બે બહેનોના એકના એક ભાઈ અને બે સંતાનોના પિતાના મોતથી પરિવારમાં શોક
ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ
રાજકોટના જામનગર રોડ પરના પરસાણાનગરના બેંક કર્મચારી યુવકનું હાર્ટએટેકથી મૃત્યુ થયું હતું. રવિવારે રાત્રે ક્રિકેટ રમીને ઘરે આવીને સૂઇ ગયો હતો પરંતુ સવારે જાગ્યો જ ન હોતો.
રાજકોટના પરસાણાનગરમાં રહેતા વિજયભાઇ બાબુભાઇ નારોલા ઉ.45 રવિવારે રાત્રે મિત્રો સાથે ક્રિકેટ રમવા ગયા હતા અને રાત્રે ક્રિકેટ રમી ઘરે આવીને સૂઇ ગયા હતા. સોમવારે સવારે મોડે સુધી નહીં જાગતાં પરિવારજનોએ તેમને ઉઠાડવાનો પ્રયાસ કર્યો હતો, પરંતુ તે જાગ્યા નહોતા. પરિવારજનોએ તેમને બેભાન હાલતમાં હોસ્પિટલમાં ખસેડ્યા હતા. જોકે ફરજ પરના તબીબે તેમને મૃત જાહેર કર્યા હતા. ઘટનાને પગલે પ્ર.નગર પોલીસનો સ્ટાફ દોડી ગયો હતો પોલીસની પ્રાથમિક તપાસમાં મૃતક બે બહેનના એકના એક ભાઇ અને સંતાનમાં એક પુત્ર અને એક પુત્રી હોવાનું જાણવા મળ્યું છે. વિજયભાઇ બેંકમાં નોકરી કરતા હતા બેંક કર્મચારી વિજયભાઇનું હાર્ટએટેકથી મૃત્યુ થયાનું પ્રાથમિક તપાસમાં ખુલ્યું હતું. બનાવને પગલે પરિવારમાં ગમગીની છવાઇ ગઇ હતી.



