પાર્ટી વિરુદ્ધ કામ કરી કોંગ્રેસી મિત્રો સાથે મળી પેનલ જીતાડી હોવાનો આક્ષેપ; ‘પક્ષદ્રોહી તરીકેની ઓળખ જ અમારી જીત’: અનિલભાઈ દેસાઈ
ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ
- Advertisement -
ગત 19 ડિસેમ્બરના રોજ યોજાયેલી રાજકોટ બાર એસોસિએશનની ચૂંટણી બાદ હવે રાજકીય ગરમાવો તેજ બન્યો છે. ભાજપ લીગલ સેલના પ્રદેશ સહસંયોજક અનિલભાઈ દેસાઈએ એક સનસનાટીભર્યું નિવેદન આપતા જણાવ્યું છે કે, વર્ષો સુધી ભાજપમાં હોદ્દા ભોગવનાર એક વ્યક્તિએ પક્ષ સામે જ બળવો પોકારી કોંગ્રેસના સાથ-સહકારથી ચૂંટણી જીતી પક્ષની પ્રતિષ્ઠાને નુકસાન પહોંચાડ્યું છે.
પાર્ટીના બેનરના ઉપયોગ પર પ્રતિબંધનો વિવાદ આક્ષેપ મુજબ, સંબંધિત વ્યક્તિએ 20 વર્ષ સુધી પક્ષના બેનરનો ઉપયોગ કરીને હોદ્દાઓ ભોગવ્યા હતા, પરંતુ આ વખતે ચૂંટણી સમયે તેમણે જ શહેર ભાજપ પ્રમુખ અને પ્રદેશમાં ફરિયાદ કરી હતી કે લીગલ સેલની પેનલે પાર્ટીના બેનરનો ઉપયોગ કરવો નહીં. આ ફરિયાદને પગલે શહેર ભાજપની સૂચના મુજબ લીગલ સેલની સમરસ પેનલે પક્ષના નિશાનનો ઉપયોગ કર્યો ન હતો. હોદ્દા પરથી દૂર કરાયા બાદ આ વ્યક્તિ છેલ્લા પાંચ વર્ષથી પક્ષની વિચારધારા વિરુદ્ધ પેનલ બનાવી કામ કરી રહ્યા હોવાનું સામે આવ્યું છે.
કોંગ્રેસ સાથે હાથ મિલાવી ભાજપને પછડાટ આપ્યાની ચર્ચા ચૂંટણી દરમિયાન આ પૂર્વ હોદ્દેદારે સ્ટેજ પર કોંગ્રેસી મિત્રોને સાથે બેસાડી ખુલ્લેઆમ બળવો પોકાર્યો હતો.
ચૂંટણી જીત્યા બાદ ન્યૂઝપેપરોમાં “ભાજપ લીગલ સેલનો સફાયો” અને “બુલડોઝર ફરી વળ્યું” જેવા હેડિંગ સાથે સમાચારો પ્રસિદ્ધ કરાવી પક્ષને નીચું દેખાડવાનો પ્રયાસ થયો હોવાનું અનિલભાઈ દેસાઈએ જણાવ્યું છે.
અગાઉ બાર કાઉન્સિલ ઓફ ઈન્ડિયા અને ગુજરાતમાંથી પણ આ વ્યક્તિને દૂર કરવામાં આવ્યા હતા.
લીગલ સેલના આગેવાનોનું માનવું છે કે, ચૂંટણીમાં ભલે તેમને હાર મળી હોય પણ પક્ષ વિરુદ્ધ કામ કરનારા વ્યક્તિની અસલિયત સામે આવી ગઈ છે, એ જ તેમની મોટી જીત છે.



