કાલાવડ રોડ પરના શ્રી પ્રેમભિક્ષુજી મહારાજ પ્રેરિત શ્રીરામ સંકીર્તન મંદિર ખાતેથી શોભાયાત્રાનું પ્રસ્થાન કરાયું હતું
ખાસ-ખબર સંવાદદાતા
ક્ષત્રિય કુલ ભૂષણ કરોડો હિંદુઓ, સનાતનધર્મીઓના આરાધ્યદેવ પ્રભુ શ્રી રામના અવધપૂરી (અયોધ્યા) ખાતે 500 વર્ષ બાદ મંદિરમાં પુન: મૂર્તિ પ્રાણપ્રતિષ્ઠા મહોત્સવના પાવન પ્રસંગનો વિશ્ર્વભરના રામભક્તો, હિંદુઓમાં અનેરો ઉમંગ ઉત્સાહ છે. રાજકોટ ખાતે રાજપૂત ક્ષત્રિય (ગિરાસદાર) સમાજ દ્વારા પણ ‘હમારે રામ સબકે રામ’ના અલૌકિક ઐતિહાસિક પ્રસંગને વધામણા સાથે ધાર્મિક ઉત્સવ મનાવાઈ રહ્યો છે. આજરોજ ક્ષત્રિય સમાજના આગેવાન ભાઈઓ, યુવાનો દ્વારા બહોળી સંખ્યામાં પરંપરાગત ક્ષાત્ર પોશાકમાં રાજકોટના વિવિધ માર્ગો પરના રામમંદિરો અને રામભક્ત હનુમાન મંદિરો ખાતે પૂજા-અર્ચના કરાઈ હતી. રામમંદિરોમાં દાયકાઓથી અખંડ રામધૂન સાથે ભક્તિની અખંડ જ્યોત પ્રજ્વલિત રાખનાર મંદિરોના સંતો, પૂજારીઓ તથા ટ્રસ્ટી ગણનું પણ રામ પ્રભુની પાવન પધરામણી પ્રસંગે અભિવાદન કરાયું હતું.
રાજકોટ સ્થિત કાલાવડ રોડ પરના શ્રી પ્રેમભિક્ષુજી મહારાજ પ્રેરિત શ્રીરામ સંકીર્તન મંદિર ખાતેથી શોભાયાત્રાનું પ્રસ્થાન થયું હતું. સંકીર્તન મંદિરે રામ પ્રભુના પૂજન-અર્ચન બાદ સંતો, પૂજારીઓ અને ટ્રસ્ટીઓને પણ ફૂલહાર અને ખેસ સાથે સન્માનિત કરાયા હતા. શોભાયાત્રા ત્યાંથી કાલાવડ રોડ સ્વામિનારાયણ મંદિર સ્થિત રામભક્ત સંકલ્પસિદ્ધ હનુમાન મંદિરે પહોંચી હતી ત્યાં હનુમાનજીની પૂજા સાથે સ્વામીજીનું સન્માન કરાયું હતું.
ભૂપેન્દ્ર રોડ ખાતેના પૌરાણિક બાલાજી મંદિર ખાતે પણ હનુમાનજીની પૂજા અને રામધૂન કરી પૂજારી સ્વામીજીનું અભિવાદન કરાયું હતું. ત્યારબાદ ગોંડલરોડ સ્થિત રામમંદિર, રામનગર ખાતેના રામજી મંદિર ઉપરાંત અન્ય ધાર્મિક સ્થાનો પર શોભાયાત્રા રૂપે પહોંચીને ભગવાન રામ પરિવારની પૂજા સાથે ત્યાંના સંત-મહંત, પૂજારીઓ કે મંદિર-ધર્મસ્થાન સંચાલકોને પણ દાયકાઓ સુધી હિન્દુઓની ધરોહર ધર્મસ્થાનોમાં સેવા-પૂજા આપવા બદલ સન્માનિત કરવાનું પ્રભુ શ્રીરામના આ પાવન પ્રસંગમાં એક પ્રેરક કાર્ય રાજપૂત ક્ષત્રિય (ગિરાસદાર) સમાજ રાજકોટ દ્વારા કરાયું છે. સાથે સર્વેને અપીલ પણ કરવામાં આવી છે કે ઘર-ઘરમાં દીપ પ્રગટાવવા, રંગોળીઓ- રોશનીઓથી ઘરોને સજાવવા તા. 22ના રોજ રામ પ્રભુની આરતી કરવી કારણ કે આ ઐતિહાસિક અવસર 500 વર્ષ બાદ આવ્યો છે.
આ શોભાયાત્રામાં પી. ટી. જાડેજા, અશોકસિંહ વાઘેલા, શૈલેન્દ્રસિંહ રાણા, ટીકુભા જાડેજા (કોઠારીયા), રાજદીપસિંહ જાડેજા, ધીરેન્દ્રસિંહ જાડેજા, ભરતસિંહ જાડેજા, ડી. બી. ગોહિલ, તીર્થરાજસિંહ ગોહીલ, મહીરાજાસિંહ ઝાલા, મયુરસિંહ જાડેજા, સતુભા જાડેજા, આદિત્યસિંહ ગોહીલ, સિદ્ધરાજસિંહ જાડેજા, હિતેન્દ્રસિંહ વાઘેલા, જયદેવસિંહ જાડેજા, વિજયસિંહ જાડેજા, દિલજીતસિંહ જાડેજા જોડાયા હતા.