વર્ષ 2026-27 માટે ઘઉંનો ટેકાનો ભાવ ₹2585 નક્કી: બાયોમેટ્રિક પદ્ધતિથી થશે પારદર્શક ખરીદી
ખાસ-ખબર ન્યૂઝ મોરબી, તા.3
- Advertisement -
ભારત સરકાર દ્વારા રવિ માર્કેટિંગ સીઝન 2026-27 માટે ઘઉંનો લઘુતમ ટેકાનો ભાવ ₹2585 પ્રતિ ક્વિન્ટલ નિર્ધારિત કરવામાં આવ્યો છે. ગુજરાત રાજ્ય નાગરિક પુરવઠા નિગમ લિ. દ્વારા ખેડૂતોને પોષણક્ષમ ભાવ મળી રહે તે માટે ટેકાના ભાવે સીધી ખરીદીનું આયોજન કરાયું છે. મોરબી જિલ્લામાં આ માટેની ઓનલાઇન નોંધણી પ્રક્રિયા તા. 01/02/2026 થી 01/03/2026 સુધી ચાલશે. ખેડૂતોએ પોતાના ગ્રામ્ય કક્ષાએ ટઈઊ મારફતે નોંધણી કરાવવી ફરજિયાત છે. આ વર્ષે ખાસ બાબત એ છે કે ખેડૂતની નોંધણી અને જથ્થાની ખરીદી બંને પ્રક્રિયા બાયોમેટ્રિક ઓથેન્ટિકેશન દ્વારા જ કરવામાં આવશે.
નોંધણી માટે ખેડૂતોએ આધાર કાર્ડની નકલ, અદ્યતન ગામ નમૂનો 7/12 અને 8-અ, બેંક પાસબુકની નકલ અથવા કેન્સલ ચેક સાથે રાખવાના રહેશે. જો 7/12 માં પાકની વાવણીની એન્ટ્રી ન થઈ હોય તો તલાટીનો સહી-સિક્કાવાળો દાખલો અનિવાર્ય છે. નોંધણી કરાવ્યા બાદ ખેડૂતોને ખરીદીના સમય અંગે જખજ દ્વારા જાણ કરવામાં આવશે. ઘઉંની પ્રત્યક્ષ ખરીદીનો સમયગાળો તા. 04/03/2026 થી 15/05/2026 સુધીનો નક્કી કરવામાં આવ્યો છે. દસ્તાવેજ ચકાસણીમાં કોઈ ભૂલ કે ખોટા ડોક્યુમેન્ટ જણાશે તો ખેડૂતનો નોંધણી ક્રમ રદ કરવામાં આવશે.
નોંધણી બાબતે ખેડૂતોને કોઈ મૂંઝવણ હોય કે વધારાની માહિતીની જરૂર હોય તો ગુજરાત રાજ્ય નાગરિક પુરવઠા નિગમ, મોરબી દ્વારા હેલ્પલાઇન નંબર જાહેર કરવામાં આવ્યા છે. ખેડૂતો 8511171718 અથવા 8511171719 પર સંપર્ક કરીને જરૂરી માર્ગદર્શન મેળવી શકે છે. સરકારની આ યોજનાનો મહત્તમ લાભ લેવા અને સમયસર નોંધણી કરાવી લેવા નાયબ જિલ્લા મેનેજર દ્વારા અપીલ કરવામાં આવી છે.



