15,000 કરોડથી વધુ મગફળી મગ, અડદ અને સોયાબીનની ખરીદી કરાશે
ખાસ-ખબર ન્યૂઝ જૂનાગઢ, તા.6
મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલના માર્ગદર્શન હેઠળ ગુજરાતના ખેડૂતોને તેમની ઉપજના પોષણક્ષમ ભાવ મળી રહે અને આર્થિક રક્ષણ પૂરું પાડવાના ઉદ્દેશ્યથી રાજ્ય સરકારે મહત્વપૂર્ણ નિર્ણય કર્યો છે. કૃષિ મંત્રી જીતુભાઈ વાઘાણીએ જાહેરાત કરી કે, મગફળી, મગ, અડદ અને સોયાબીન જેવા મુખ્ય ખરીફ પાકોની ટેકાના ભાવે ખરીદી આગામી તા. 9 નવેમ્બરથી શરૂ કરવામાં આવશે.
- Advertisement -
કેન્દ્ર સરકાર દ્વારા ટેકાના ભાવમાં નોંધપાત્ર વધારો કરાયો છે, જેનાથી ખેડૂતોને મહત્તમ લાભ મળશે. આ વધારો મગફળીમાં પ્રતિ ક્વિન્ટલ રૂ.480, અડદમાં રૂ. 400 અને સોયાબીનમાં રૂ. 436 છે. મગફળીનો ટેકાનો ભાવ રૂ.7,263, મગનો રૂ. 8,768, અડદનો રૂ. 7,800 અને સોયાબીનનો રૂ. 5,328 પ્રતિ ક્વિન્ટલ જાહેર કરાયો છે. રાજ્યમાં પ્રધાનમંત્રી અન્નદાતા આય સંરક્ષણ અભિયાન હેઠળ અંદાજે રૂ. 15,000 કરોડથી વધુના મૂલ્યની ખરીદીનું આયોજન છે, જેથી ખેડૂતોને ઓછા બજારભાવમાં જણસ વેચવી ન પડે. વિશેષમાં, મગફળીના મબલખ ઉત્પાદનને ધ્યાને રાખીને પ્રતિ ખેડૂત 125 મણ મગફળી ખરીદવાનો ઉદાર નિર્ણય લેવાયો છે. ખરીદી માટે 300થી વધુ કેન્દ્રો સૂચિત કરાયા છે અને જરૂર પડ્યે તેની સંખ્યા વધારવામાં આવશે.



