પુર્વ મુખ્યમંત્રી સિદ્ધરમૈયા 36 કલાકથી દિલ્હીમાં છતાં ખડગે કે ગાંધી કુટુંબ સાથે મુલાકાત નહી
કર્ણાટકમાં પ્રચંડ બહુમતી સાથે સતા મેળવનાર કોંગ્રેસ પક્ષ માટે મુખ્યમંત્રીની પસંદગી પેચીદા બની છે અને બે મુખ્ય દાવેદારો પુર્વ મુખ્યમંત્રી સિદ્ધરમૈયા અને પ્રદેશ પ્રમુખ ડી.કે.શિવકુમાર વચ્ચેની સ્પર્ધા તિવ્ર બની છે અને હવે આજે સાંજે કોંગ્રેસ પ્રમુખ શ્રી મલ્લીકાર્જુન ખડગે બેંગ્લોરમાં વિધાનસભા પક્ષની બેઠકમાં નવા નેતાના નામની જાહેરાત કરશે.
- Advertisement -
ગઈકાલથી જ દિલ્હીમાં અડીંગો જમાવીને બેસેલા પુર્વ મુખ્યમંત્રી શ્રી સિદ્ધરમૈયાને હજું સુધી પક્ષના પ્રમુખ શ્રી ખડગે કે ગાંધી કુટુંબના કોઈ સભ્ય મળ્યા નથી. જયારે ડી.કે.શિવકુમારને આજે દિલ્હી બોલાવાયા છે અને તેઓને શ્રી ખડગેના નિવાસે પહોંચી જવા જણાવાયું છે. બાદમાં તેઓની શ્રી ખડગે ઉપરાંત કોંગ્રેસના મહામંત્રી શ્રી વેણુગોપાલન તથા રાજયના નિરીક્ષક શ્રી રણદીપ સુરજેવાલાને મળશે. આ અગાઉ આજે શ્રી ખડગેના નિવાસે પક્ષના વરિષ્ઠ નેતા શ્રી રાહુલ ગાંધી સવારે પહોંચ્યા હતા અને તેઓને પક્ષ પ્રમુખ સાથે લગભગ ચાર કલાક સુધી નવા મુખ્યમંત્રીની પસંદગી મુદે ચર્ચા કરી હતી અને ડી.કે.શિવકુમાર અહી પહોચે
તે પુર્વે રાહુલ ગાંધી પરત તેમના નિવાસસ્થાને પહોંચી ગયા હતા. ટોચના સૂત્રોના જણાવ્યા મુજબ શ્રી ડી.કે.શિવકુમાર બાદ શ્રી સિદ્ધરમૈયાને પણ પક્ષપ્રમુખ ખડગેના નિવાસે બોલાવાયા છે અને બાદ બન્ને દાવેદારોને સાથે બેસાડીને કોઈ નિર્ણય લેશે. સવારે શ્રી સિદ્ધરમૈયાનો મુખ્યમંત્રી પદ માટે દાવો મજબૂત જણાતો હતો પણ ડી.કે.શિવકુમારે નાયબ મુખ્યમંત્રી પદ સ્વીકારવાનો ઈન્કાર કરતા કહ્યું કે મુખ્યમંત્રી પદ એ કોઈ વારસાગત મિલ્કત નથી કે તેમાં વહેચણી કરી શકાય. આમ તેઓએ નાયબ મુખ્યમંત્રી પદની ફોર્મ્યુલા પણ ફગાવી છે. જો કે શ્રી શિવકુમારે પોતે મોવડી મંડળનો નિર્ણય સ્વીકારશે અને તેઓ પક્ષ છોડશે કે બળવો કરશે તેવી શકયતા ફગાવી હતી.