ED પછી હવે CBIએ ઘર સહિત અન્ય સ્થળોએ રેડ પાડી, રૂ.2000 કરોડની લોન છેતરપિંડીનો કેસ
ખાસ-ખબર ન્યૂઝ મુંબઈ
- Advertisement -
CBIએ અનિલ અંબાણીની કંપની રિલાયન્સ કોમ્યુનિકેશન્સ (આરકોમ) સામે 2,000 કરોડ રૂપિયાથી વધુની બેંક છેતરપિંડીનો કેસ નોંધ્યો છે. CBIએ કંપનીની ઓફિસો અને અનિલ અંબાણી સંબંધિત સ્થળોએ પણ દરોડા પાડ્યા છે. આ છેતરપિંડી સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયા સાથે થઈ છે. CBIએ આજે સવારે 7 વાગ્યાથી અનિલ અંબાણીના ઘરે દરોડા પાડ્યા છે. સીબીઆઈના અધિકારીઓ સર્ચ-ઓપરેશન ચલાવી રહ્યા છે. બીજી તરફ અનિલ અંબાણીનાં માતા કોકિલાબેન અંબાણીને નાદુરસ્ત તબિયતને કારણે હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યાં છે.
નાણાં રાજ્યમંત્રી પંકજ ચૌધરીએ ગયા મહિને લોકસભામાં જણાવ્યું હતું કે 13 જૂને, CBIના નિયમો અને બેંક નીતિઓના આધારે આ બાબતને છેતરપિંડી જાહેર કરવામાં આવી હતી. 24 જૂન, 2025ના રોજ બેંકે CBIને આ અંગે જાણ કરી અને CBIમાં ફરિયાદ નોંધાવવાની પ્રક્રિયા શરૂ કરી.
આ પહેલાં 23 જુલાઈના રોજ EDએ અનિલ અંબાણીના રિલાયન્સ ગ્રુપ સાથે સંબંધિત 35થી વધુ સ્થળોએ દરોડા પાડ્યા હતા. આ દરોડા યસ બેંકમાંથી લેવામાં આવેલા 3000 કરોડ રૂપિયાના લોન છેતરપિંડીના કેસમાં પાડવામાં આવ્યા હતા.