હૈદરાબાદ – દિલ્હીનો મેચ ધોવાયો : બન્ને ટીમોને એક – એક પોઈન્ટ
ખાસ-ખબર ન્યૂઝ નવી દિલ્હી, તા.6
રાજીવ ગાંધી ઇન્ટરનેશનલ સ્ટેડિયમમાં ગઈ કાલે આયોજિત IPL 2025ની પંચાવનમી મેચ વરસાદને કારણે ધોવાઈ ગઈ હતી. વરસાદ બાદ ભીના આઉટફીલ્ડને કારણે બીજી ઇનિંગ્સ શરૂ થઈ શકી ન હોવાથી મેચ કેન્સલ રહી અને હોમ-ટીમ સનરાઇઝર્સ હૈદરાબાદ સાથે દિલ્હી કેપિટલ્સને એક-એક પોઇન્ટ મળ્યા હતા. વરસાદને કારણે હૈદરાબાદની પ્લેઑફની રેસમાં ટકી રહેવાની ધૂંધળી આશા પણ ધોવાઈ ગઈ હતી.
- Advertisement -
આ મેચ પહેલાં ગયા વર્ષની રનરઅપ ટીમ હૈદરાબાદની પ્લેઑફમાં પહોંચવાની 0.7 ટકા સંભાવના બાકી હતી. ચેન્નઈ સુપર કિંગ્સ અને રાજસ્થાન રોયલ્સ બાદ રેસમાંથી આઉટ થનાર એ ત્રીજી ટીમ બની હતી.
ટોસ જીતીને પહેલાં બોલિંગ કરતાં પેટ કમિન્સ (19 રનમાં ત્રણ વિકેટ)ના શાનદાર પ્રદર્શનના આધારે દિલ્હીની અડધી ટીમને 7.1 ઓવરમાં 29 રનમાં પેવિલિયનભેગી કરી દીધી હતી.
છઠ્ઠા ક્રમે આવેલા ટ્રિસ્ટન સ્ટબ્સે (36 બોલમાં 41 રન અણનમ) સાતમી વિકેટ માટે ઈમ્પેક્ટ પ્લેયર આશુતોષ શર્મા (26 બોલમાં 41 રન) સાથે સાતમી વિકેટ માટે 66 રનની પાર્ટનરશિપ કરીને ટીમની પ્રતિષ્ઠા બચાવીને સાત વિકેટે 133 રનનો સ્કોર કર્યો હતો.
સરળ ટાર્ગેટ ચેઝ કરીને બે પોઇન્ટ મેળવવા આતુર હૈદરાબાદના બેટર્સ વરસાદને લીધે બેટિંગ કરી શક્યા નહોતા. 26 એપ્રિલે પંજાબ કિંગ્સ અને કલકત્તા વચ્ચેની સીઝનની પહેલી રદ મેચમાં પણ ઈડન ગાર્ડન્સમાં આવી જ સ્થિતિ જોવા મળી હતી.
- Advertisement -
IPLમાં આજે બે બળીયાનો જંગ: મુંબઈની ગુજરાત સામે કસોટી
IPL 2025ની 56મી મેચ આજે મુંબઈ ઇન્ડિયન્સ (MI) અને ગુજરાત ટાઇટન્સ (GT) વચ્ચે રમાશે. સીઝનની પહેલી ટક્કરમાં ગુજરાતે 36 રને મુંબઈ સામે જીત નોંધાવી હતી.વાનખેડે સ્ટેડિયમમાં બન્ને ટીમ વચ્ચે 2023માં જ એકમાત્ર ટક્કર થઈ છે. જેમાં મુંબઈએ 27 રને જીત મેળવી હતી, પરંતુ છેલ્લી ત્રણેય ટક્કરમાં ગુજરાતે મુંબઈ પલટન સાથે સળંગ ત્રણ જીત મેળવી છે. મુંબઈ આ હારના સિલસિલાને તોડવાની આશા રાખશે. બન્ને ટીમ પોઇન્ટ્સ-ટેબલમાં ટોપ-ટૂનું સ્થાન મેળવવાનો ટાર્ગેટ રાખશે. છેલ્લી મેચમાં મુંબઈના બોલર્સના શાનદાર પ્રદર્શનને કારણે રાજસ્થાન રોયલ્સ સામે 100 રને મોટી જીત નોંધાવી હતી.તેમની સામે ગુજરાતના ટોપ-ઑર્ડર બેટર શુભમન ગિલ, સાઈ સુદર્શન અને જોસ બટલર જોરદાર પડકાર આપશે. વર્તમાન સીઝનમાં ત્રણેયે પહેલી બે વિકેટ માટે રેકોર્ડ 14 વખત 50 પ્લસ રનની ભાગીદારી કરી છે.