ખાસ-ખબર ન્યૂઝ સુરેન્દ્રનગર, તા.14
સુરેન્દ્રનગર જિલ્લામાં ખનિજ ચોરી કરનારા ખનિજ માફીયાઓ તંત્રના આટ આટલા દરોડા બાદ પણ કોલસાની ખાણો યથાવત રાખે છે જેથી ખનિજ માફીયાઓ તંત્રને રીતસરનો પડકાર ફેંકતા હોય તેવું નજરે પડે છે ત્યારે ચોટીલા પ્રાંત અધિકારી પણ ખનિજ માફિયાઓના દરેક પડકારો ઝીલી લઈ એક બાદ એક દરેક સ્થળો પર ચાલતી કોલસા અને સફેદ માટીની ખનિજ ચોરી પર દરોડા કરી રહ્યા છે તેવામાં મૂળી તાલુકાના ઉમરડા ગામે ચોટીલા પ્રાંત અધિકારી દ્વારા દરોડો કરી આશરે 100 ટન કોલસાનો જથ્થો અને ચરખી સહિતનો 12 લાખ રૂપિયાનો મુદામાલ ઝડપી લેવાયો હતો ત્યારે સતત બીજા દિવસે પણ પ્રાંત અધિકારી દ્વારા ભેટ ગામે દરોડો કરી કોલસાનું ગેરકાયદેસર ખનન ઝડપી પાડ્યું હતું. આ તરફ થાનગઢ બાદ હવે મૂળી પંથકમાં થતા કોલસાના ખનન પર હવે પ્રાંત અધિકારીની નજર પડતા મૂળી પંથકમાં મોટાભાગના વિસ્તારોમાં ગેરકાયદેસર ખનન ચલાવતા ખનિજ માફિયાઓ પણ ભૂગર્ભમાં ઉતરી જાય તો નવાઇ નહીં.



