ખેલ કરવાવાળા તો ખેલ કર્યા કરે, ‘ખાસ-ખબર’નો એક જ પેટન્ટ જવાબ…
‘સાયકો’ હરિયાણીએ ACP, P.I. સામે વાળ ખેંચ્યા, માથા પછાડ્યા: CPએ હરિયાણીનો ઈલાજ મનોચિકિત્સક પાસે કરાવવાની જરૂર
- Advertisement -
રાજકોટનાં માલવીયાનગર પોલીસસ્ટેશન વિસ્તારમાં આવેલી પર્ણકુટિર પોલીસચોકીના પી.એસ.આઈ નિશાંત હરિયાણીની ઓળખ પોલીસવાલા ગુંડા તરીકે થતી જાય છે. આજ સુધી તેઓ આરોપીને છાવરતા આવ્યા છે હવે તેઓ તેઓએ આગળ વધીને આરોપી વતી ફરિયાદીને હેરાન કરવાનું શરૂ કર્યું છે. પી.એસ.આઈ હરિયાણી આરોપીની જગ્યાએ ફરિયાદીને હેરાન કરી રહ્યા છે, આરોપી સાથે વહીવટી કરી ફરિયાદી પર ખોટા ગુના દાખલ કરી રહ્યા છે. એટલું જ નહીં, પી.એસ.આઈ.ના હોદ્દા પર રહી ખુદને પી.આઈ., એ.સી.પી. કક્ષાના અધિકારી કરતા પણ જાણે ઊંચા સી.પી. સમજી રહ્યા હોય એવો ચોંકવનારો કિસ્સો પ્રકાશમાં આવ્યો છે. બનાવની વિગત મુજબ રાજકોટના માલવીયાનગર પોલીસસ્ટેશન વિસ્તારમાં આવેલી નંદકિશોર સોસાયટીમાં ફિલ્ડમાર્શલવાડી પાછળ વિજયસિંહ પરમાર નામની વ્યક્તિએ મકાન બનાવવા માટે એક કોન્ટ્રાક્ટરને 11 લાખ રૂપિયા આપ્યા હતા. બાદમાં કોન્ટ્રાક્ટર મકાનનું કામ કરતો નહતો અને પૈસા પણ પરત આપતો નહતો. તેથી ઓક્ટોબર 2022માં વિજયસિંહ પરમારે માલવીયાનગર પોલીસમાં કોન્ટ્રાક્ટર વિરુદ્ધ અરજી કરી હતી.
હરિયાણીની ફિશિયારી… કહ્યું, કોઈ મારું કશું ન ઉખાડી શકે
પર્ણકુટિર પોલીસચોકીના પી.એસ.આઈ હરિયાણીએ ગઈકાલે ફરિયાદીને આરોપીની જેમ હેરાન-પરેશાન કર્યા બાદ ધમાલ મચાવી હતી. હરિયાણીની ધમાલની જાણ રાજકીય આગેવાનો અને પત્રકારોને થતા બધા પર્ણકુટિર પોલીસ ચોકી દોડી ગયા હતા. પી.એસ.આઈ હરિયાણીએ કોઈના સવાલનો જવાબ ન આપતા ફિશિયારી મારતા રાજકીય આગેવાનો અને પત્રકારોને કહ્યું હતું કે, મારી પર હાઇકોર્ટમાં ત્રણ કેસ ચાલે છે, એક વધુ. ત્રીજી પેઢીએ જમાદાર છું. કોઈ મારું કશું ન ઉખાડી શકે. આ કહ્યા બાદ હરિયાણીએ પી.આઈ. સાવલિયા અને એ.સી.પી. રબારીનું અપમાન કરી નાખ્યું હતું.
હરિયાણીએ બડાશ મારતા કહ્યું: મારી સામે હાઈકોર્ટમાં બે કેસ ચાલે છે, ત્રીજો નોંધાય તો વાંધો નથી
- Advertisement -
પત્રકારોનું પણ ભયંકર અપમાન કર્યું: હરિયાણીએ માનસિક સંતૂલન ગૂમાવી દીધું છે તેવી ચર્ચા
આ અરજી પર્ણકુટિર પોલીસચોકીમાં પી.એસ.આઈ હરિયાણી પાસે આવી હતી. જ્યાં પી.એસ.આઈ હરિયાણીએ જેની પર ફરિયાદ નોંધાઈ હતી એવા ફરિયાદી કોન્ટ્રાક્ટર સાથે વહીવટ કરી લીધો હતો. પી.એસ.આઈ હરિયાણીનાં કાળાં કરતૂત અહીંથી ખતમ થઈ નહતી પરંતુ શરૂ થઈ હતી. હરિયાણીએ કોન્ટ્રાક્ટ પાસેથી વિજયસિંહ પરમારને 11 લાખ માંગતો બંધ કરવાનો હવાલો લઈ લીધો.
ગતરોજ પી.એસ.આઈ હરિયાણીએ કોન્ટ્રાક્ટર વિરુદ્ધ અરજી કરનાર ફરિયાદી વિજયસિંહ પરમારને પર્ણકુટિર પોલીસચોકી બોલાવી બેસાડી દીધા હતા. વિજયસિંહની સાથે આવેલા તેમના ભત્રીજા રાજભા પરમારને પણ કોઈ વાંકગુના વિના બેસાડી દીધા હતા. પી.એસ.આઈ હરિયાણીની આ પરાક્રમની વાત જ્યારે વિજયસિંહ પરમારના પરિવારજનોને જાણ થઈ ત્યારે તેઓ પર્ણકુટિર પોલીસચોકી દોડી ગયા હતા. પી.એસ.આઈ હરિયાણીએ ત્યાં આવેલા વિજયસિંહ પરમારના સગાંવહાલાંઓ વિરુદ્ધ અમાનવીય વર્તન કર્યું હતું અને ધમાલ મચાવી એક યુવકને વગર કારણે ધોકાથી મારીને લોહીલૂહાણ મરી મૂક્યો હતો, યુવકની સારવાર અર્થે 108 ત્યાં આવતા તેમને સારવાર પણ લેવા દીધી નહતી. ઉપરાંત ત્યાં આવેલાઓ પર ફરજ રૂકાવટના ગુના દાખલ કર્યા હતા. હરિયાણીએ પોતાના ખાનગી માણસોને બોલાવી લીધા હતા અને 8થી 10 ગુંડાઓએ પોલીસચોકીને બાનમાં લઈ લીધી હતી.
પી.એસ.આઈ હરિયાણીના ધમાલની જાણ રાજકીય આગેવાનો અને પત્રકારોને થતા તેઓ પણ પર્ણકુટિર પોલીસચોકી દોડી ગયા હતા. આ દરમિયાન આ પોલીસચોકી વિસ્તારના પી.આઈ. અને એ.સી.પી.એ પણ પી.એસ.આઈ હરિયાણીને ભાન ન ભૂલવા જણાવ્યું ત્યારે હરિયાણીએ પોતાના ઉપરી અધિકારીઓનું પણ અપમાન કરી નાખ્યું હતું. ગત રાત પી.એસ.આઈ હરિયાણી પર જાણે કોઈ ભૂત સવાર થયું હોય તેમ તેમનું માનસિક સંતુલન બગડ્યું હતું અને આરોપીની જગ્યાએ ફરિયાદી તેમજ તેમના પરિવારજનો સાથે અમાનવી વર્તનથી લઈ રાજકીય આગેવાનો અને પોલીસ અધિકારીનું અપમાન કરી નાખ્યું હતું. આ સમગ્ર મામલે રાજકોટ પોલીસ કમિશનર રાજુ ભાર્ગવ તપાસના આદેશ આપી ખુદને પોલીસ કમિશનર સમજતા હરિયાણી પર કડક પગલાં લે તે કાયદા તેમજ શિસ્તની સ્થિતિ જાળવવા માટે અત્યંત આવશ્યક બાબત બની ગઈ છે.
CP રાજુ ભાર્ગવ સામે સૌથી મોટો પડકાર: PSI નિશાંત હરિયાણીને શિસ્ત અને કાયદાનો પાઠ ભણાવવો
એક તરફ રાજકોટ પોલીસ કમિશનર રાજુ ભાર્ગવ શિસ્ત અને કાયદાના આગ્રહી છે. બીજી તરફ માલવીયાનગર પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવેલી પર્ણકુટિર પોલીસચોકીના પી.એસ.આઈ નિશાંત હરિયાણી ગેરશિસ્ત સાથે કાયદામાં ન રહી કાળા કરતૂતો કરવા ટેવાયેલા છે. હકીકતમાં નિશાંત હરિયાણી અશાંત છે અને તેઓ ફરિયાદીની જગ્યાએ આરોપીનો પક્ષ લઈ રહ્યા છે. વળી હરિયાણી પોતાના ઉપરી અધિકારીનું માન-સન્માન પણ જાળવતા નથી એવા સમયે ભલભલા તોફાની તત્વોને સીધા દોર કરી દેતા રાજકોટ પોલીસ કમિશનર રાજુ ભાર્ગવ સામે મોટો પડકાર પર્ણકુટિર પોલીસચોકીના પી.એસ.આઈ હરિયાણીને શિસ્ત અને કાયદામાં રહી કામકાજ કરતા શીખવવાનું છે.
PSI નિશાંત હરિયાણીના કૃત્યો CCTVમાં કેદ: રોહિતસિંહ રાજપૂત
કોંગ્રેસ પ્રવક્તા રોહિતસિંહ રાજપૂતે સમગ્ર મામલે જણાવ્યું હતું કે, નામચીન બુટલેગર કવિએ ટોળા સાથે પોલીસ સ્ટેશનમાં ધમાલ મચાવી હતી ત્યારે માલવીયાનગર પોલીસને ફરજ રુકાવટ કેમ ના દેખાય? જ્યારે ફરિયાદીને આરોપી બનાવી બેસાડી દેવાયા ત્યારે તેમના પરિવારજનો પોલીસચોકી આવ્યા તો ફરજ રૂકાવટ ફરિયાદ કરી દીધી. જો પોલીસ આરોપીને કાયદા વિરુદ્ધ રાક્ષસી રીતે માર મારે અને તેમને સારવારની જરૂર હોયને તેના સગા પોલીસને રજૂઆત કરવો ગુનો હોય તો હવે સામાન્ય માણસ પોલીસ સ્ટેશનનું પગથિયું ચડતા અચકાશે તે ચોક્કસ છે. હરિયાણીએ એક યુવકને ખોટી રીતે માર માર્યા બાદ તેઓએ તેના સગા સાથે સમાધાન પ્રયાસ કર્યા તેમાં સફળ ના જતા તેઓએ પોતાના 7-8 ખાનગી માણસોને બોલાવીને ધમકવવાના પ્રયાસ કર્યા. તમામ ખાનગી માણસો ગુનાહિત ઇતિહાસ ધરાવે છે જે પોલીસ ચોકીના સીસીટીવીમાં રેકોર્ડ થયેલ છે. ગતરોજ પર્ણકુટિર પોલીસ ચોકીમાં બનેલી ઘટના મામલે કમિશનર રાજુ ભાર્ગવે તાત્કાલિક તપાસના આદેશ આપી હરિયાણીને સસ્પેન્ડ કરવા જોઈએ.
PSI હરિયાણીને કાયદો લાગુ પડતો નથી?
રાજકોટની પર્ણકુટિર પોલીસચોકીને અસામાજિક તત્વોનો અડ્ડો બનાવી બેઠેલા પી.એસ.આઈ હરિયાણીને કાયદો લાગુ ન પડતો એવું લાગી રહ્યું છે. ગુંડાઓ સાથે રહી તેમનું વર્તન પણ તેમના જેવું થઈ ગયું હોય એવું લાગે છે. કેમ કે, હરિયાણી દરરોજ પર્ણકુટિર પોલીસ ચોકીમાં બ્લેક ફિલ્મ લગાડેલી નંબરપ્લેટ વગરની ગાડી લઈ આવે છે આમ છતાં તેમની પર કોઈ પગલાં લેવાતા નથી. સામાન્ય વાહનચાલકોને દંડતામાં રચ્યા પચ્યા રહેતા ટ્રાફિક પોલીસના અધિકારીઓમાં જો થોડી નૈતિક હિંમત હોય તો હરિયાણીને કાયદાનું ભાન કરાવી બતાવે જેથી લોકોનો વિશ્વાસ ડગમગે નહીં.