સંત,શૂરા અને સાવજની ભૂમી પરથી PM મોદી શંખનાદ કરશે
જૂનાગઢમાં કાલે PM નરેન્દ્ર મોદી સૌરાષ્ટ્રની બેઠકો માટે સભા ગજવશે
- Advertisement -
ખાસ-ખબર ન્યૂઝ જૂનાગઢ, તા.01
જૂનાગઢ લોકસભા ચૂંટણી અનવ્યે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી દેશ ભરમાં ચૂંટણી સભા ગજાવી રહ્યા છે ત્યારે ગુજરાતની 25 બેઠકોનું મતદાન આગામી તા.7 મેના રોજ થવાનું છે.જેના અનુસંધાને આવતીકાલે તા.2 મેના રોજ જૂનાગઢ કૃષિ યુનિવર્સીટી ખાતે એક જાહેરસભાનું આયોજન કરવામાં આવ્યું છે.જેમાં સૌરાષ્ટ્રની જૂનાગઢ, પોરબંદર અને અમરેલી લોકસભા બેઠક ફરી જંગી બહુમતીથી કબ્જે કરવા પ્રધાનમંત્રી મોદી સંત, સુરા અને સાવજની ભૂમિ પરથી લોકસભા ચૂંટણીનો શંખનાદ કરશે જેમાં માણાવદર પેટા ચૂંટણીનો પણ સમાવેશ થાય છે. ત્યારે પ્રધાનમંત્રી આગમન પૂર્વે કૃષિ યુનિ.ખાતે તડામાર તૈયારીઓ ચાલી રહી છે.
પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદી ગુજરાતના બે દિવસના પ્રવાસે છે ત્યારે આવતીકાલ બપોરે 2 વાગ્યા આસપાસ જૂનાગઢ કૃષિ યુનિવર્સીટી ગ્રાઉન્ડ ખાતે એક જંગી જાહેરસભાનું આયોજન કરવામાં આવ્યું છે જેમાં જૂનાગઢ જિલ્લા અને ગીર સોમનાથ જિલ્લાની સાત વિધાનસભા બેઠકો સાથે પોરબંદર અને અમરેલી જિલ્લાની 15 જેટલી વિધાનસભા મતક્ષેત્રોને જાહેરસભામાં આવરી લેવામાં આવ્યા છે.આવતીકાલ પ્રધાનમંત્રી મોદીની જાહેર સભા અનુસંધાને વહીવટી તંત્ર અને પોલીસ દ્વારા સઘન સુરક્ષા વ્યવસ્થા ઉભી કરી દેવામાં આવી છે અને કૃષિ યુનિવર્સીટી પોલીસ છાવણીમાં ફેરવી દેવામાં આવ્યું છે.
જૂનાગઢ કૃષિ મહાવિદ્યાલયના મેદાન ખાતે જાહેર સભા દરમિયાન જૂનાગઢ તેમજ અમરેલી, પોરબંદર, ગીર-સોમનાથ સહિત 4 જિલ્લાની પોલીસનો બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે. સભા સ્થળ તેમજ હેલીપેડ, કોન્વે, રોડ, ધાબા, પાર્કિંગ, સ્ટેજ, પબ્લિક એન્ટ્રીને લઇને 7 એસપી, 15 ડીવાયએસપી, 22 પીઆઇ, 117 પીએસઆ, 1051 પોલીસ સ્ટાફ 184 એસઆરપી જવાનો, 6000 હોમગાર્ડ જીઆરડી સહિત 2250થી વધુ જવાનોને તૈનાત કરવામાં આવ્યા છે. આ ઉપરાંત 52 દૂરબીન, 153 વોકીટોકી, 10થી વધુ વિડીયોગ્રાફર દ્વારા વોચ રાખવામાં આવશે તેમજ 30 હજાર શ્રોત્રાઓનો સમાવેશ થાય તેવો ડોમ પણ તૈયાર કરવામાં આવેલ છે.
40 ડીગ્રીમાં નેતાઓ જનમેદની માટે પરસેવો પાડી રહ્યા છે
સૌરાષ્ટ્ર સહિત સોરઠ પંથકમાં કાળઝાળ ગરમી પડી રહી છે ત્યારે 40 ડીગ્રી આસપાસ તાપમાન જોવા મળી રહ્યો છે એવા સમયે પ્રધાનમંત્રી નરેન્દ્રભાઇ મોદી આવતીકાલ જૂનાગઢ પધારી રહ્યા છે ત્યારે પ્રધાનમંત્રીની જાહેરસભા યોજાવાની છે જેમાં જનમેદની એકત્રિત કરવા ભાજપ નેતાઓ 40 ડીગ્રીમાં પરસેવો પાડી રહ્યા છે જયારે જાહેર સભા પણ બપોરના એક વાગ્યાથી શરૂ થશે ત્યારે ભારે ગરમીમાં લોકોને એકત્ર કરવા તમામ તાલુકા સ્તરે અને ગ્રામ્ય સ્તરે આગેવાનોએ બેઠકોનો દોર શરૂ કર્યા છે.