ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ, તા.17
રાજકોટ-વાડીનાર નેશનલ હાઈવેમાં ઝાંખર પાટિયાથી વાડીનાર રોડ પર મસમોટા ખાડા પડી ગયા છે. તે રોડ પાસ તો થઈ ગયો છે પરંતુ જ્યાં સુધી રોડ ન બને ત્યાં સુધી તંત્ર દ્વારા જો રોડના ખાડાનું પેચવર્ક કરવામાં આવે તો રોડ પરથી ચાલતા વાહનોમાં નુકસાન ન થાય. ચોવીસ કલાક ધમધમતા રોડમાં અનેકવાર થીંગડા પણ મારવામાં આવ્યા છે છતાં પણ રોડમાં વારંવાર ખાડા પડી જાય છે. હાલ ચોમાસામાં હજુ સરખો વરસાદ પડ્યો નથી જો વધારે વરસાદ થાય તો રોડની હાલત બહુ જ ખરાબ થઈ જાય તેમ છે. ત્યાંથી અપ-ડાઉન કરતાં મુસાફરો, ગ્રામજનો તેમજ ઝાંખર, સિંગચ, વાડીનારના ગ્રામજનોને તકલીફ પડે છે. ઔદ્યોગિક વિસ્તાર ધરાવતા એરિયામાં જ રોડના ઠેકાણા નથી. તંત્રને જાણ હોવા છતાં ખાડાના પેચવર્ક સરખા કરવામાં આવતાં નથી. જો સમયસર ખાડામાં પેચવર્ક કરવામાં આવે તો ચોમાસામાં પ્રજાને તકલીફ ન પડે. વાડીનારથી ઝાંખર પાટિયા પહોંચતા જ્યાં 15 મિનિટ લાગતી હતી તે જ રોડમાં અત્યારે 40થી 45 મિનિટ લાગે છે. રોડમાં ખાડા પડી જવાના હિસાબે ગાડીઓમાં નુકસાન પણ થાય છે. આ રોડ પર ભારે વાહનોની પણ અવરજવર ચાલુ રહે છે. ઔદ્યોગિક વિસ્તાર તેમજ રાજકોટ-વાડીનાર નેશનલ હાઈવે હોવા છતાં સરખું કામ કરવામાં આવતું નથી. તંત્ર દ્વારા વ્યવસ્થિત કામ કરવામાં આવે તેવી લોકમાંગ ઉઠી છે.
ઝાંખર પાટિયાંથી વાડીનાર રોડના ખાડા પુરવા ઉઠી લોક માંગ: લોકો ત્રાહિમામ
