કોલસાની સાત ખાણો પરથી 36 લાખનો મુદ્દામાલ જપ્ત
ખાસ-ખબર ન્યૂઝ સુરેન્દ્રનગર, તા.30
સુરેન્દ્રનગર જિલ્લામાં વરસાદની સિઝન પૂર્ણ થવાના આરે છે ત્યારે કોલસાની સિઝન શરૂ થઈ છે તેવામાં મૂળી અને થાનગઢ પંથકમાં કોલસાની ગેરકાયદેસર ખાણો ફરીથી સક્રિય થતા “ખાસ ખબર” દ્વારા ગઈ કાલે આ અંગે અહેવાલ પણ પ્રસિધ્ધ કરાયો હતો જે અહેવાલને ધ્યાને લઈ મૂળી મામલતદાર આર.ડી.પટેલ સહિતની સંયુક્ત ટીમ દ્વારા મૂળી તાલુકાના ધોળિયા ગામે સરકારી જમીન પર ચાલતા કોલસાના ગેરકાયદેસર ખનન પર મોડી રાત્રીએ દરોડા કર્યા હતા આ દરોડામાં કુલ 7 જેટલી કોલસાની ખાણો ઝડપી તેમાંથી ચાર ટ્રેક્ટર, એક કમ્પ્રેસર, છ ચરખી સહિત 36 લાખનો મુદામાલ જપ્ત કરાયો હતો. મોડી રાત્રીએ ધમધમતી કોલસાની ખાણો પર મામલતદારની ટીમ ત્રાટકી હતી ત્યારે ખાણોમાંથી 38 જેટલા મજૂરોને પણ બહાર કાઢવામાં આવ્યા હતા. જ્યારે આ કોલસાની ગેરકાયદેસર ખાણો ચલાવતા અમકુભાઈ થરેસા રહે: ધોળિયા, સુનિલ હનાભાઈ ફૂચડિયા રહે: પલાસા તથા ભરત ગોવિંદભાઈ સરલા રહે: પલાસા વાળા વિરુધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.