ધારાસભ્ય લવિંગજી ઠાકોરના હસ્તે નવા ડામર રોડનું ખાતમુહૂર્ત
ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ, તા.8
રાધનપુર વિધાનસભા વિસ્તારના ગ્રામીણ માર્ગોના સુધારણા માટે રાજ્ય સરકાર દ્વારા ₹11.52 લાખના ખર્ચે 10.95 કિલોમીટરના નોન-પ્લાન રોડના કામોને મંજૂરી આપવામાં આવી છે. આ કામો રાધનપુર, સમી અને સાંતલપુર તાલુકાના વિવિધ ગામડાઓમાં હાથ ધરવામાં આવશે, જેનાથી ગ્રામ્ય વિસ્તારોમાં કનેક્ટિવિટી સુધરશે.
- Advertisement -
આ પ્રસંગે રાધનપુર તાલુકાના સુરકાથી ઇન્દ્રનગર સુધીના નવીન ડામર રોડનું ખાતમુહૂર્ત રાધનપુરના ધારાસભ્ય લવિંગજી ઠાકોરના હસ્તે કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં તાલુકા પંચાયતના પ્રમુખ, ભાજપ મહામંત્રી બેચરભાઈ ઠાકોર અને ભરતભાઈ ચૌધરી સહિત ગામના આગેવાનો અને મોટી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહ્યા હતા.
ધારાસભ્ય લવિંગજી ઠાકોરે જણાવ્યું હતું કે, “સરકાર ગ્રામીણ વિસ્તારોના માર્ગોને સુધારવા માટે પ્રતિબદ્ધ છે. ગામડાઓને માર્ગથી જોડવું એ વિકાસની સૌથી મહત્વપૂર્ણ કડી છે.” તેમણે ખાતરી આપી હતી કે તાલુકામાં વિકાસનાં કાર્યો હવે વધુ ઝડપી બનશે. નવા મંજૂર થયેલા રોડના કામો ટૂંક સમયમાં શરૂ કરવામાં આવશે.