સાંસદ વિનોદ ચાવડાએ કહ્યું, ‘PM મોદીએ અમને આશ્ર્વસ્ત કર્યા કે આવો કોઈ વિચાર નથી, આ માત્ર સુપ્રીમ કોર્ટનો અભિપ્રાય’
ખાસ-ખબર ન્યૂઝ નવી દિલ્હી, તા.9
- Advertisement -
અનામતમાં ક્વોટાને લઈને ભાજપે પોતાનું વલણ સ્પષ્ટ કર્યું છે. કચ્છના સાંસદ વિનોદ ચાવડાએ આજે દાવો કર્યો હતો કે મિટિંગમાં પ્રધાનમંત્રી મોદીએ તેમને સ્પષ્ટ આશ્ર્વત કર્યા હતા કે અનામતમાં ક્વોટા બાબતે ભાજપ કોઈ વિચાર કરી રહ્યો નથી. આ માત્ર સુપ્રીમ કોર્ટના જજની પેનલનો અભિપ્રાય છે.
ગઈ તારીખ 1 ઓગસ્ટના રોજ સુપ્રીમ કોર્ટે ઐતિહાસિક ચુકાદો સંભળાવ્યો હતો. જેમાં 7 ન્યાયમૂર્તિની પીઠે એસી-એસટી કેટેગરીમાં નવી સબ કેટેગરી ઉભી કરીને અતિ પછાતોને અલાયદો ક્વાટા આપવાનો આદેશ આપ્યો હતો. જેના દેશભરમાં પડઘા પડ્યા હતા. અલગ-અલગ સંગઠનોએ આને લઈને આગામી 21મી ઓગસ્ટના રોજ ’ભારત બંધ’નું એલાન આપ્યું છે. જોકે કોઈ રાજકીય પાર્ટીએ પોતાનું વલણ હજી સ્પષ્ટ કર્યું નથી. દરમિયાન ભાજપે આ મુદ્દે પોતાનો પત્તા ખોલ્યા છે અને અનાતમાં ક્વોટા લાગુ કરવાના મૂડમાં નથી.
આજે સંસદભવન બહાર વિનોદ ચાવડાએ એક વીડિયો બનાવીને પોસ્ટ કર્યો હતો. જેમાં તેમણે કહ્યું હતું ’આજે અમે સૌ સાંસદો દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદીને મળ્યા હતા. તેમાં તેમણે અમને સ્પષ્ટ આશ્ર્વત કર્યા હતા કે ભાજપની કેન્દ્ર સરકાર કે કોઈ પણ રાજ્યની સરકાર આ અનામતમાં ક્વોટા કે ક્રિમિલેયર બાબતે વિચાર કરી રહી નથી. એ માત્રને માત્ર સુપ્રીમ કોર્ટના જજની પેનલની રાય અને વિચાર છે. દેશમાં કોંગ્રેસ અને વિપક્ષ એસસી અને એસટી વર્ગના લોકોને ગુમરાહ કરી રહી છે. અનામત દૂર કરવા માટેની અફવા ફેલાવી રહી છે. અમે સૌ સાંસદે મળીને વડાપ્રધાન મોદીને રજૂઆત કરી હતી.’
- Advertisement -
આ મીડિયા સાથેની વાતચિતમાં વિનોદ ચાવડાએ કહ્યું કે, આજે એસસી અને એસટી સમાજના તમામ સાંસદ પીએમને મળ્યા હતા અને લેખિત પત્ર પણ આપ્યો હતો. સુપ્રીમ કોર્ટની ટિપ્પણી એ એમનું મંતવ્ય છે. કેન્દ્ર સરકાર કે ભાજપની કોઈપણ રાજ્ય સરકાર કે પાર્ટીનો વિચાર નથી. અનામત રહેશે અને એમાં ફેરફાર કરવામાં આવશે નહીં. અનામત યથાવત રહેશે. સુપ્રીમ કોર્ટનું મંતવ્ય એમના મુજબ છે.