કામ પૂર્ણતાના આરે હોવાનો મળ્યો જવાબ; 10%થી ઓછી કામગીરી કરવામાં વર્ષ કાઢશે
ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ
- Advertisement -
ગુજરાત રાજ્યના અતિ મહત્વના અને સૌરાષ્ટ્રને જોડતા મુખ્ય માર્ગ સમાન અમદાવાદથી રાજકોટને જોડતા નેશનલ હાઈવે ગઇં-47ની સિક્સલેનની કામગીરીમાં ખૂબ જ વિલંબ થઈ રહ્યો છે. આ પ્રોજેક્ટની પૂર્ણતાની સતત સાતમી વખત ડેડલાઈન વધારવામાં આવી છે. એક્સટેન્શન્સ પર એક્સટેન્શન્સ છતાં 2018થી શરૂ થયેલી સિક્સલેન હાઈવેની કામગીરી 2025ના અંત આવવા છતાં પણ પૂરી થઈ શકે તેમ નથી.
તાજેતરમાં એક મહિના પૂર્વે રાજકોટના સાંસદ પરષોત્તમ રૂપાલા દ્વારા આ અંગે સંસદમાં પ્રશ્ર્ન ઉઠાવવામાં આવ્યો હતો. જેના જવાબમાં મહદઅંશે કામગીરી પૂર્ણ થઇ ગઈ હોવાનો અને બાકીનું કામ ઝડપથી પૂર્ણ કરવામાં આવશે નો દાવો કરવામાં આવી રહ્યો છે, પરંતુ આજે સાત વર્ષના અંતે પણ આ રોડની કામગીરી અધૂરી જ જોવા મળી રહી છે. ત્યારે હવે તંત્ર દ્વારા કુવાડવા ઓવરબ્રિજને બાદ કરતા તમામ કામ 3 માસમાં પૂર્ણ થઇ જશે તેવો દાવો કરવામાં આવી રહ્યો છે, પરંતુ આ દાવો સફળ સાબિત થશે કે પછી પોકળ સાબિત થશે તે તો આવનાર સમય જ બતાવશે.
સિક્સલેન હાઇવે સંપૂર્ણ કાર્યરત થયા પછી ચાર જેટલા ટોલ પ્લાઝા પણ મુકવામાં આવશે જે પૈકી માલિયાસણ નજીક એક ટોલબુથ બનાવવામાં આવનાર છે જે પણ લગભગ આગામી 3થી 4 મહિનામાં પૂર્ણ થઇ જશે તેવો દાવો તંત્ર દ્વારા કરવામાં આવી રહ્યો છે. આમ મહદઅંશે હિરાસર એરપોર્ટ સ્થિત ઓવરબ્રિજ સહીત તમામ આખાએ સિક્સલેન હાઇવેનું કામ નવેમ્બર 2025 સુધીમાં પૂર્ણ થઇ જશે અને કુવાડવા બ્રિજ જુલાઈ 2026 સુધીમાં પૂર્ણ થઇ જવાનો દાવો તંત્ર દ્વારા કરવામાં આવી રહ્યો છે.
- Advertisement -
વર્ષ 2011માં નેશનલ હાઇવે ઓથોરિટી ઓફ ઇન્ડિયાએ સૌરાષ્ટ્રના પાટનગર રાજકોટને ગુજરાતની આર્થિક રાજધાની અમદાવાદથી જોડતા રાજકોટ-અમદાવાદ હાઇવેને ફોરલેનમાંથી સિક્સલેન બનાવવા માટે વિચારણા શરૂ કરી હતી. ત્યાર બાદ વર્ષ 2017ના ઓક્ટોબર મહિનામાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના હસ્તે આ પ્રોજેક્ટનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું. આ સમયે ગુજરાતના મુખ્યમંત્રી વિજય રૂપાણી હતા. ત્યાર બાદ વર્ષ 2018માં રોડ બનાવવાની કામગીરી શરૂ કરવામાં આવી હતી, જોકે આજે ખાતમુહૂર્ત થયાને 7 વર્ષ કરતાં વધુ સમય વીતી ગયો છતાં સિક્સલેન હજુ તૈયાર થયો નથી.



