- શિક્ષણ સમિતિના ગ્રાઉન્ડમાં જાહેર કાર્યક્રમની મંજૂરી શા માટે?
આર્ય સમાજના કાર્યક્રમ માટે શિક્ષણ સમિતિનું મેદાન ક્યા કારણે અપાયું?
માનીતાઓ સિવાય પક્ષના આગેવાનોને શાળા ઉપયોગની મનાઇ શા માટે?
- Advertisement -
ખાસ-ખબર સંવાદદાતા
રાજકોટ નગર પ્રાથમિક શિક્ષણ સમિતિમાં ચેરમેન અને શાસનાધિકારી દ્વારા વ્હાલા-દવલાની નીતિ આચરવામાં આવતી હોવાનું ચર્ચાઈ રહ્યું છે. જાણે શિક્ષણ સમિતિ અને તેને સંલગ્ન શાળાઓને લાગતાવળગતા માટે ઉપયોગમાં લેવાની છૂટ હોય અને પક્ષના જ અન્ય વરિષ્ઠ આગેવાનો માટે ઉપયોગમાં આપવાની મનાઈ ફરમાવવામાં આવી હોય તેવું ચિત્ર ઊપસી રહ્યું છે. પ્રાપ્ત વિગત મુજબ હાલમાં જ રાજકોટ શિક્ષણ સમિતિના મેદાનમાં સરકારી પુસ્તકાલય પાસે એકાદ અઠવાડિયા સુધી કેટલાક માનીતા લોકોની સંસ્થાને જાહેર કાર્યક્રમ કરવા દેવાની મંજૂરી આપવામાં આવી હતી. અત્રે ઉલ્લેખનીય છે કે, શિક્ષણ સમિતિ અને તેમની શાળાઓની માલિકી કોર્પોરેશનની હોય છે નહીં કે ચેરમેન – શાસનાધિકારીની. આમ છતાં ચેરમેન વિક્રમ પુજારા અને મામાના ભાણા તરીકે ઓળખાતા શાસનાધિકારી કિરીટ પરમાર મન ફાવે તેમ શિક્ષણ સમિતિ અને તેને સંલગ્ન શાળાઓના વપરાશ કરવા માટે ગમે તેને છૂટ આપી રહ્યા છે અને ગમે તેને મનાઈ કરી દે છે. આ મામલે ભાજપમાં અંદરખાને પણ રોષની લાગણી પ્રસરી ગઈ છે. આવનારા દિવસોમાં આ મામલે મોટા તડાકાભડાકા થવાના પણ એંધાણ વર્તાઈ
રહ્યા છે.
શક્ષણ સમિતિના ગ્રાઉન્ડમાં અઠવાડિયાથી વધુનો જાહેર કાર્યક્રમ યોજાઈ ગયો!
રાજકોટ શિક્ષણ સમિતિના કેટલાક સભ્યો તેમજ ભાજપના કોર્પોરેટર તથા કાર્યકરોએ જણાવેલી વિગત મુજબ પક્ષના આગેવાનોને શિક્ષણ સમિતિ અને તેને સંલગ્ન શાળા વપરાશ કરવા દેવાની મંજૂરી આપવામાં આવતી નથી. બીજી તરફ ચેરમેન અને શાસનાધિકારીના લાગતાવળગતા લોકોને જોઈએ ત્યારે કોર્પોરેશનની શાળામાં જાહેર કાર્યક્રમ કરવાની છૂટ શિક્ષણ સમિતિ દ્વારા આપવામાં આવે છે. આ બેધારી નીતિ પાછળનું કારણ શું? શિક્ષણ સમિતિના ગ્રાઉન્ડમાં જ અત્યારે છેલ્લા એકાદ અઠવાડિયાથી લગાવામાં આવેલ મોટા મંડપ જ આખું ચિત્ર સ્પષ્ટ કરી આપે છે કે ચેરમેન વિક્રમ પુજરા અને શાસનાધિકારી કિરીટ પરમારની વ્હાલા-દવલાની નીતિ કઈ રીતે કામ કરે છે. શિક્ષણ સમિતિના ગ્રાઉન્ડમાં પુસ્તકાલય બહાર ઉભા કરવામાં આવેલા મસમોટા મંડપથી ત્યાં આવનારા લોકોને પણ અડચણ થતી હતી ત્યારે શિક્ષણ સમિતિ અને તેને સંલગ્ન શાળામાં ક્યાં નિયમો અનુસાર અમુક લોકોને જાહેર કાર્યક્રમ કરવાની મંજૂરી આપવામાં આવે છે અને અમુક લોકોને જાહેર કાર્યક્રમ માટે મનાઈ છે તે તપાસનો વિષય છે. હાલ શિક્ષણ સમિતિના ગ્રાઉન્ડમાં એક અઠવાડિયાથી ઉભા કરેલા જાહેર કાર્યક્રમના મંડપએ વિવાદ જગાવતા રાતોરાત મંડપ કાઢી લેવામાં આવ્યા છે.
- Advertisement -