પરાબજારમાં 285 કીલો શંકાસ્પદ ઘીનો જથ્થો સીઝ કરતી ફૂડ શાખા
ખાસ-ખબર સંવાદદાતા
શહેરના પરાબજાર ખાતે આજરોજ મનપાની ફૂડ વિભાગની ટીમ દ્વારા વોલ્ગા કોર્પોરેશન પેઢીને ત્યાં દરોડા પાડવામાં આવતાં કુલ રૂા. 1,63,580ની કિંમતનું અંદાજિત 285 કીલો ઘીનો શંકાસ્પદ જથ્થો સ્થળ પર સીઝ કરવામાં આવ્યો હતો તથા જય જલારામ ફરસાણ એન્ડ નમકીન, પોપ્યુલર પ્લાઝા, નાગબાઈ ડેરી ફાર્મ સહિત અન્ય ખાણી-પીણી અને ફરસાણના ધંધાર્થીઓને ત્યાં સ્થળ પર ચકાસણી કરી તેમજ લાયસન્સ બાબતે નોટીસ ફટકારવામાં આવી હતી.
રાજકોટ મહાનગરપાલિકાના ફૂડ વિભાગને શંકાસ્પદ ગુણવત્તાવાળુ ઘી વેચાણ થતું હોવાની માહિતી મળતાં રાજકોટ શહેરના સ્વામિનારાયણ શોપીંગ સેન્ટર, શોપ નં. 101, 102 પરાબજારમાં આવેલા વોલ્ગા કોર્પોરેશન પેઢીની ફૂડ વિભાગની ટીમે રૂબરૂ સ્થળ તપાસ કરી હતી. પેઢીના ભાગીદાર ભુવનેશ દીપકભાઈ ચંદ્રાણીને ત્યાં અંદાજિત 285 કિલો ઘીનો શંકાસ્પદ મળી આવ્યો હતો.
- Advertisement -
શંકાસ્પદ જણાતા જથ્થામાંથી ફુડ સેફ્ટી સ્ટાન્ડર્ડ એક્ટ 2006 હેઠળ કાયદેસરની કાર્યવાહી કરી ગ્રીનએવર પ્રીમીયમ ઘી તથા નયનદીપ પ્યોર ઘીના નમૂના લેવામાં આવ્યા હતા અને અંદાજિત 285 કી.ગ્રા. ઘીનો જથ્થો સ્થળ પર સીઝ કર્યો હતો જેની કિંમત રૂા. 1,63,580ની છે. આ ઉપરાંત ઠક્કર સ્વીટ એન્ડ ફરસાણ, જય જલારામ ફરસાણ સહિત નાગબાઈ ડેરી ફાર્મ, શ્રીરામ ડેરી ફાર્મ, શ્રી ગાંઠીયા એન્ડ ફરસાણ માર્ટ, એમ.આર. સ્વીટ એન્ડ નમકીન, પ્રગતિ ફેમિલી રેસ્ટોરન્ટ, રંગોલી બેકરી, ખોડલ ડેરી ફાર્મ, માહી ફરસાણ એન્ડ સ્વીટ માર્ટ સહિત અન્ય ખાણી-પીણીના ધંધાર્થીઓને ત્યાં સ્થળ પર ચકાસણી કરી હતી તથા 2 પેઢીને લાયસન્સ બાબતે નોટીસ ફટકારી હતી.