ઓટો પાર્ટ્સ ફિટ કરતા ફોટો પોસ્ટ કર્યા
ખાસ-ખબર સંવાદદાતા
લોકસભા ચૂંટણી 2024 પહેલા કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીએ સામાન્ય લોકોની વચ્ચે જવાનું અને તેમની તકલીફો જાણવાના પ્રયાસો ચાલુ રાખ્યા છે. ’ભારત જોડો યાત્રા’ બાદથી તેઓ લોકોની વચ્ચે જઈ રહ્યા છે. આ દરમિયાન તેઓ દિલ્હીના કરોલ બાગ પહોંચ્યા હતા. અહીં તેમણે સાયકલ માર્કેટની મુલાકાત લીધી અને સામાન્ય નાગરિકોને પણ મળ્યા હતા. કરોલ બાગ માર્કેટમાં ફરતા રાહુલ ગાંધી એક બાઇક મિકેનિકની દુકાને ગયા હતા. જ્યારે તેમણે મિકેનિકને બાઇક રિપેર કરતા જોયો ત્યારે તેમણે જાતે જ સ્ક્રુડ્રાઇવર ઉપાડ્યો. રાહુલે બાઇક ઠીક કરી.
- Advertisement -
આ પછી રાહુલ ગાંધી બીજી દુકાન પર પહોંચ્યા. ત્યાં મિકેનિકે રોયલ એનફિલ્ડ બાઇકના એન્જિનનો એક ભાગ ખોલી નાખ્યો હતો. રાહુલ ગાંધીએ બાઇકના એન્જિનના પાર્ટ્સ ઉપાડ્યા અને મિકેનિક પાસેથી સમજ્યા કે આ પાર્ટ શું કરે છે અને બાઇકમાં શું સમસ્યા છે. આ દરમિયાન મોબિલ લાગી જવાથી તેમનો હાથ કાળો થઈ ગયો હતો.
બજારમાં રાહુલ ગાંધીને જોતા જ ભારે ભીડ ઉમટી પડી હતી. રાહુલે લોકો સાથે હાથ મિલાવ્યા અને તેમના ખબર-અંતર પૂછ્યા. રાહુલ ગાંધીએ અનેક દુકાનોની મુલાકાત લીધી હતી અને સ્થાનિક વેપારીઓ અને દુકાનદારો સાથે વાતચીત કરી હતી. તે તેમની સમસ્યાઓ જાણવાનો પ્રયાસ કરી રહ્યા હતા. કોંગ્રેસે ટ્વિટર પર રાહુલ ગાંધીની તસવીરો શેર કરી છે.



