ખાસ-ખબર સંવાદદાતા
હાલ સંસદનું મોનસૂન સત્ર ચાલી રહ્યું છે. ત્યારે મણિપુર મુદ્દે વિપક્ષ નરેન્દ્ર મોદીને બોલવાની માંગ કરી રહ્યું છે. બુધવારે રાજ્યસભામાં કોંગ્રેસના સાંસદ અમી યાજ્ઞિકના આરોપનો જવાબ આપતા કેન્દ્રીય મંત્રી સ્મૃતિ ઈરાનીએ પૂર્વ સાંસદ રાહુલ ગાંધી સામે નિશાન સાધ્યું હતું.
કોંગ્રેસના સાંસદ અમી યાજ્ઞિકે પૂછ્યું હતું કે શું મહિલા મંત્રીઓ મણિપુર પર બોલશે. ત્યારે કેન્દ્રીય મંત્રી સ્મૃતિ ઈરાનીએ કહ્યું કે, ’તમારામાં છત્તીસગઢ પર ચર્ચા કરવાની હિંમત ક્યારે આવશે, બિહારમાં શું થઈ રહ્યું છે તેની ચર્ચા કરવાની તમારામાં હિંમત ક્યારે આવશે? કોંગ્રેસ શાસિત રાજ્યોમાં મહિલાઓ પર કેવી રીતે બળાત્કાર થાય છે તે કહેવાની હિંમત ક્યારે થશે. રાહુલ ગાંધીએ મણિપુરમાં કેવી રીતે આગ લગાવી તે કહેવાની તમારી હિંમત ક્યારે થશે. મહિલા મંત્રીઓ પર શંકા ન કરો.’
- Advertisement -
કોંગ્રેસના નેતા સુપ્રિયા શ્રીનાતે સ્મૃતિ ઈરાનીને તેના ’નાટક’ માટે વખોડી કાઢ્યા હતા અને કહ્યું કે ’નાટક’થી તેમનો મૃત અંતરાત્મા જીવંત નહીં થાય. શ્રીનાતે ટ્વીટ કર્યું, ’તમે મણિપુરમાં 78 દિવસ સુધી ચૂપ રહ્યા. હાથરસ, લખીમપુર, શાહજહાંપુર, અંકિતા ભંડારી પર તમે મૌન હતા. તમે આપણા એથ્લેટ્સ માટે એક શબ્દ પણ ન બોલ્યો. તમે નિષ્ફળ મહિલા છો, સ્મૃતિ ઈરાની.’