વરસાદી માવઠાને લીધે ખેતરોમાં પાણી ભરાતા પાકને મોટું નુકસાન થવાની શક્યતા
ખાસ-ખબર ન્યૂઝ સુરેન્દ્રનગર
ધ્રાંગધ્રા પંથકમાં છેલ્લા ટીન દિવસથી વરસાદી ઝાપટા જોવા મળે છે. જેના લીધે ખેતરોમાં વરસાદી પાણી ભરાતા વાવેતર કરેલ પાકને નુકશાન થાય તેવી શક્યતા સેવાઈ રહી છે. રાજ્યના હવામાન વિભાગ દ્વારા તારીખ 27 ઓક્ટોમ્બરથી છૂટ છવાયા વિસ્તારોમાં વરસાદી માવઠું થવાની શક્યતા વ્યક્ત કરી હતી જેને લઇ હવામાન વિભાગની આગાહી કેટલાક અંશે સાચી પુરવાર પણ થઈ છે સુરેન્દ્રનગર જિલ્લામાં છેલા છેલ્લા ત્રણ દિવસથી વરસાદી માહોલ નજરે પડે છે ખાસ કરીને ધ્રાંગધ્રા પંથકમાં 26 ઓક્ટોમ્બરથી સતત વરસાદી માહોલ છવાયો છે. ધ્રાંગધ્રા શહેર અને આજુબાજુ ગ્રામ્ય વિસ્તારોમાં ત્રણ દિવસથી વરસાદી ઝાપટા પડવાને લીધે ખેડૂતોના ખેતરોમાં પાણી ભરાયા છે. જેના લીધે અહીં મહત્વના પાક ગણાતા કપાસ અને મગફળીના વાવેતરમાં નુકશાન થઈ રહ્યું છે. એક તરફ મોટાભાગના ખેડૂતોને કપાસનું વાવેતર પૂર્ણ થઈ ચૂક્યું છે અને કપાસ પર ઝીંડવાનો ફાલ આવી ચૂક્યો છે તેવા સમયે આ વરસાદી માવઠાને લીધે કપાસની ચમક ફીકી પડી રહી છે અને કપાસના ભાવ પણ તળિયે બેસે તેવી ભીતિ ખેડૂતોએ વ્યક્ત કરી છે ત્યારે ખેડૂતોને વરસાદી માવઠાથી થતા નુકશાન બાદ હવે ખેડૂતો પોતાની નુકશાનીને મહદઅંશે ભરપાય કરવા માત્ર રાજ્ય સરકારના વળતર પર આશા લગાવી બેઠા છે.



