વીરપુરમાં એક ઇંચ જેટલો વરસાદ વરસ્યો
ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ
- Advertisement -
રાજયમાં પ્રિ-મોન્સૂન એક્ટિવિટી શરૂ થઇ ચૂકી છે જેમને લઈને સમગ્ર રાજ્યમાં આગામી પાંચ-છ દિવસ છૂટાછવાયા વરસાદની હવામાન વિભાગે આગાહી કરી છે, જેના પગલે હવામાન વિભાગે આગામી દિવસોમાં રાજ્યમાં હળવાથી મધ્યમ વરસાદની શક્યતા દર્શાવી છે. 22 મે બાદ રાજ્યમાં વરસાદનું જોર વધશે. રાજ્યના અનેક જિલ્લાઓમાં ગાજવીજ, અને ભારે પવન સાથે વરસાદ પડશે. તો 23 મેના રોજ પણ રાજ્યભરમાં સાર્વત્રિક વરસાદ આગાહી હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે ત્યારે યાત્રાધામ વીરપુરમાં વાતાવરણમાં અચાનક પલ્ટો આવ્યો હતો
અને સવારથી જ અસહ્ય બફારા અને ગરમીનું વાતાવરણ સર્જાયુ હતું બપોરબાદ સાંજના સમયે યાત્રાધામ વીરપુરમાં વીજળીના કડાકા ભડાકા સાથે અને ભારે પવન સાથે ધોધમાર કમોસમી અંદાજીત અડધા થી એક ઇંચ જેટલો વરસાદ વરસી પડ્યો હતો, ભારે પવન સાથે કમોસમી વરસાદ વરસતા વીરપુરના રોડ રસ્તાઓમાં નદીઓની માફક પાણી વહ્યા હતા જેમને લઈને યાત્રાધામમાં ભર ઉનાળે ચોમાસા જેવો માહોલ સર્જાયો હતો. વીરપુર પંથકમાં ધોધમાર કમોસમી વરસાદ થતા ખેડૂતોની ચિંતામાં વધારો થયો હતો, કમોસમી ભારે વરસાદથી ખેડૂતોએ વાવેલા તલ, મગ, ડુંગળી, મગફળી સહિતના ઉનાળુ પાકને નુકશાનની ભીતિ સેવાઇ છે જ્યારે ધોધમાર વરસાદ પડતાં વાતાવરણમાં ઠંડક પ્રસરી હતી જેમને લઈને ગરમી અને બફારા થી લોકોને રાહત મળી હતી. સાવરકુંડલામાં આજરોજ સવારે નવ આસપાસના ગાળામાં અચાનક વાતાવરણમાં પલટો આવતાં સાવરકુંડલા શહેરમાં જોરદાર પવન સાથે કમોસમી વરસાદ તૂટી પડતાં રસ્તા પર પાણી ફરી વળ્યા હતા.
વાતાવરણ એવું સર્જાયું જાણે મિની વાવાઝોડું.!! અનેક વિસ્તારોમાં સંપૂર્ણ ચોમાસા જેવો ઘાટ ઘડાયો હતો. વરસાદના કારણે ચેક ડેમો ઓવરફ્લો થયાના સમાચારો જાણવા મળે છે. આમ ભર ઉનાળામાં આ કમોસમી વરસાદને કારણે ચોમાસા જેવો માહોલ સર્જાયો.આમ કમોસમી વરસાદે ભારે કઠણાઈ સર્જેલી જોવા મળી. આ કમોસમી વરસાદને કારણે ઉનાળું પાક તેમજ કેરીના પાકને ભારે નુકસાન થવાનો સંભવ છે. એકદમ ગરમ વાતાવરણમાં ઠંડક પ્રસરી જવા પામી હતી. હજુ પણ વાતાવરણ જોતાં આગામી સમયમાં પણ કમોસમી વરસાદ ત્રાટક્વાની શક્યતાઓ જોવા મળે છે.