સાંજ સુધીમાં હરાજી નહીં થાય તો શેડમાં ખસેડવામાં આવશે : ચેરમેને
ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ
- Advertisement -
હવામાન વિભાગ દ્વારા આગામી 29 ડિસેમ્બર સુધીમાં કમોસમી વરસાદની આગાહી કરવામાં આવી છે. જેને પગલે માર્કેટિંગ યાર્ડનાં સત્તાધીશો સતર્ક બન્યા છે અને કોઈપણ પાક ખુલ્લામાં રહે નહીં તે માટેની વ્યવસ્થાઓ કરવામાં આવી રહી છે. જેમાં મોટાભાગનો પાક શેડમાં સુરક્ષિત જોવા મળ્યો હતો. જોકે માર્કેટિંગ યાર્ડમાં તલનો પાક ખુલ્લામાં પડેલો હતો, પરંતુ આ અંગે ચેરમેન જયેશ બોધરાએ જણાવ્યું હતું કે, સાંજ સુધીમાં હરાજી થવાની છે માટે માલ હાલ ખુલ્લામાં પડ્યો છે. જો આ માલની હરાજી નહીં થાય તો તેને પણ શેડમાં ખસેડવામાં આવશે.
પ્રાપ્ત વિગત મુજબ, રાજકોટ માર્કેટિંગ યાર્ડમાં હવામાન વિભાગની આગાહીને પગલે સતર્કતા જોવા મળી હતી. જેમાં મોટાભાગનો માલ શેડ(છાપરા) હેઠળ રાખવામાં આવ્યો હોવાનું જોવા મળ્યું હતું. જેમાં મગફળી, કપાસ સહિતનો પાક સલામત રીતે શેડ (છાપરા)માં ઉતારવામાં આવ્યો છે, પરંતુ અમુક જણસીઓ છાપરાની બહાર ખુલ્લામાં પડેલી હતી. જેમાં તલનો પાક ખુલ્લામાં પડેલો જોવા મળ્યો હતો. જો અચાનક વરસાદ આવે તો આ માલને નુકસાન થવાની શક્યતા છે. ત્યારે આ અંગે માર્કેટિંગ યાર્ડના ચેરમેને હરાજી કરવાની હોય આ માલ ખુલ્લામાં રાખવામાં આવ્યો હોવાનો ખુલાસો કર્યો હતો.
ઉલ્લેખનીય છે કે હાલ ગુજરાતના હવામાનમાં અચાનક પલટો આવ્યો છે અને રાજકોટમાં વાદળછાયું વાતાવરણ જોવા મળી રહ્યું છે. રાજ્યના હવામાન વિભાગ દ્વારા પણ આગામી 29મી ડિસેમ્બર સુધીમાં કમોસમી વરસાદની આગાહી કરવામાં આવી છે. જેને પગલે માર્કેટિંગ યાર્ડનું તંત્ર અત્યારથી જ સતર્ક બન્યું છે અને ખેડૂતોની જણસીઓને કોઈ નુકસાન થાય નહીં તે માટે વ્યવસ્થા ગોઠવવમાં આવી રહી છે. મોટાભાગે તમામ માલ સુરક્ષિત સ્થળે ખસેડી લેવામાં આવ્યો છે. જોકે કમોસમી વરસાદથી ખેતીના ઉભા પાકને નુકસાન થવાની શક્યતા નકારી શકાય તેમ નથી.