માસિક 60 હજાર યાત્રિકોની અવરજવર, વેકેશનમાં 70 હજારને પાર
રાજકોટ એરપોર્ટ પર છેલ્લા એક વર્ષમાં 7.61 લાખ લોકોની અવરજવર થઇ છે. જેમાં અન્ય રાજ્યમાંથી આવતા 3.82 લાખ તો રાજકોટથી 3.78 લાખ મુસાફરોએ હવાઈ સફર કરી છે. દર મહીને 60,000 પરંતુ વેકેશનના ગાળામાં એરપોર્ટ પર આવતા અને જતા મુસાફરોની સંખ્યા વધીને 70,000 ને પાર પહોચી જાય છે. જેની સાથે સાથે દિલ્હી-મુંબઈ જવા માટેની ફ્રિકવન્સી વધતા હવાઈ મુસાફરોની સંખ્યામાં પણ વધારો થતો જોવા મળી રહ્યો છે.
રાજકોટ એરપોર્ટ પર દૈનિક 10 ફ્લાઈટ ઉડાન ભરે છે. જેમાં મહિને 30 થી 35 હજાર લોકો હવાઈ સફર કરે છે. ફ્લાઈટના ભાડામાં કોઈ નોંધનીય ઘટાડો નથી થયો પરંતુ ફ્રિકવન્સી વધતા વેપારીઓ સહિતના મુસાફરો હવાઈ ઉડાનનો લાભ લઇ રહ્યા હોવાનું માનવામાં આવી રહ્યું છે. જોકે હવે નવું હિરાસર એરપોર્ટ આકાર લઇ રહ્યું છે ત્યારે તે શરૂ થતા રાજકોટના એરપોર્ટ પર ફ્લાઈટ અને મુસાફરોની સંખ્યામાં કોઈ ઘટાડો થશે કે કેમ તે તો સમય જ બતાવશે.
તો બીજી તરફ રાજકોટ એરપોર્ટ પરથી આગામી ઉનાળાની સિઝનમાં ઉડાન ભરનારી ફ્લાઈટનું શેડ્યુલ પણ જાહેર કરી દેવામાં આવ્યું છે. જેમાં દૈનિક મુંબઈની ત્રણ, દિલ્હીની બે તો બેંગ્લોર, હૈદરાબાદની સાથે ઇન્દોર અને ઉદયપુરની નવી એક-એક ફ્લાઈટની ફ્રિકવન્સીનો લાભ મુસાફરોને મળશે. જયારે ગોવાની ફ્લાઈટ મંગળવાર, ગુરુવાર અને શનિવાર એમ ત્રણ દિવસ ઉડાન ભરશે.
- Advertisement -
રાજકોટથી ગોવા ફ્લાઇટની શરૂ
રાજકોટ સહીત સમગ્ર સૌરાષ્ટ્રના લોકો માટે સારા સમાચાર સામે આવ્યા છે. છેલ્લા કેટલાય સમયથી સૌરાષ્ટ્રવાસીઓ જેની રાહ જોઈ રહ્યા હતા તેનો અંત આવ્યો છે અને આજથી રાજકોટથી ગોવા ફ્લાઇટની શરૂઆત થવા જઇ રહી છે. આજે બપોરે 12:45 વાગ્યે ઈન્ડિગોની ફ્લાઇટ ગોવાથી રાજકોટ એરપોર્ટ પર પહોંચશે જ્યાં તેનું વોટર કેનનની મદદથી સ્વાગત કરવામાં આવશે અને પછી આ ફ્લાઇટ 1:15 વાગ્યે રાજકોટ થી ગોવા જવા માટે ફરી ઉડાન ભરશે. ઉલ્લેખનીય છે કે આ ફ્લાઇટ 1 મેં ના રોજ શરૂ થવાની હતી પરંતુ ઈન્ડિગો દ્વારા આ ફ્લાઇટ ને આવતીકાલથી જ શરૂ કરી દેવાની સત્તાવાર જાહેરાત કરવામાં આવતા ગોવા ફરવા જવા માંગતા સૌરાષ્ટ્રવાસીઓ માટે સારા સમાચાર કહી શકાય છે.