સોરઠ પંથકમાં મેઘરાજાની સટાસટી 1થી 4 ઇંચ વરસાદ ખાબક્યો
માણાવદર વંથલી અને માળિયામાં 24 કલાકમાં 4 ઇંચથી વધુ વરસાદ
વેરાવળ 4 ઇંચ સાથે તાલાલામાં 3 ઇંચથી વધુ : ડેમોમાં નવા નીર આવ્યા
- Advertisement -
ખાસ-ખબર ન્યૂઝ જૂનાગઢ, તા.10
સોરઠ પંથકમાં ગઈકાલ મેઘરાજા સટાસટી બોલાવી હતી સમગ્ર પંથકમાં 1 થી 4 ઇંચ વરસાદ ખાબકતા ખેડૂતોમાં ખુશી જોવા મળી હતી સારા વરસાદના પગલે ડેમોમાં નવા નીરની અવાક થતા પાણી સમસ્યા હલ થતી જોવા મળે છે.સોરઠના જૂનાગઢ અને ગીર સોમનાથ જિલ્લાના તમામ તાલુકામાં સારા એવો વરસાદ વરસતા નદી નાળા ચેકડેમો ઓવરફલો થયા હતા તેની સાથે નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાયા હતા.જોકે જૂનાગઢ જિલ્લામાં આ વરસાદનો ત્રીજો રાઉન્ડ જોવા મળ્યો હતો અને ગીર સોમનાથ જિલ્લામાં અગાઉ સામાન્ય વરસાદ પડ્યો હતો જયારે ગઈકાલે સોમનાથ મહાદેવને પ્રથમ વરસાદ પડતા જલાભિષેક થયો હતો. જૂનાગઢ જિલ્લાના માણાવદર, વંથલી અને માળીયા હાટીના તાલુકામાં સમી સાંજ બાદ મોડી રાત્રી સુધી વરસાદે ધમાકેદાર એન્ટ્રી કરી હતી અને ત્રણેય તાલુકામાં 4 ઇંચ જેટલો વરસાદ નોંધાયો હતો જેમાં જૂનાગઢ શહેરમાં 2 ઇંચ જેટલો વરસાદ પડ્યો હતો
તેમજ મેંદરડા અને કેશોદમાં 3 ઇંચ થી વધુ વરસાદ પડતા નદીઓ બે કાંઠે વેહતી જોવા મળી હતી જયારે વિસાવદર અને માંગરોળમાં 2 ઇંચ વરસાદ નોંધાયો હતો અને સૌથી ઓછો ભેસાણમાં 8 મિમિ નોંધાયો હતો જયારે આજે બે કલાકમાં વધુ અડધો ઇંચ વરસાદ નોંધાયો છે.જૂનાગઢ જિલ્લમાં આ વરસાદનો ત્રીજો રાઉન્ડ જોવા મળી રહ્યો છે.જેના પગલે અનેક ડેમો 50 ટકા થી વધુ ભરાય ગયા છે અને ચાર ડેમો 100 ટકા ભરાયા છે.અને જિલ્લાની નદીઓ બે કાંઠે વેહતી જોવા મળી હતી. ગીર-સોમનાથ જિલ્લામાં ચોમાસાની સિઝનમાં નહીવત વરસાદ બાદ ગઇકાલે જિલ્લાના તમામ તાલુકામાં એક ઇંચથી લઇ 4 ઇંચ સુધી વરસાદ જોવા મળ્યો હતો. જ્યારે ગઇકાલે ગીર-સોમનાથ જિલ્લા પર મેઘરાજા મહેરબાદ રહ્યા હતા. સારા વરસાદના પગલે સોમનાથ મહાદેવને જાણે મેઘરાજાએ જલાભિષેક કરતા લોકોમાં ખુશી જોવા મળી હતી. જ્યારે સોમનાથ જિલ્લામાં પ્રથમ વખત સારો એવો વરસાદ જોવા મળ્યો હતો. જેમાં વેરાવળમાં ચાર ઇંચ, તાલાલામાં બે ઇંચ, સુત્રાપાડામાં દોઢ ઇંચ, ગીરગઢડામાં એક ઇંચ, ઉનામાં એક ઇંચ સાથે કોડીનારમાં અડધો ઇંચ વરસાદ પડતા અનેક નદીઓ બેકાંઠે વહેતી જોવા મળી હતી. તેની સાથે ગીર-સોમનાથ જિલ્લાના ડેમમાં નવા નીરની આવક થતા ખેડૂતોમાં ખુશી જોવા મળી હતી. અને લોકોએ સારા વરસાદને લીધે ગરમીમાંથી આંશીક રાહત અનુભવી હતી.
14 ડેમો પૈકી 4 ઓવરફલો, 10 ડેમો 50 ટકાથી વધુ ભરાયા
જૂનાગઢ જિલ્લામાં પ્રથમ રાઉન્ડથી જ સારો એવો વરસાદ જોવા મળી રહ્યો છે. જેમાં ગઇકાલે જિલ્લામાં 1 થી 4 ઇંચ વરસાદ પડતા જિલ્લામાં સિંચાઇ વિભાગ હસ્તકના 14 ડેમોમાંથી 4 ડેમો ઓવરફલો જોવા મળી રહ્યા છે. જેમાં શાપુર ઓઝત અને વંથલી ઓઝત ડેમો ઓવરફલોની સાથે સતત પાણીનો પ્રવાહ ઓઝત નદીમાં વહી રહ્યો છે. જ્યારે આજની સ્થિતી પ્રમાણે બાંટવા ખારો ડેમ 84 ટકા, ઓઝત-બે 80 ટકા, હસ્નાપુર 54 ટકા, ધ્રાફડ 52 ટકા, સાબલી 60 ટકા, ઉબેણ 64 ટકા ભરાયેલ જોવા મળે છે. જયારે 6 ડેમો 50 ટકાથી વધારે ભરાતા પાણી સમસ્યા મહદઅંશે હલ થતી જોવા મળે છે. જયારે ખેડૂતોએ વાવણી કર્યા બાદ જિલ્લામાં સારો વરસાદ વરસતા ખેતી પાકને ફાયદો થતો જોવા મળે છે.