હવામાન વિભાગના જણાવ્યા અનુસાર ઉત્તર ભારતના ઘણા રાજ્યોમાં આગામી 48 કલાક દરમિયાન હવામાનમાં ઝડપી ફેરફાર થશે. ખાસ કરીને પહાડી વિસ્તારોમાં હિમવર્ષા થવાની સંભાવના છે.
ફેબ્રુઆરી મહિનો પૂરો થવાનો છે પરંતુ ઉત્તર ભારતમાં વરસાદ અને હિમવર્ષાએ ફરી એકવાર ઠંડીમાં વધારો કર્યો છે. હવામાન વિભાગનું કહેવું છે કે પૂર્વ-મધ્ય અરબી સમુદ્રથી દક્ષિણ-પશ્ચિમ મધ્ય પ્રદેશ સુધી ટ્રફ લાઇન વિસ્તરી રહી છે.
- Advertisement -
એવામાં આજે પણ મધ્યપ્રદેશ સહિત દેશના અનેક રાજ્યોમાં ભારે પવન સાથે વરસાદ પડશે. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર, આગામી થોડા કલાકોમાં મધ્યપ્રદેશ, ઉત્તર છત્તીસગઢ, ઝારખંડ, બિહાર, ઉત્તરાખંડના કેટલાક ભાગો અને ઉત્તર મહારાષ્ટ્રમાં છૂટાછવાયા સ્થળોએ ગાજવીજ, વીજળી અને ભારે પવન સાથે હળવાથી મધ્યમ વરસાદની સંભાવના છે. અહીં 30-40 કિમી પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાશે.
આ સાથે જ હવામાન વિભાગે જણાવ્યું કે આગામી 2-3 કલાક દરમિયાન મધ્યપ્રદેશના અમુક જિલ્લામાં વીજળીના ચમકારા અને કરા સાથે જોરદાર વાવાઝોડાની સંભાવના છે. આ જિલ્લાઓમાં 50-70 કિમી પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાવા માટે ચેતવણી જારી કરવામાં આવી છે.
નોંધનીય છે કે છેલ્લા 24 કલાક દરમિયાન મધ્યપ્રદેશ અને મહારાષ્ટ્ર સહિત કેટલાક રાજ્યોમાં વરસાદ અને કરા પડ્યા હતા. આ રાજ્યો ઉપરાંત ઉત્તર ભારતના ઘણા રાજ્યોમાં આગામી 48 કલાક દરમિયાન હવામાનમાં ઝડપી ફેરફાર થશે. ખાસ કરીને પહાડી વિસ્તારોમાં હિમવર્ષા થવાની સંભાવના છે.
- Advertisement -
હવામાન વિભાગના જણાવ્યા અનુસાર, 2 માર્ચે ઉત્તરાખંડ, પંજાબ, પશ્ચિમી ઉત્તર પ્રદેશ અને પશ્ચિમ હિમાલય ક્ષેત્રમાં અલગ-અલગ સ્થળોએ ભારે વરસાદ પડશે. આ સિવાય પંજાબ, હરિયાણા, ચંદીગઢ, ઉત્તર પ્રદેશ અને દિલ્હીમાં 1 અને 2 માર્ચે હળવોથી મધ્યમ વરસાદ પડી શકે છે.