વિજેતા ઉમેદવાર હીરેન ડોબરીયા બાદ હવે સેક્રેટરી સંદીપ વેકરીયાને નિશાન બનાવાયાનો આક્ષેપ; બંધારણ વિરુદ્ધ ગેરકાયદેસર રીતે સભ્યપદ રદ્દ કરાતા મામલો ગરમાયો
ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ
- Advertisement -
રાજકોટ બાર એસોસિએશન (છઇઅ) માં વર્ષ 2024/25ની ચૂંટણી બાદ શરૂ થયેલો વિવાદ હવે વધુ ગરમાયો છે અને મામલો ગુજરાત હાઈકોર્ટ સુધી પહોંચ્યો છે. વર્તમાન કારોબારીના સેક્રેટરી પદના વિજેતા ઉમેદવાર સંદીપ વેકરીયાનું આગામી ચૂંટણીમાં ઉમેદવારી નોંધાવતા અટકાવવા માટે તેમનું સભ્યપદ ગેરકાયદેસર રીતે રદ્દ કરાતા તેમણે હાઈકોર્ટમાં અરજી દાખલ કરી હતી. વર્તમાન હોદ્દેદારો પર આક્ષેપ છે કે, સામેની પેનલમાંથી ચૂંટાઈ આવેલા ઉમેદવારોને સતત અવહેલના અને અપમાનિત કરવામાં આવ્યા હતા. આ કારણોસર સેક્રેટરી સંદીપ વેકરીયાએ તા. 23/09/2025 ના રોજ રાજીનામું આપ્યું હતું. જોકે, તેમનું રાજીનામું પેન્ડિંગ હતું.
ચૂંટણીમાં ઉભા રહેતા અટકાવવા કાર્યવાહી: તા. 29/11/2025 ના રોજ, ચૂંટણી કમિશ્નરની નિમણૂક થયા બાદ બાર એસોસિએશનની સત્તા મર્યાદિત હોવા છતાં, વર્તમાન પેનલ દ્વારા ગેરકાયદેસર મીટિંગ બોલાવવામાં આવી હતી.
આગામી ચૂંટણીમાં સુરેશ ફળદુની પેનલમાં જોઈન્ટ સેક્રેટરી પદે સંદીપ વેકરીયા ઉમેદવારી નોંધાવશે તેવી સોશિયલ મીડિયા પોસ્ટ બાદ, તેમને અટકાવવા માટે કોઈ જ એજન્ડા વગરની આ મીટિંગમાં વેકરીયાનું એક વર્ષ માટે સભ્ય પદ રદ્દ કરી દેવામાં આવ્યું હતું.
આ નિર્ણયને વેકરીયાએ બાર કાઉન્સિલ ઓફ ગુજરાતમાં પડકાર્યો હતો, જ્યાં બાર એસોસિએશનનો હુકમ રદ કરી વેકરીયાને ઉમેદવારી નોંધાવવાની મંજૂરી અપાઈ હતી. જોકે, આ હુકમને બાર કાઉન્સિલ ઓફ ઇન્ડિયા (ઇઈઈં)માં પડકારવામાં આવ્યો હતો અને ઇઈઈં દ્વારા સ્ટે મેળવી લેવાયો હતો. આ મામલે સંદીપ વેકરીયાએ ગુજરાત હાઈકોર્ટ સમક્ષ સ્પેશિયલ સિવિલ એપ્લિકેશન દાખલ કરી હતી. બંને પક્ષની દલીલો અને કાયદાકીય પરિસ્થિતિને ધ્યાનમાં લઈને નામદાર ગુજરાત હાઈકોર્ટે તા. 07/12/2025 ના રોજ ઇઈઈંના હુકમ પર સ્ટે ફરમાવ્યો હતો અને સંદીપ વેકરીયાને ચૂંટણીમાં ભાગ લેતા અટકાવવા નહીં તેવો સ્પષ્ટ હુકમ કર્યો હતો.
સંદીપ વેકરીયા વતી સિનિયર કાઉન્સિલ હર્ષિત ટોળિયા સાથે દર્શિત એમ. કામદાર રોકાયેલા હતા. આ કાર્યવાહીને કારણે સિનિયર અને જુનિયર વકીલોમાં આ મામલે ભારે રોષ જોવા મળી રહ્યો છે અને આગામી ચૂંટણીમાં સુરેશ ફળદુની પેનલને જંગી બહુમતીથી જીતાડવાનો માહોલ ઊભો થયો છે.



