3350 કરોડના હાઇવેની કામગીરી ગોકળગતિએ: બગોદરા સુધીના અંતરમાં 3 બ્રિજ માટેની કામગીરી હજુ પણ બાકી
રાજકોટના એડવોકેટે ફરી વખત સરકાર પાસે માહિતી માગી
ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ
- Advertisement -
ગુજરાતમાં અમદાવાદથી રાજકોટને જોડતા નેશનલ હાઈવે (ગઇં) નંબર 47ની સિક્સલેનની કામગીરીમાં ખૂબ જ વિલંબ થઈ રહ્યો છે. આ પ્રોજેક્ટની પૂર્ણતાની સતત છઠ્ઠી વખતની ડેડલાઈન વધારવામાં આવી છે. એક્સટેન્શન્સ પર એક્સટેન્શન્સ છતાં 2018થી શરૂ થયેલી સિક્સલેન હાઈવેની કામગીરી 2024ના અંત આવવા છતાં પણ પૂરી થઈ નથી. રૂપિયા 3350 કરોડના આ પ્રોજેક્ટની કામગીરીમાં રાજકોટથી બગોદરા સુધીના અંતરમાં 3 બ્રિજ માટેની કામગીરી બાકી હોવાથી આગામી 3 માસમાં કામગીરી પૂર્ણ કરવાનો દાવો કરાઈ રહ્યો છે, પરંતુ વાસ્તવિકતા એ છે કે જૂન 2025 સુધીમાં પણ આ કામગીરી પૂરી થશે કે નહીં એ મોટો સવાલ છે. 6 વર્ષ વીત્યાં છતાં હજુ સુધી આ પ્રોજેક્ટના મેજર 6 પૈકી હજુ 3 બ્રિજની કામગીરી હજુ બાકી છે. ઉપરાંત હીરાસર એરપોર્ટ નજીક પણ ડિઝાઈનમાં ફેરફાર કરીને સરકારને મોકલી બ્રિજ બનાવવાની કામગીરી શરૂ કરવામાં આવી છે.
વર્ષ 2011માં નેશનલ હાઇવે ઓથોરિટી ઓફ ઇન્ડિયાએ સૌરાષ્ટ્રના પાટનગર રાજકોટને ગુજરાતની આર્થિક રાજધાની અમદાવાદથી જોડતા રાજકોટ-અમદાવાદ હાઇવેને ફોરલેનમાંથી સિક્સલેન બનાવવા માટે વિચારણા શરૂ કરી હતી. ત્યાર બાદ વર્ષ 2017ના ઓક્ટોબર મહિનામાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના હસ્તે આ પ્રોજેક્ટનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું. આ સમયે ગુજરાતના મુખ્યમંત્રી વિજય રૂપાણી હતા. ત્યાર બાદ વર્ષ 2018માં રોડ બનાવવાની કામગીરી શરૂ કરવામાં આવી હતી, જોકે આજે ખાતમુહૂર્ત થયાને 6 વર્ષ કરતાં વધુ સમય વીતી ગયો છતાં સિક્સલેન હજુ તૈયાર થયો નથી. આજે આ પ્રોજેક્ટની કામગીરીમાં રાજકોટથી બગોદરા સુધીના અંતરમાં મુખ્ય 3 બ્રિજની કામગીરી બાકી છે અને આગામી 3 માસમાં કામગીરી પૂર્ણ થવાનો દાવો કરવામાં આવી રહ્યો છે, પરંતુ જૂન 2025ના અંત સુધી પણ કામ પૂર્ણ થાય એવી શક્યતા નહીંવત જોવામાં આવી રહી છે.
આ પ્રોજેક્ટમાં વારંવાર થતા વિલંબને લઇ રાજકોટના એડવોકેટ શૈલેન્દ્રસિંહ જાડેજા દ્વારા ફરી એક વખત સરકાર પાસે કેટલીક માહિતી માગવામાં આવી છે, જેમાં રાજકોટ-અમદાવાદ 6 માર્ગીય રસ્તાની ટેન્ડર મુજબ પૂર્ણ થવાની તારીખ અને આજદિન સુધીમાં કોન્ટ્રેક્ટરને અને થર્ડ પાર્ટી ઇન્સ્પેક્શન કરતી એજન્સીને પાઠવવામાં આવેલી નોટિસની અને છેલ્લે કચેરીમાં ઉપલબ્ધ છેલ્લા સ્ટેટ્સ રિપોર્ટની સ્થળપ્રત નકલ માગવામાં આવી છે. બામણબોર અને બગોદરા ટોલ પ્લાઝામાં જે શરતોને આધીન કોન્ટ્રેક્ટ આપ્યો છે એની ઉપલબ્ધ માહિતી પરથી સ્થળપ્રત નકલ માગવામાં આવી છે તેમજ રાજકોટ-અમદાવાદ રોડ પર આવેલા બામણબોર અને બગોદરા ટોલ પ્લાઝા ખાતે છેલ્લાં પાંચ વર્ષોમાં પસાર થયેલાં વાહનોની સંખ્યા અને મળેલી આવકની ઉપલબ્ધ માહિતી પરથી સ્થળપ્રત નકલ માગવામાં આવી છે અને છેલ્લાં દસ વર્ષમાં રાજકોટ-અમદાવાદ બામણબોર-બગોદરા રસ્તાના ટોલ પ્લાઝાના સંચાલન સંબંધે કોન્ટ્રેક્ટર પાસેથી લેવામાં આવેલી ડિપોઝિટની ઉપલબ્ધ માહિતી પરથી સ્થળપ્રત નકલ તેમજ છેલ્લાં 10 વર્ષમાં રાજકોટ-અમદાવાદ બામણબોર-બગોદરા રસ્તાના ટોલ પ્લાઝાના સંચાલન સંબંધે કોન્ટ્રેક્ટર પાસેથી લેવામાં આવેલી ડિપોઝિટ જપ્ત કરવામાં આવી હોવાથી એની ઉપલબ્ધ માહિતી પરથી સ્થળપ્રત નકલ માગવામાં આવી છે.
- Advertisement -
સરકાર કોન્ટ્રેક્ટરને નોટિસ પાઠવી સંતોષ માને છે
રાજકોટ-અમદાવાદ હાઇવે પર સિક્સલેનની કામગીરીમાં હજુ પણ અનેક જગ્યા પર મોટા ખાડા અને ડાઇવર્ઝન જોવા મળી રહ્યાં છે, જેના કારણે વાહનચાલકોને ખૂબ જ હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. અમદાવાદ-રાજકોટ હાઇવેની કામગીરી 2020માં પૂર્ણ કરવાની હતી અને આ પછી ચાલુ વર્ષે સરકારે 30 જૂન 2023 સુધીમાં કામ પૂર્ણ થઇ જશે જેવી બાંયધરી આપવામાં આવી હતી. આ દરમિયાન કોન્ટ્રેક્ટરને સમયસર કામ પૂર્ણ ન કરવા બદલ અનેક વખત નોટિસ પણ પાઠવવામાં આવી છે. જોકે દંડાત્મક કાર્યવાહી એકપણ વખત કરવામાં આવી નથી.