વર્ષ 2023નો વનડે વર્લ્ડ કપ ભારતીય ટીમ અને ખાસ કરીને કેપ્ટન રોહિત શર્મા માટે એક સપના જેવો હતો. આખા ટૂર્નામેન્ટમાં અજેય રહીને ભારતે ફાઈનલ સુધીની સફર ખેડી હતી.
રોહિતે પોતે 11 મેચોમાં 597 રન બનાવીને શાનદાર નેતૃત્વ કર્યું હતું. જોકે, ફાઈનલમાં ટ્રેવિસ હેડની સદીના કારણે ભારતનું વર્લ્ડ ચેમ્પિયન બનવાનું સપનું રોળાઈ ગયું હતું. આ હાર બાદ પોતાની લાગણીઓ વ્યક્ત કરતા રોહિતે જણાવ્યું કે, તે સમય તેના માટે વ્યક્તિગત રીતે અત્યંત પીડાદાયક હતો.
- Advertisement -
હાર બાદની વેદના અને પુનરાગમન
રોહિત શર્માએ કહ્યું, “2022માં જ્યારે મેં કેપ્ટનશીપ સંભાળી ત્યારથી મારું એકમાત્ર લક્ષ્ય ભારતને વર્લ્ડ કપ જીતાડવાનું હતું. મેં આ માટે માત્ર બે-ત્રણ મહિના નહીં પણ વર્ષો સુધી બધું જ ઝોંકી દીધું હતું. જ્યારે ફાઈનલમાં હાર થઈ, ત્યારે મને વિશ્વાસ જ નહોતો થતો કે આ શું થઈ ગયું. હું અંદરથી એટલો તૂટી ગયો હતો કે મારા શરીરમાં કોઈ ઊર્જા બાકી નહોતી રહી. મને લાગ્યું કે હવે મારી પાસે આપવા માટે કંઈ જ બાકી નથી. મેં સંન્યાસ લેવાનું પણ વિચારી લીધું હતું.”
મહિનાઓ લાગ્યા નિરાશાથી બહાર આવતા
- Advertisement -
રોહિતે વધુમાં ઉમેર્યું કે, નિરાશાના એ વાદળોમાંથી બહાર નીકળતા તેને મહિનાઓ લાગ્યા હતા. તેણે શીખવું પડ્યું કે જીવનમાં જ્યારે તમે બધું જ દાવ પર લગાવો અને પરિણામ ન મળે, ત્યારે કેવી રીતે ફરીથી ‘રીસેટ’ થઈને નવી શરૂઆત કરવી. જોકે, રોહિતે હિંમત હારી નહીં. તેણે પોતાનું ધ્યાન 2024ના ટી20 વર્લ્ડ કપ પર કેન્દ્રિત કર્યું. રોહિતે જણાવ્યું કે ભલે તે સમયે ફરી ઉભા થવું અશક્ય લાગતું હતું, પણ તેને ખબર હતી કે જીવન અહીં અટકી જતું નથી. 2023ની એ કડવી હારે જ રોહિતને વધુ મજબૂત બનાવ્યો અને અંતે જૂન 2024માં વેસ્ટ ઈન્ડિઝની ધરતી પર તેણે ભારતને ટી20 વર્લ્ડ કપની ટ્રોફી જીતાડીને ઈતિહાસ રચી દીધો. વર્લ્ડ કપ જીત્યા બાદ રોહિતે ટી20 ફોર્મેટમાંથી સન્માનજનક નિવૃત્તિ જાહેર કરી હતી. રોહિતની આ સફર દર્શાવે છે કે રમતગમતમાં મોટી નિરાશા જ ક્યારેક ઐતિહાસિક સફળતા માટેની સૌથી મોટી પ્રેરણા બની જતી હોય છે.




