કુંડલા, રતનપર તથા નડાળા ગામે દેશી દારૂની ભઠ્ઠી ઝડપાઈ
ખાસ-ખબર ન્યૂઝ સુરેન્દ્રનગર, તા.31
સુરેન્દ્રનગર જિલ્લામાં વિદેશી દારૂની સાથે દેશી દારૂનું પણ વેચાણ ચાલી રહ્યું છે તેવામાં જિલ્લા પોલીસ વડા પ્રેમસુખ ડેલું દ્વારા જિલ્લામાંથી અસામાજિક પ્રવૃત્તિ સામે કડક કાર્યવાહીના આદેશ બાદ જિલ્લા ભરમાં જુદા જુદા પોલીસ મથકના સ્ટાફ સક્રિય થયા છે ત્યારે સુરેન્દ્રનગર જિલ્લામાં ત્રણ સ્થળો પર દેશી દારૂની ભઠ્ઠી ઝડપાઈ હતી.
પ્રાપ્ત વિગતો અનુસાર સુરેન્દ્રનગર શહેરના રતનપર વિસ્તાર ખાતે સુધારા પ્લોટની છેલ્લી ગલીમાં રહેતા રમજાનભાઈ હુસેનભાઈ મોવર પોતાના ઘરની પાછળ દેશી દારૂની ભઠ્ઠી ચલાવતા હોવાની બાતમી જોરાવરનગર પોલીસ મથકના સ્ટાફને થતા દરોડો કરી દેશી દારૂનો ઠંડો આથો 35 લીટર કિંમત 7000 રૂપિયા, દેશી દારૂ બનાવવાનો ગરમ તથા ઠંડો આથો 500 લીટર કિંમત 12500 રૂપિયા સહિત દેશી દારૂ બનાવવાના સાધનો કિંમત 1500 રૂપિયા સહિત કુલ 21000 રૂપિયાનો મુદ્દા માલ જપ્ત કરી રમજાનભાઈ હુસેનભાઈ મોવર રહે: રતનપર વાળા વિરુદ્ધ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.
- Advertisement -
આ તરફ ચુડા પોલીસ મથકનો સ્ટાફ પેટ્રોલિંગમાં હોય તેવા સમયે કુંડલા ગામે દેવીપુજકવાસમાં રહેતા વસંતબેન જયેશભાઈ દસાડિયા પોતાના રહેણાક ઝૂંપડા પાસે દેશી દારૂની ભઠ્ઠી ચલાવતા હોવાની બાતમીને આધારે પોલીસે દરોડો કરી દેશી દારૂ બનાવવાનો ગરમ આથો 100 લિટર કિંમત 2500 રૂપિયા, દેશી દારૂ 10 લીટર કિંમત 2000 રૂપિયા તથા એક પતરાનું બેરલ કિંમત 200 રૂપિયા સહિત કુલ 4,700 રૂપિયાનો મુદ્દામાલ જપ્ત કરી વસંતબેન જયેશભાઈ દસાડીયા વિરુદ્ધ ચુડા પોલીસ મથકે ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.
જ્યારે સુરેન્દ્રનગર જિલ્લા લોકલ ક્રાઈમ બ્રાન્ચ ટીમ ધજાળા પોલીસ મથક વિસ્તારમાં પેટ્રોલીંગમાં હોય તેવા સમયે નડાળા ગામઠી ગોરૈયા ગામ તરફ જવાના માર્ગે દેશી દારૂની ભઠ્ઠી ચાલતી હોવાની બાતમીને આધારે દરોડો કરી દેશી દારૂ 880 લિટર કિંમત 1.76 લાખ રૂપિયા, દેશી દારૂ બનાવવાનો ગરમ આથો 3200 લિટર કિંમત 80,000 રૂપિયા તથા ભઠ્ઠીમાં અન્ય સાધન સામગ્રી ગણી કુલ 2.56 લાખ રૂપિયાનો મુદામાલ જપ્ત કરી કાળુભાઇ માણસીભાઈ ખવડ રહે: નડાળા વાળા વિરુધ ધજાળા પોલીસ મથકે ગુન્હો નોંધાવી કાર્યવાહી હાથ ધરી હતી.



 
                                 
                              
        

 
         
         
        