓ સામે સામાન્ય માણસને જાગૃત કરવા માટે રાજકોટ શહેર યુથ કોંગ્રેસ અને એન.એસ.યુ.આઈ. દ્વારા રાજકોટના નાગરિકો માટે યોજવામાં આવેલા ‘કુશાસન સામે શબ્દકોષ’ નામે આશ્ર્ચર્યજનક નિબંધ સ્પર્ધાનું પરિણામ સોમવારે સવારે હેમુ ગઢવી હોલ ખાતે યોજાયેલા એક ગરિમાપૂર્ણ કાર્યક્રમમાં જાહેર કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે ગુજરાત પ્રદેશ કોંગ્રેસના કાર્યકરી પ્રમુખ ઈન્દ્રવિજયસિંહ ગોહિલ સહિત પ્રદેશ કોંગ્રેસ અને સ્થાનિક નેતાઓ સહિત મોટી સંખ્યામાં સ્પર્ધકો અને નગરજનો ઉપસ્થિત રહ્યા હતા.
રાજકોટ મહાનગરપાલિકાના માધ્યમથી સુશાસન પ્રસ્થાપિત થાય અને લોકો ભ્રષ્ટાચાર સામે પોતાના હક્ક અંગે જાગૃત બને તેવા ઉમદા હેતુથી યોજાયેલી આ સ્પર્ધામાં કુલ 427 સ્પર્ધકોએ પોતાના નિબંધો રજૂ કર્યા હતાા, જે પૈકી 177 બહેનોએ પણ નિબંધ સ્વરૂપે સુશાસન અંગેના પોતાના વિચારો વ્યક્ત કર્યા હતા. ઉલ્લેખનીય છે કે સ્પર્ધાના મૂળભૂત હેતુને ધ્યાનમાં રાખીને કોંગ્રેસના નેતાઓ- કાર્યકર્તાઓ અને સમર્થકોને આ સ્પર્ધામાં ભાગ ન લેવા સૂચના આપવામાં આવી હતી. સ્પર્ધામાં પ્રાપ્ત થયેલા નિબંધોને ખ્યાતનામ પ્રોફેસરોની બનાવવામાં આવેલી કમિટીએ એકથી વધુ વખત તપાસ્યા હતા અને ત્યાર બાદ અમદાવાદ સ્થિત પ્રતિષ્ઠિત ગાંધીવાદી સંસ્થાના પૂર્વ કુલપતિ દ્વારા નિબંધોને ગુણવત્તાના આધારે 1થી 3 નંબર આપવામાં આવ્યા હતા.
અગાઉ રાજકોટ શહેર યુથ કોંગ્રેસ દ્વારા પ્રથમ વિજેતા બનનાર નિબંધના લેખકને 51000 રૂપિયાનું રોકડ ઈનામ આપવાની જાહેરાત કરવામાં આવી હતી, ત્યાર બાદ દ્વિતીય ક્રમે વિજેતા સ્પર્ધકને 21000 તેમજ તૃતિય સ્પર્ધકને 11000નું રોકડ ઈનામ આપવાની જાહેરાત કરવામાં આવી હતી, પરંતુ સ્પર્ધામાં ભાગ લેનાર સ્પર્ધકોની ગુણવત્તા જોતાં વધારાના 1થી 4 સ્પર્ધકોને પ્રોત્સાહિત રૂપે રોકડ ઈનામ 1100 રૂપિયા એનાયત કરવામાં આવ્યા હતા.
- Advertisement -
સ્પર્ધામાં જાહેર થયેલા પરિણામો મુજબ પ્રથમ ક્રમે દ્વિજા કાનાબારે મેદાન માર્યું હતું. જ્યારે દ્વિતીય સ્થાને જાગૃતિ પટેલ તેમજ તૃતિય ક્રમે પ્રિયંકા જે. નાગર વિજેતા થયા હતા. જ્યારે પ્રોત્સાહિત ઈનામ માટે પ્રથમ ક્રમે ડો. પૂજા ઠાકર, દ્વિતીય સ્થાને આયુષ યાદવ, તૃતિય ક્રમે જય ચૌહાણ અને ચતુર્થ ક્રમે ઈલાબેન જોશી વિજેતા થયા હતા. જેમને ઉપસ્થિત મહેમાનોના હસ્તે ઈનામો એનાયત કરાયા હતા.
આ નિબંધ સ્પર્ધામાં ભાગ લેનાર રાજકોટના નાગરિકોએ આયોજન અને બાંધકામ, ટાઉન પ્લાનિંગ, બીસ્માર રોડ રસ્તાઓ, ખાડે ગયેલી ગટર અને ડ્રેનેજ વ્યવસ્થા, વોર્ડ વાઈઝ શાક માર્કેટનો અભાવ, રમતના મેદાનોનો અભાવ, શહેરના સુકાયેલા બગીચાઓ, કોર્પોરેશનની વેરા વ્યવસ્થામાં મનમાની અને ભ્રષ્ટાચાર, ફૂડ સ્ટ્રીટની અયોગ્ય વ્યવસ્થા, વધેલી ગંદકી, ફરવાલાયક સ્થળોની માવજતનો અભાવ, અધકચરી તબીબી સુવિધાઓ અને હેલ્થ સેન્ટરો, મહાનગરપાલિકાના હસ્તકની શાળાઓમાં ખાડે ગયેલી શિક્ષણ વ્યવસ્થા વગેરે રાજકોટને મુંઝવતા પ્રશ્ર્નોમાંથી સુવ્યવસ્થાનું સ્થાપન કેવી રીતે કરી શકાય તે અંગે પોતાના વિચારો વ્યક્ત કર્યા હતા.
આ નિબંધ સ્પર્ધાને સફળ બનાવવા માટે ડો. રાજદીપસિંહ જાડેજા તેમજ મુકેશ ચાવડા, નીતિન ભંડેરી, આદિત્યસિંહ ગોહિલ, નરેન્દ્ર સોલંકી, વૈશાલી શીંદે, હરપાલસિંહ જાડેજા, અલ્પેશ સાધરીયા, રવિ જીત્યા, દીપ ભંડેરી, પ્રદીપ ડોડીયા, બ્રિજરાજસિંહ રાણા, રિયાઝ સુમરા, ડો. સોહીલ જરિયા, અશાંશ ગોસ્વામી, વરુણ જાની, અંકિત સોંદરવા, આર્યન પટેલ, ગૌરવ ખીમસુરીયા, આર્યાનસિંહ રાજપૂત, ઝાહીર ખત્રી, કિશન સોઢા, સમીર ચૌહાણ, હિમાંશુ સોલંકી, મેહુલ માટીયા, મોહિત, હિરલબા રાઠોડ, મયુરી પુરોહિત, દીપુ રવિયા, ધર્મિષ્ટાબા જાડેજા, ભાવના વાઘેલા, ઉષા કવા વગેરેએ જહેમત
ઉઠાવી હતી.