શાળા-કોલેજો-પ્રવાસન સ્થળ બંધ, જનજીવન અસ્તવ્યસ્ત, પાણીમાં કરંટથી 3નાં મોત
ખાસ-ખબર ન્યૂઝ મુંબઈ, તા.24
- Advertisement -
મહારાષ્ટ્રમાં મુંબઈ સહિત હવે પૂણેમાં પણ ભારે વરસાદને પગલે જળબંબાકાર જેવી સ્થિતિ સર્જાઈ છે. અત્યાર સુધીની માહિતી અનુસાર શાળા-કોલેજો સહિત તમામ પ્રવાસન સ્થળોને પણ બંધ કરી દેવાનો આદેશ તંત્ર દ્વારા જારી કરવામાં આવ્યો છે. ફાયરબ્રિગેડ સહિત એનડીઆરએફની ટીમને પણ રેસ્ક્યૂ ઓપરેશન હેઠળ શહેરના વિવિધ વિસ્તારોમાં તહેનાત કરી દેવામાં આવી છે.
ફાયરબ્રિગેડ દ્વારા મળતી માહિતી અનુસાર અત્યાર સુધી પૂણેમાં વિવિધ સ્થળોએ ફસાયેલા 200થી વધુ લોકોને રેસ્ક્યૂ કરાયા છે. એકતા નગરીમાં બે એનડીઆરએફની ટીમ તહેનાત કરવામાં આવી છે. મોટી સંખ્યામાં લોકો પોતાના ઘરોમાં જ ફસાઇ ગયા છે. વારજે વિસ્તારમાં પણ એક એનડીઆરએફની ટીમ મોકલવામાં આવી હતી.
વરસાદને લગતી ઘટનાઓમાં મૃતકાંક વધતો જઇ રહ્યો છે. ડેક્કન જીમખાના વિસ્તારમાં પુલાચી વાડીમાં ભારે પાણી ભરાઈ ગયા બાદ એક મોટી દુર્ઘટના સર્જાઈ. અહીં પાણીમાં ચાલુ કરંટવાળો વાયર પડી જતાં 3 લોકો તેની લપેટમાં આવી ગયા અને મૃત્યુ પામી ગયા. આ દરમિયાન અદારવાડી ગામમાં ભૂસ્ખલનની ઘટનામાં એક વ્યક્તિના મોતના અહેવાલ સામે આવ્યા છે.
માહિતી અનુસાર પૂણે શહેરની મોટાભાગની શાળાઓ બંધ કરવાની ફરજ પડી છે. પવાના ડેમ પણ છલકાઈ જતાં સુંદર રમણીય દૃશ્ર્યો સર્જાયા હતા પરંતુ એની સાથે જ એલર્ટ પણ જાહેર કરી દેવામાં આવ્યું હતું. તંત્ર દ્વારા પૂણેમાં રેડ એલર્ટ જાહેર કરવાની સાથે લોકોને સાવચેતી રાખવા અપીલ કરવામાં આવી છે. અહીં આવેલી મુથા નદીમાં પૂર જેવી સ્થિતિ સર્જાઈ રહી છે.
આ મામલે મહારાષ્ટ્રના મુખ્યમંત્રી એકનાથ શિંદે પણ એક્ટિવ દેખાયા. તેમણે એક નિવેદન જાહેર કરતાં કહ્યું કે પૂણેમાં સ્થિતિ ભયજનક છે. લોકોના ઘરોમાં પાણી ફરી વળ્યું છે અને રોડ પણ જાણે બેટ બની ગયા છે. ડેમ પણ છલોછલ છલકાઈ ગયા છે. એનડીઆરએફને સંભવિત ખતરાની સ્થિતિને પહોંચી વળવા માટે નિર્દેશ આપી દેવામાં આવ્યા છે.
- Advertisement -
અનેક લોકોને સલામત સ્થળે ખસેડાયા: અંધેરી સબ-વે પાણીમાં ગરકાવ
દેશમાં અનેક રાજ્યોમાં ભારે વરસાદ વરસી રહ્યો છે. ત્યારે મહારાષ્ટ્ર પણ તેમાંથી બાકાત નથી. રાજ્યના અનેક જિલ્લામાં આકાશમાંથી આફત વરસી રહી છે. ભારે વરસાદને પગલે મુંબઈ પાણી-પાણી થયું છે. રસ્તાઓ પર વરસાદના પાણી ફરી વળતાં વાહનવ્યવહાર ખોરવાઈ ગયો છે. લોકલ ટ્રેન સેવા પર પણ તેની અસર જોવા મળી રહી છે. વરસાદને કારણે નીચાણવાળા વિસ્તારમાં પૂર જેવી સ્થિતિ સર્જાતાં અનેક લોકોનું સ્થળાંતર કરાવવામાં આવ્યું હતું.
સ્થાનિક સૂત્રોના જણાવ્યા પ્રમાણે મુશળધાર વરસાદને કારણે અંધેરી સબવે પાણીમાં ગરકાવ થયો હતો. જેથી વાહનોની અવરજવર માટે તે બંધ કરી દેવામાં આવ્યો છે. અંધેરી ઉપરાંત એપીએમસી માર્કેટ વિસ્તારમાં પણ ગોઠણસમા પાણી ભરાયા છે. ડોમ્બિવલી કલ્યાણ વિસ્તારના શિલફાટા રોડ પર પાણી ભરાઈ ગયા છે. જેના કારણે લોકો માટે અહીંથી પસાર થવું મુશ્ર્કેલ બન્યું છે. તેમજ વાહનો પણ અટવાઈ ગયા હતા. ભારે વરસાદને કારણે નવી મુંબઈ ખઅઋઈઘ માર્કેટમાં પાણી ભરાઈ ગયા છે. તો બીજી તરફ વેસ્ટર્ન એક્સપ્રેસ વે પર સવારથી જ ભારે ટ્રાફિક જામ સર્જાયો છે. મુંબઈમાં પણ મીઠી નદીમાં ઘોડાપૂર આવ્યું છે. ઠેર-ઠેર પાણી ભરાવવાની સમસ્યાના કારણે અનેક જગ્યાએ વાહનચાલકોને મુશ્ર્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. હવામાન વિભાગ (ઈંખઉ) દ્વારા આજે પણ ભારે વરસાદની આગાહી કરાતાં યલો એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. મુંબઈને પાણી પૂરું પાડતાં ડેમમાં પાણીનો સંગ્રહ 66.77 ટકા થઈ ગયો છે. તુલસી, વિહાર બાદ તાનસામાં પણ પાણીના સંગ્રહમાં વધારો થયો છે.