પોરબંદર આર એન્ડ બી પંચાયત દ્વારા યુદ્ધના ધોરણે રસ્તાના પેચવર્ક સહિતની મરામત કામગીરી કરાઇ
જિલ્લાના ત્રણેય તાલુકામાં જ્યાં રસ્તામાં ખાડા પડ્યા, ત્યાં પેચ વર્ક : જ્યાંથી ફરિયાદ આવે તેના પર પૂરતું ધ્યાન આપીને કામગીરી; સરવેની કામગીરી પણ શરૂ
ખાસ-ખબર ન્યૂઝ પોરબંદર
પોરબંદર જિલ્લામાં સાર્વત્રિક વરસાદના કારણે નાગરિકોને અગવડતાઓ ભોગવવી ન પડે તે માટે આર એન્ડ બી પંચાયત વિભાગ દ્વારા યુદ્ધના ધોરણે ગ્રામ્ય રસ્તાઓની મરામતની કામગીરી શરૂ કરવામાં આવી છે. તાજેતરમાં પડેલ અતિભારે વરસાદના કારણે પોરબંદર જિલ્લામાં એક ગામથી બીજા ગામને જોડતા અમુક રસ્તાઓને નુકસાન પહોંચ્યું હોવાથી રસ્તાની મરામત કરવામાં આવી રહી છે.
- Advertisement -
આર એન્ડ બી પંચાયત વિભાગ દ્વારા વરસાદને કારણે ક્ષતિગ્રસ્ત થયેલા એક ગામથી બીજા ગામને જોડતા રસ્તા, જિલ્લાના નાના-મોટા રોડ-રસ્તાઓ પર રિપેરીંગ, મેટલવર્કની કામગીરી, રીસરફેસીંગ વગેરે કામગીરી હાથ ધરવામાં આવી છે. પોરબંદર જિલ્લામાં ભારે વરસાદના કારણે એક ગામ થી બીજા ગામને જોડતા અમુક માર્ગોનું ધોવાણ થતા જિલ્લા વહીવટી તંત્ર સાથે સંકલન કરી આર એન્ડ બી વિભાગ પંચાયત દ્વારા ગ્રામ્ય રસ્તાઓની મરામતની કામગીરી રવિવારના દિવસે પણ કરવામાં આવી હતી આર એન્ડ બી પંચાયત ના એન્જિનિયરના જણાવ્યા મુજબ પોરબંદર જિલ્લાના શ્રીનગરનો રોડ, ખાગેશ્રી થી પારડવા, પસવારીથી ચિખલોદ્ર, ભોડરથી કોટડા, સોઢાણાથી ફટાણા, રાણા કંડોરણાથી ઠોયાણા, નેરાણા અને ઠોયાણા થી જાંબુ, નેરાણાથી છત્રાવા સહિતના ધોવાયેલ રસ્તા મરામતની કામગીરી હાથ ધરવામાં આવી હતી.
આ રસ્તાઓની તાત્કાલિક ધોરણે મરામત કરી વાહન વ્યવહાર રાબેતા મુજબ શરૂ થાય તેવું આયોજન થયું છે. જિલ્લાના ત્રણેય તાલુકાઓમાં જ્યાં પણ રસ્તામાં ખાડા પડ્યા હતા, ત્યાં પેચ વર્કની કામગીરી હાલમાં ચાલુ છે તેમજ જ્યાંથી પણ ફરિયાદ આવે છે તેના પર પૂરતું ધ્યાન આપીને કામગીરી કરવામાં આવી રહી હોવાનું આર એન્ડ બી વિભાગના એન્જિનિયરે જણાવ્યું હતું. આમ, આર એન્ડ બી પંચાયત વિભાગ દ્વારા રસ્તાઓની તાત્કાલિક ધોરણે મરામત કરી વાહન વ્યવહારને અગવડતા ન પડે રાબેતા મુજબ શરૂ તેવું આયોજન કરાયું છે.