ભારતના વિદેશ મંત્રી એસ જયશંકર રશિયાની પાંચ દિવસની મુલાકાતે છે,આ દરમિયાન રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિનને મળ્યા હતા અને પીએમ મોદી દ્વારા લખેલો પત્ર પુતિનને સોંપ્યો હતો.
વિદેશ મંત્રી એસ જયશંકરે બુધવારે રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિન સાથે મુલાકાત કરી હતી. જેમાં યુક્રેન સાથેના યુદ્ધ સહિત ઘણા મુદ્દાઓ પર ચર્ચા પણ કરવામાં આવી હતી. સાથે જ આ દરમિયાન જયશંકરે પીએમ મોદી તરફથી પુતિનને ખાસ સંદેશ પણ આપ્યો હતો.
- Advertisement -
ભારતના વિદેશ મંત્રી એસ જયશંકર રશિયાની પાંચ દિવસની મુલાકાતે છે,આ દરમિયાન રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિનને મળ્યા હતા અને પીએમ મોદી દ્વારા લખેલો પત્ર પુતિનને સોંપ્યો હતો. બંને નેતાઓએ ભારત અને રશિયા વચ્ચેના સંબંધોને મજબૂત બનાવવાની વાત કરી હતી. આ દરમિયાન પુતિને પણ પીએમ મોદીને રશિયા આવવાનું આમંત્રણ આપીને પ્રતિક્રિયા આપી હતી.
જયશંકરે X પર પોસ્ટ કરીને કહ્યું, ‘રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિનને મળીને હું સન્માનિત છું. પીએમને હૃદયપૂર્વક અભિનંદન આપ્યા અને પીએમ મોદીનો વ્યક્તિગત સંદેશ તેમને સોંપ્યો. રશિયાની પાંચ દિવસની મુલાકાતે આવેલા જયશંકરે લવરોવ સાથે ઈન્ડો-પેસિફિક ક્ષેત્ર, યુક્રેન યુદ્ધ, ગાઝા, અફઘાનિસ્તાન અને મધ્ય એશિયાની સ્થિતિ, બ્રિક્સ, શાંઘાઈ કોઓપરેશન ઓર્ગેનાઈઝેશન, જી20 અને સંયુક્ત રાષ્ટ્ર પર પણ ચર્ચા કરી હતી.
પુતિને કહ્યું, ‘મેં ઘણી વખત પીએમ મોદી સાથે વાત કરી હતી કે યુક્રેનમાં કેવી રીતે સ્થિતિઓ ચાલી રહી છે અને હું જાણું છું કે તેઓ સર્વશ્રેષ્ઠ પ્રયાસ કરવા તૈયાર છે જેથી આ મુદ્દાને શાંતિપૂર્ણ રીતે ઉકેલી શકાય. તેથી હવે આપણે આ અંગે ઊંડાણપૂર્વક વિચારણા કરીશું.’ પુતિને એમ પણ કહ્યું કે રશિયા અને ભારત વચ્ચે વેપાર વધી રહ્યો છે, ખાસ કરીને ક્રૂડ ઓઈલ અને ઉચ્ચ ટેકનોલોજી ક્ષેત્રોને કારણે. તેમણે કહ્યું, “અમારો વ્યવસાય સતત બીજા વર્ષે સ્થિર ગતિએ વધી રહ્યો છે. ગયા વર્ષની સરખામણીએ આ વર્ષે વિકાસ દર વધુ છે.’
- Advertisement -
તેમની વાતચીત પછી જયશંકરે કહ્યું કે ‘તેમને વિશ્વાસ છે કે પીએમ મોદી અને પુતિન આવતા વર્ષે વાર્ષિક સમિટ માટે મળશે. બંને નેતાઓ સતત સંપર્કમાં છે.’ નોંધનીય છે કે અત્યાર સુધી ભારત અને રશિયા વચ્ચે એકાંતરે 21 વાર્ષિક સમિટ યોજાઈ ચૂકી છે. છેલ્લી સમિટ ડિસેમ્બર 2021માં નવી દિલ્હીમાં યોજાઈ હતી.