દેશભરમાં ટેક્સ ફ્રી કરીને બચ્ચે બચ્ચાને બતાવવા જેવી ફિલ્મ!
તુષાર ભટ્ટ
એક સમયે ધોતિયું પહેરીને કોંગ્રેસના અહિંસક કાર્યક્રમોમાં જોડાતો એક બંગાળી, નામે સુભાષચંદ્ર બોઝ આજે આર્મી યુનિફોર્મ ધારણ કરીને એક સશસ્ત્ર ફોજનો સેનાપતિ બની બેઠો હતો. અંગ્રેજ સરકારને છેહ આપીને એ નરબંકો પઠાણી વેશ ધારણ કરીને વાયા અફઘાનિસ્તાન જર્મની સુધી પહોંચવામાં સફળ રહ્યો હતો. એક તરફ દેશમાં નેતાઓ રેલી, દેખાવો અને ઉપવાસોનું ચલકચલાણું કરી રહ્યાં હતા ત્યારે એ વીર જર્મન સબમરિનમાં સવાર થઈને જાપાન સુધીની અંડર વોટર સફરો ખેડતો હતો. એણે પોતાની વ્યક્તિગત પહોંચ એટલી વિશાળ કરી લીધેલી કે તે એ સમયના વિશ્વના સૌથી શક્તિશાળી અને ખૂંખાર ગણાતા નેતા હિટલર અને જાપાનના વડાપ્રધાન સાથે ભારતની આઝાદીની લડાઈ(વોરના સેન્સમાં લડાઈ, ઉપવાસોના સેન્સમાં નહીં) અંગે વન ટુ વન મિટિંગ કરતો હતો. સુભાષના નામ માત્રથી અંગ્રેજો ફફડતા હતા. અંગ્રેજ સરકારને ભારતીય સૈનિકોના બળવાથી જબરદસ્ત આઘાત લાગેલો.
- Advertisement -
ભારતના પહેલા વોર હિરો સુભાષ ચંદ્ર બોઝે 1943માં આઝાદ હિન્દ સરકારની સ્થાપના કરી. યસ સરકારની. એક એવી સરકાર જેનું પોતાનુ મંત્રીમંડળ હતું, જેની પોતાની બેંક હતી, જેની પોતાની પોસ્ટલ ટિકિટ્સ પણ હતી. જેના વિસ્તારમાં આંદામાન-નિકોબાર ટાપુઓ પણ હતા. જેને સ્વરાજ અને શહીદ નામ અપાયેલા. એટલુ જ નહીં આ સરકારને જાપાન, જર્મની અને ઈટાલી સહિત કુલ સાત દેશોએ માન્યતા પણ આપેલી. આઝાદ હિન્દ સરકારની રચના બાદ એ સરકારના વડાપ્રધાન સુભાષ ચંદ્ર બોઝે ઈંગ્લેન્ડ અને અમેરિકા સામે યુદ્ધ ઘોષિત કરી દીધુ અને ‘ચલો દિલ્હી’નો નારો આપ્યો. નો ગોળ-ચોરસ-લંબગોળમેજી પરિષદ. બર્માથી ઈમ્ફાલના રસ્તે ભારતમાં ઘુસીને સીધો દિલ્હીમાં ત્રિરંગો લહેરાવી દેવાનો. ધેટ્સ ઈટ.
કહે છે કે આપણને આઝાદી અહિંસાથી મળી છે. કહે છે તો કદાચ મળી હશે પણ એક હકિકત એ પણ છે કે આઝાદ હિન્દ ફોજના લગભગ 43,000 જેટલા સૈનિકો આ યુદ્ધમાં અલગ અલગ મોરચે લડતા હતા. એવામાં અમેરિકાએ જાપાન પર પરમાણુ બોમ્બ ઝીંકતા જાપાન ભાંગ્યુ અને સાથોસાથ આઝાદ હિન્દ ફોજની પણ પડતી બેઠી. બર્મા મોરચે જાપાન સાથેની સપ્લાય ચેઈન તૂટી અને જંગલી વિસ્તારોમાં હજારો સૈનિકોની હાલત કફોડી બની. હથિયારોની તંગી વચ્ચે તેઓ લડતા રહ્યાં. ખરાબ મૌસમ વચ્ચે ઝઝુમતા રહ્યાં. દવા અને ખોરાક-પાણીના પૂરવઠા વિના સબડતા રહ્યાં. મોતે-કમોતે મરતાં રહ્યાં. કંટાળીને આત્મહત્યા કરતા રહ્યાં. આઝાદ હિન્દ નામના આજના હિન્દુસ્તાનના એ પૂર્વસૂરી દેશની સેનાના લગભગ 26,000 જેટલા સૈનિકો ઈંગ્લેન્ડ સામેના યુદ્ધમાં ખપી ગયેલા. જેમની કુરબાનીઓની ખાંભીઓને અવગણી દેશના માનસપટ પર ‘અહિંસક લડતથી મળેલી આઝાદી’નું લિંપણ કરી દેવાયું. દેશમાં એકતરફ જ્યારે ગોળ-ચોરસ-લંબગોળમેજી પરિષદો ભરાતી હતી, મુસ્લિમ લિગ અને કોંગ્રેસ આઝાદી પહેલા જ આજના જેવું પોલિટિક્સ કરવા પર ઉતરી આવ્યા હતા ત્યારે બીજી તરફ આઝાદ હિન્દ ફોજ પોતાના ઈત્તેહાદ(એકતા), ઈત્તમાદ(વિશ્વાસ) અને કુરબાનીના નારાને સાર્થક કરીને કુરબાનીઓ આપી રહી હતી. અમેરિકા-બ્રિટન અને મિત્ર દેશો સામે જાપાન અને જર્મની પણ ઘુંટણીયે બેસી નાકલીટી તાણવા મજબૂર બને એવી સ્થિતિ હતી ત્યારે આ નાનકડી ફોજની શું વિસાત હતી? અંતે ગુલામ ભારતની પહેલી આઝાદ ફોજે શરણાગતિ સ્વીકારી.
આઝાદ હિન્દ ફોજના પકડાયેલા સૈનિકો પર ગુસ્સે ભરાયેલી સરકાર લાલ કિલ્લા પર ત્રિરંગો લહેરાવવા માંગતા એ વીરોને ત્યાં જ ફાંસીએ લટકાવવા માંગતી હતી. જેથી બીજુ કોઈ એમના જેવી હિંમત ન બતાવે. પહેલો કેસ ચાલ્યો કર્નલ પ્રેમ સેહગલ, કર્નલ ગુરબક્ષસિંઘ ધિલ્લોન અને મેજર શાહનવાઝ ખાન પર. એક હિન્દુ, એક મુસ્લિમ અને એક શીખ. આ કેસ અને તેના બેકડ્રોપમાં ચાલતી આઝાદ હિન્દ ફોજના આરંભથી અંત સુધીનો અછડતો ચિતાર આપતી સ્ટોરી એટલે ફિલ્મ ‘રાગ દેશ’. જેમાં શાહનવાઝ ખાનની ભૂમિકા કુનાલ કપુરે, ગુરબક્ષસિંઘની અમિત સાધે અને પ્રેમ સેહગલની ભૂમિકા મોહિત મારવાહે ભજવી છે.
- Advertisement -
ફિલ્મની શરૂઆતમાં એકેડેમિક ઢબે કેસનો બેકડ્રોપ વોઈસઓવર દ્વારા સમજાવવામાં આવે છે. પછી બતાવાય છે આઈએનએની લડતના કેટલાક અંતિમ તબક્કા અને પછી અંગ્રેજોની પકડમાં રહેલા ત્રણ અધિકારીઓ પરનો કેસ. એ અધિકારીઓ, જે પહેલા ભારતીયો સાથે મળીને અંગ્રેજો માટે જાપાન-જર્મની સામે લડતા હતા પછી ભારત માટે ભારતીયો સામે જ લડ્યા અને હવે તેમનો કેસ અંગ્રેજોની અદાલતમાં ચાલવાનો હતો જ્યાં અંગ્રેજો માટે લડનાર વકીલ પણ ભારતીય જ હતો.
મર્દાના અંદાજની ફિલ્મો બનાવવા માટે જાણીતા તિગ્માંશુ ધુલિયાએ આઝાદ હિન્દ ફોજના એ અધિકારીઓનો સ્વેગ બરાબર ઝીલ્યો છે. શરણાગતિ સ્વીકારી હોવા છતાં લશ્કરના એક ઉચ્ચ અધિકારી તરીકેનો રોફ, કડપ અને ખુમારી એ અધિકારીઓમાં બરકરાર હોય છે. શરૂઆતના એક દ્રશ્યમાં અંગ્રેજોની ગુલામ સેનાનો એક સિપાહી આવીને કહે છે કે, ‘જલદી સે તૈયાર હો જાઓ, હમે જલ્દી દિલ્હી પહોંચને કા આદેશ હૈ.’ ત્યારે પેલો અધિકારી એ સિપાહીને જવાબ વાળે છે કે, ‘દેખ આદેશ કુછ ભી હો, તૈયાર હોને મેં દેર તો ઉતની હી લગેગી, જીતની લગતી હૈ, જા ગરમ પાની લે કે આ.’ આ સંવાદના ‘જા ગરમ પાની લે કે આ’ બોલવાના ટોનમાં એક ઉડીને આંખે વળગતો મેસેજ દેખાય છે કે, ‘જો બેટા, શરણાગતિ ભલે સ્વીકારી હોય પણ રેન્ક મુજબ હું હજી તારો સિનિયર જ છું. ચડ્ડીમાં રે બકા.’
એ જ રીતે અદાલતમાં જતી વખતે શાહનવાઝ ખાનની પાછળ રહેલો એક ગોરો અધિકારી ખાનને સ્હેજ હડસેલો મારીને જલ્દી ચાલવાનુ કહે છે, એ સાથે જ શાહનવાઝ વિફરે છે અને પેલા ગોરા અધિકારીને બે જન્નાટ ઝાપટ મારીને ભોંયભેગો કરી દે છે અને કહે છે કે, ‘તમિઝ સે બાત કર ઓર ઓકાત મેં રેહ, વર્ના યહીં માર કે ગાડ દુંગા.’ એ ગોરા અધિકારીની આસ-પાસ રહેલા ગોરખા સૈનિકો ત્યાં જ સ્તબ્ધ બનીને આ દ્રશ્ય જોતા રહે છે. શાહનવાઝને રોકવાની કોઈની હિંમત નથી ચાલતી. પછીના એક દ્રશ્યમાં શાહનવાઝ ફરીથી એ જ વાત કરે છે કે એ ગોરો અધિકારી રેન્કમાં તેનાથી જુનિયર હતો એટલે એને એની ઓકાત બતાવવી જરૂરી હતી. આખી ફિલ્મમાં ઠેર ઠેર આ અધિકારીઓનો ગર્વ છલકાતો રહે છે.
મુસ્લિમ લિગે શાહનવાઝ ખાનને કોંગ્રેસથી દૂર રહેવાની ટકોર કરેલી અને ઈસ્લામના નામે ભરમાવવા કોશિશ કરીને તેમનો કેસ લડવાની ઈચ્છા જાહેર કરેલી પણ એ ખાને ઠુકરાવી દીધેલી. પછીના એક દ્રશ્યમાં ખાન એક સાથી અધિકારીને પુછે છે કે, ‘જબ સભી કા મકસદ એક(આઝાદી) હૈ તો યે સારી પાર્ટીયા આપસ મેં લડ ક્યું રહી હૈ?’ ત્યારે જેના પર કુરબાન થઈ જવાની ઈચ્છા થાય એવો જવાબ આવે છે કે, ‘યે સબ આઝાદી કે બાદ કી તૈયારીયા ચલ રહી હૈ.’ આઝાદ હિન્દ ફોજના સૈનિકોને યુદ્ધમાં ભારતીય સૈનિકો સામે જ લડવું પડ્યું. અંગ્રેજોની સામે પડવાથી એમના પરિવારજનો પણ અલગ અલગ કારણોસર નારાજ હતા. શરણાગતિ સ્વીકાર્યા પછી અંગ્રેજ લશ્કરના ભારતીય સૈનિકો પણ તેમને ‘કલ તક હમ પર ગોલી ચલાતે થે, આજ હમારા ખાના ખા રહે હૈ’ જેવા ટોણા મારતા. સૌથી વધારે વિરોધ શાહનવાઝ ખાનના પરિવારમાંથી હતો, કારણ કે તેમના ઝાંઝુઆ રાજપુત કુળમાંથી 60થી વધારે લોકો લશ્કરમાં હતા અને અંગ્રેજોનુ નમક ખાધુ હોવાથી એ તમામ અંગ્રેજોને વફાદાર હતા. શાહનવાઝ ખાનનુ પાત્ર ભજવનારા કુનાલ કપુરે વર્ષો પૂર્વે તેની અમદાવાદ મુલાકાત દરમિયાન એક સરસ વાત કહેલી કે, ‘આ ફિલ્મમાં મેં જેમનુ પાત્ર ભજવ્યુ છે એ શાહનવાઝ ખાન વિશે મેં પણ ફિલ્મ કરતી વખતે જ જાણ્યુ. કારણ કે, ભણવામા તો તેમના વિશે કંઈ આવ્યુ જ નથી. તેમના વિશે વિદ્યાર્થીઓને ભણાવવું જોઈએ.’ બાય ધ વે, આ શાહનવાઝ ખાન શાહરુખ ખાનના નાના થાય. શાહરુખ ખાનની માતા લતિફ ફાતિમાને તેમણે એડોપ્ટ કરેલી.
ફિલ્મમાં ખટલા બાદ આ ત્રણ અધિકારીઓ છૂટી ગયા બાદનો ઈતિહાસ દર્શાવાયો નથી પણ શાહનવાઝ ખાન પછીથી કોંગ્રેસમાં જોડાયા. ચાર વાર મેરઠથી સાંસદ બન્યા. તેમનો એક પુત્ર પાકિસ્તાની સેનામાં હોવાનુ ખુલ્યા બાદ તેઓ 1967 અને 1977માં ચૂંટણી હારી ગયા. સુભાષચંદ્ર બોઝના કહેવાતા એક્સિડેન્ટની તપાસ માટે બનેલી કમિટીના તેઓ પ્રેસિડેન્ટ હતા અને એ તપાસ અંગે પણ ખુબ લાંબી કોન્ટ્રોવર્સી ચાલેલી. ગુરબક્ષસિંહ ધિલ્લોનને 1998માં વાજપેયી સરકારે પદ્મભૂષણથી નવાજેલા.
આઝાદ હિન્દ સરકારમાં વુમન્સ અફેર્સના મિનિસ્ટર અને આઝાદ હિન્દ ફોજના ઉચ્ચ અધિકારી રહેલા કેપ્ટન લક્ષ્મી એટલે કે લક્ષ્મી સ્વામિનાથનનો ટ્રેક પણ સારી રીતે ફિલ્માવાયો છે. બર્મામાં વોર પ્રિઝનર રહેલા કેપ્ટન લક્ષ્મીને મળવા જતા એક પત્રકાર રીતસર ફફડતો હોય છે. એ જ્યારે કેપ્ટન લક્ષ્મીને મળવા જાય છે ત્યારે તેઓ આઝાદ હિન્દ સરકારના સ્થાપના દિવસની ઉજવણી કરતા હોય છે. ડરેલા પત્રકારને એ કહે છે કે, ‘ડર ભગાના હૈ તો બોલો જય હિન્દ.’ કેપ્ટન લક્ષ્મી અને કર્નલ પ્રેમ સહેગલ એક-બીજાને પસંદ કરતા હોય છે પણ તેઓ લગ્ન ભારતની આઝાદી બાદ કરવાનુ નક્કી કરે છે. પછી એક બર્મામાં વોર પ્રિઝનર હોય છે અને બીજો દિલ્હીમાં. ફિલ્મમાં બતાવાયુ નથી પણ પછી પ્રેમ સહેગલ અને લક્ષ્મી સ્વામિનાથને લગ્ન કરી લીધા. તેમની દીકરી સુહાસિનીના લગ્ન ફિલ્મમેકર મુજફ્ફર અલી સાથે થયા. મુજફ્ફર અલીનો દીકરો અને પ્રેમ સેહગલનો પૌત્ર એટલે ડિરેક્ટર શાદ અલી. જેણે ‘સાથિયા’ અને ‘બંટી ઓર બબલી’ જેવી ફિલ્મો બનાવી. છેલ્લે જેમની ‘ઓકે જાનુ’ રિલિઝ થઈ. આ ફિલ્મની સ્ટોરીમાં શાદ અલીએ તિગ્માંશુ ધુલિયાને ખુબ મદદ કરી છે. તિગ્માંશુ કેપ્ટન લક્ષ્મી તેમજ આઈએનએ અધિકારીઓના હયાત પરિવારજનોને અનેક વાર મળેલા.
‘રાગ દેશ’ના રિસર્ચ માટે એક આખી ટીમે વર્ષ સુધી અનેક લોકોને મળીને અને કંઈક ઐતિહાસિક ગ્રંથો પર બાઝેલી ધૂળ ખંખેરી હોવાનુ દેખાઈ આવે છે. ફિલ્મ ચિક્કાર રેફન્સિસથી ભરેલી છે. જો સ્હેજ પણ ચુકો તો લશ્કર બર્મામાં છે કે જાપાનમાં એ ખબર ન પડે. જો થોડું ઘણુ બેકગ્રાઉન્ડ ન જાણતા હોવ તો કેટલાક દ્રશ્યો-સંવાદો ન સમજાય એવું પણ બની શકે. પણ આવા સબજેક્ટ માટે ફિલ્મ બનાવવાની તક એકાદી વાર મળતી હોય અને રાજ્યસભા ટીવી સ્પોન્સર હોય અને જેનું ટ્રેલર સંસદમાં રિલિઝ થાય એમાં શક્ય એટલા વધારે સંદર્ભો ઉમેરી દેવાની તક સર્જક ન છોડી શકે. પણ આપણે સામાન્ય રીતે હોલિવૂડની ગુંચવાડા ભરેલી કે વાર્તા-પ્લોટનો વિશાળ ઘેરાવો ધરાવતી ફિલ્મો સમજવાની કોશિશ કરીએ છીએ. એમને માણીને વખાણીએ છીએ. ભારતીય ફિલ્મોમાં સ્હેજ અઘરું થાય એટલે તરત જ સ્ટોરીમાં કંઈ સમજાતુ નથી કહીને હાથ ઊંચા કરી દઈએ છીએ. ‘ડનકર્ક’ જેવી ફિલ્મ સમજવા જોયા પહેલા કે પછી વિકિપીડિયા પેજીસ ઉલેચી મારીએ છીએ એ જ રીતે આ ફિલ્મ માટે પણ એ મહેનત કરી લેવાની. લેખે લાગશે. શ્યામ બેનેગલની ‘નેતાજી સુભાષચંદ્ર બોઝ : ધ ફરગોટન હિરો’માં સુભાષચંદ્ર બોઝને આઝાદ હિન્દ ફોજની કમાન સોંપનારા રાસબિહારી બોઝને યોગ્ય વેઈટેજ મળેલું પણ અહીં તિગ્માંશુ ધુલિયા તેમનો રેફરન્સ ચૂકવાની ભૂલ કેવી રીતે કરી ગયા એ સમજાતુ નથી.
રાજ્યસભા ટીવીના સીઈઓ ગુરદિપ સપ્પલે ડિરેક્ટર તિગ્માંશુ ધુલિયાને બે ફિલ્મો ઓફર કરેલી. એક સરદાર પટેલ પરની અને બીજી લાલ કિલ્લામાં ચાલેલા આઝાદ હિન્દ ફોજ પરના કેસની. તેમણે આ વિષય પસંદ કર્યો અને આપણને એક જેની જરૂર હતી એવી ડોક્યુડ્રામા મળી. એક ઈન્ટરવ્યૂમાં તિગ્માંશુ ધુલિયાએ કહેલુ કે, ‘મેં વિચાર્યુ કે મને સુભાષચંદ્ર બોઝ કે આઝાદ હિન્દ ફોજ પર ફિલ્મ બનાવવાની આવી તક બોલિવૂડમાં ફરી નહીં મળે. કોઈ પ્રોડ્યૂસર કે કોર્પોરેટ હાઉસ આ વિષય માટે ફંડ નહીં ફાળવે. ભારતનો એક મોટો વર્ગ ભારતના ઈતિહાસના આ પ્રકરણ વિશે જાણતો નથી. લોકો નેતાજીના મોતની મિસ્ટ્રીમાં વધારે રસ ધરાવે છે નહીં કે તેઓ જે કરી ગયા તેમાં.’
આ ફિલ્મ ટેક્સ ફ્રી કરીને દેશના બચ્ચે બચ્ચાને ધરાર બતાવવા જેવી છે. જેથી આપણને આઝાદી અહિંસાથી મળી છે એવું જ્યારે એ ભણે ત્યારે તેના દિલમાં દેશકાજે આઝાદીની લડતમાં ખપી ગયેલા હજારો લડવૈયાઓની શહીદીની ટીસ અચુક ઉપડે.
એકસ્ટ્રા શોટ :
1960ના દાયકાનો સમય છે. દેશમાં લાલ બહાદુર શાસ્ત્રીની સરકાર છે. આઝાદીના લડવૈયા સુભાષચંદ્ર બોઝ જીવતા હોવાની ચર્ચા ચરમસીમાએ છે. સુભાષ બાબુ અંગે જાત જાતની કિવદંતીઓ પ્રચલિત થઈ રહી છે. એક મઠના બાબા સુભાષ બાબુ હોવાની વાતો સાંભળી ઉત્સુકતાથી પ્રેરાઈને ઈન્ડિયન નેશનલ આર્મીના એક કર્નલ અને એક કમાન્ડર સુભાષ બાબુની શોધમાં નીકળે છે. જ્યાં સુભાષ બાબુ હોવાની વાતો ચર્ચાતી હોય છે ત્યાં જાય છે પણ સુભાષ બાબુ મળતા નથી. પરિણામ શૂન્ય આવે છે. અંતે હારી થાકીને ઘરે જવા રવાના થાય છે. ત્યારે તેમને અંદાજ નથી હોતો કે આઝાદ ભારતનું સૌથી મોટું અને ગુઢ રહસ્ય તેમના ઘરે જ તેમનો ઈંતજાર કરી રહ્યું હશે. ઘરે પહોંચતા વેંત જ તેમની આંખો અચરજથી પહોળી થઈ જાય છે. ગુલામ હિન્દુસ્તાનની ‘આઝાદ’ ફોજનો સેનાપતિ, દેશવાસીઓને ‘તુમ મુઝે ખૂન દો મેં તુમ્હે આઝાદી દૂંગા’નું સુત્ર આપનારો નરબંકો, આઝાદીની લડાઈમાં સુપરહિરો જેવી કહાનીઓનો સર્જક ‘તુમ મુજે બાહર ઢુંઢ રહે થે ઓર મેં તુમ્હારા યહાં ઈંતજાર કર રહા થા’ની સ્ટાઈલમાં તેમના ઘરે જ મોજૂદ હોય છે. નેતાજી સુભાષચંદ્ર બોઝ જીવતા, સાક્ષાત અને સદેહે પાછા આવ્યા છે. બોઝ બાબુના ચાહકોની આશા સાચી નીવડે છે. દેશભરમાં સનસનાટી મચી જાય છે. બીજે દિવસે સવારે દેશના તમામ અખબારોને લગભગ એકસરખી જ હેડલાઈન હોય છે કે- જઞઇઇંઅજઇં ઈંજ અકઈંટઊ. નેતાજી પ્રેસમાં પ્રથમ નિવેદન આપે છે કે, તેઓ રશિયાની જેલમાં હતા અને ભારત પરત ફરવા માટે ત્યાંથી ભાગી છૂટ્યા. આ સનસનીખેજ સમાચાર દેશભરમાં આગની જેમ ફેલાઈ જાય છે. હિન્દુસ્તાનના રાજકારણમાં એક બહુ મોટો ભૂકંપ આવે છે. અનેક નેતાઓ ખળભળી ઉઠે છે. સરકારને સમજાતુ નથી કે કેવી રીતે અને શું પ્રતિક્રિયા આપવી? રશિયા પરના આક્ષેપને પગલે ઊંૠઇ(રશિયન સિક્રેટ સર્વિસ) એકશનમાં આવી જાય છે. બીજી તરફ ભારતમાં સીબીઆઈ પણ હરકતમાં આવે છે. યંગ, ડેશિંગ અને ડેડિકેટેડ સીબીઆઈ અધિકારી આલોક ગુપ્તા પોતાની જર્નાલિસ્ટ ગર્લફ્રેન્ડની મદદથી સુભાષ બાબુની પાછળ લાગે છે. એ સાથે જ શરૂ થાય છે આઝાદ હિન્દુસ્તાનનો સૌથી મોટો એકશન-થ્રીલર-સસ્પેન્સથી ભરપૂર પોલિટિકલ ડ્રામા. આ સુપર્બ સ્ટોરીલાઈન છે આબિદ સુરતીએ 70ના દાયકામાં લખેલી અદ્દભૂત ગુજરાતની નવલકથા ‘રડતાં ગુલમહોર’ની. ચોંકાવનારી શરૂઆત અને હોલિવૂડની ફિલ્મને ટક્કર મારે તેવો રોચક અંત.