પ્રભસિમરન સિંહે 91 રનની ઇનિંગ રમી
ખાસ-ખબર ન્યૂઝ નવી દિલ્હી, તા.5
IPL 2025ની 54મી મેચમાં પંજાબ કિંગ્સે લખનઉ સુપર જાયન્ટ્સ પર 37 રનથી વિજય મેળવ્યો છે. ટીમ સતત બીજી જીત સાથે પોઈન્ટ ટેબલમાં બીજા સ્થાને પહોંચી ગઈ છે, જ્યારે લખનઉ સતત ત્રીજી મેચ હારી ગયું છે.
- Advertisement -
ધર્મશાલાના HPCA સ્ટેડિયમમાં 237 રનના ટાર્ગેટને ચેઝ કરતા લખનઉની ટીમ 20 ઓવરમાં 7 વિકેટે 199 રન જ બનાવી શકી. આયુષ બદોની 74 રન બનાવીને આઉટ થયો હતો. અબ્દુલ સમદે 45 રન બનાવ્યા. બાકીના બેટર્સ સારું પ્રદર્શન કરી શક્યા નહીં. અર્શદીપ સિંહે ત્રણ વિકેટ લીધી. અઝમતુલ્લાહ ઓમરઝાઈએ 2 વિકેટ લીધી. અગાઉ, ટોસ હાર્યા બાદ બેટિંગ કરતા પંજાબ કિંગ્સે 20 ઓવરમાં 5 વિકેટે 236 રન બનાવ્યા હતા. પ્રભસિમરન સિંહે 48 બોલમાં 91 રનની ઇનિંગ રમી. તેણે 6 ચોગ્ગા અને 7 છગ્ગા ફટકાર્યા. કેપ્ટન શ્રેયસ અય્યરે 45 રન, શશાંક સિંહે 33* રન, જોશ ઇંગ્લિસે 30 રનનું યોગદાન આપ્યું. દિગ્વેશ રાઠી અને આકાશ સિંહે 2-2 વિકેટ લીધી.
મેચની છેલ્લી ઓવર ફેંકતા યુઝવેન્દ્ર ચહલે 11 રન આપ્યા. વિકેટ પણ મેળવી. આ ઓવર પહેલા લખનઉને 6 બોલમાં 49 રનની જરૂર હતી. આ રીતે પંજાબે આ મેચ 37 રનના માર્જિનથી જીતી લીધી. આયુષ બદોનીએ 18મી ઓવરમાં પોતાની ફિફ્ટી પૂરી કરી લીધી. તેણે વિજયકુમાર વૈશાખની ઓવરમાં બે સિક્સર અને એક ફોર ફટકારી હતી.