ખાસ-ખબર સંવાદદાતા
યૂક્રેનમાં જંગના મંડાણ કર્યા પછી રશિયા ખૂબ ખરાબ રીતે ફસાઈ ગયું છે. અનેક અહેવાલોમાં કહેવાઈ રહ્યું છે કે, રશિયાના પ્રમુખ પુતિનને એ વાતનો અંદાજ નહોતો કે આ યુદ્ધ આટલું લાંબું ચાલશે અને રશિયાને આટલું નુકસાન વેઠવું પડશે. આ યુદ્ધને કારણે ચીન પણ તાઇવાન મુદ્દે બે વાર વિચારવા મજબૂર થયું છે. સીઆઈએના નિયામક વિલયમ બર્ન્સે કહ્યું કે, યૂક્રેનમાં રશિયાને થયેલા અનુભવ પછી ચીનના પ્રમુખ શી જિનપિંગ અને ચીનનું સૈન્ય નેતૃત્વ પણ તાઇવાન પર આક્રમણ કરવાની તેમની ક્ષમતા સામે શંકા સેવવા લાગ્યું છે. રવિવારે એક ટીવી મુલાકાતમાં સીઆઈએ નિયામકે જણાવ્યું હતું કે, તાઇવાન પર નિયંત્રણની ચીનની મહત્ત્વાકાંક્ષાને અમેરિકાએ ખૂબ જ ગંભીરતાથી લેવી જોઈએ. જોકે તેમણે એ સ્પષ્ટતા કરી કે તેનો સીધો અર્થ સૈન્ય સંઘર્ષ નથી. સીઆઈએ વડાએ કહ્યું હતું કે, ચીનના પ્રમુખ શી જિનપિંગે ચીની સૈન્યને 2027 સુધીમાં તાઇવાન પર હુમલો કરવા તૈયાર રહેવા જણાવ્યું હતું. જોકે તેનો અર્થ એ નથી કે ચીને તાઇવાન પર વર્ષ 2027 કે કોઈ અન્ય વર્ષમાં સૈન્ય આક્રમણ કરવા નિર્ણય લઈ લીધો છે.