રણકાંઠા વિસ્તારમાં સોલર અને મીઠાના પાટાને મોટું નુકસાન
ખાસ-ખબર ન્યૂઝ સુરેન્દ્રનગર, તા.31
ધ્રાંગધ્રા પંથકમાં છેલ્લા ત્રણ દિવસથી વરસાદી માહોલ છવાયો છે જેના લીધે આખુંય જનજીવન ખોરવાયું છે. દિવાળીના પર્વ બાદ અચાનક વરસાદ શરૂ થતા ખેડૂતોને ભારે નુકશાન થવાની ભીતિ છે ત્યારે ધ્રાંગધ્રા પંથકના રણકાંઠા વિસ્તારમાં મીઠું પકવતા અગરિયાઓની સિઝન શરૂ થતાની સાથે જ વરસાદી માવઠું થવાને લીધે મીઠું પકવતા અગરિયાઓના તૈયાર પાટા ધોવાયા છે. મીઠું પકવતા અગરિયા પરિવાર વર્ષના આઠ મહિના જેટલી સમય રણમાં ગાળે છે અને કાળી મજૂરી કરી પોતાનું તથા પરિવારનું ગુજરાન ચલાવે છે. હાલમાં જ શરૂ થયેલી મીઠા પકવવાની સિઝનને લઈ અગરિયા પરિવાર રણમાં પ્રવેશી મીઠી ઉત્પાદન કરવા માટેની તૈયારી શરૂ કરી હતી અને મહામહેનતે પાટા તૈયાર કર્યા હતા ત્યારે વરસાદી માવઠાને લીધે મીઠું પકવવા માટે તૈયાર કરેલ પાટા પર વરસાદી પાણી વળતા મોટું નુકશાન થયું છે.



 
                                 
                              
        

 
         
         
        