આતંકીઓ સંગઠનો સામે ઠેર ઠેર વિરોધ કરી પૂતળાં દહન અને દેખાવો કરાયા
ખાસ-ખબર ન્યૂઝ સુરેન્દ્રનગર, તા.25
જમ્મુ કાશ્મીરના પહેલગામ ખાતે આતંકી હુમલામાં અનેક પર્યટકોના મોત થયા હતા આ કાળજું કંપાવતી ઘટનાને લઈને આખાય દેશમાં ભારે રોષ ભભૂક્યો છે. ત્યારે આતંકી હુમલામાં અવસાન થયેલ ભારતીયોને શ્રધ્ધાંજલિ પાઠવવા અને હુમલાના વિરોધમાં દેશના દરેક ખૂણે દેખાવો થયા હતા. સુરેન્દ્રનગર જિલ્લામાં પણ ઠેર ઠેર વિરોધ જોવા મળ્યો હતો. ધ્રાંગધ્રા શહેર ખાતે આતંકવાદીના પૂતળાનું દહન કરવામાં આવ્યું હતું. હિન્દુ સંગઠનો અને ભાજપના કાર્યકરો દ્વારા આ હુમલાને ખૂબ જ દુખદ ગણાવી કોઈપણ આતંકવાદીઓ અને તેઓના સંગઠનોને મોતની સજા આપવા અથવા તો સ્થળ પર જ ઠાર મારવાની માંગ કરી છે. શહેરના મુખ્ય રાજકમલ ચોક ખાતે હિન્દી સંગઠન અને ભાજપ દ્વારા આતંકવાદીના પૂતળાનું દહન કર્યું હતું સાથે આતંકવાદી પ્રવૃતિ વિરુધ નારેબાજી કરી જમ્મુકાશ્મીરના હુમલા અંગે વિરોધ નોંધાવ્યો હતો. પૂતળા દહન કાર્યક્રમમાં આંતરરાષ્ટ્રીય હિન્દુ પરિષદ, બજરંગ દળ અને ભાજપના કાર્યકરો સહિત અન્ય હિન્દુ ભાઈઓ પણ જોડાયા હતા. આ ધ્રાંગધ્રા કોંગ્રેસ દ્વારા જમ્મુ કાશ્મીરના પહેલગામ ખાતે થયેલા આતંકી હુમલામાં અનેક ભારતીયોના મોત થયા હતા જે બાદ દેશભરમાં રોષ ફાટી નીકળ્યો હતો.
- Advertisement -
આ તરફ આતંકી હુમલમાં અવસાન થયેલ ભારતીયોને શ્રધ્ધાંજલિ અંગે પણ ઠેર ઠેર કાર્યક્રમો યોજાયા હતા. જેમાં ધ્રાંગધ્રા કોંગ્રેસ દ્વારા પહેલગામ આતંકી હુમલામાં અવસાન થયેલ લોકોને શ્રધ્ધાંજલિ પાઠવવા માટે કેન્ડલમાર્ચનું આયોજન કરાયું હતું. ધ્રાંગધ્રા કોંગ્રેસ દ્વારા કામદાર સંઘ ખાતેથી મીણબત્તી લઈને મૌન ધારણ કરી શહેરના ગ્રીનચોક સુધી રેલી યોજી હુમલામાં અવસાન થયેલ લોકોને શ્રધાંજલિ પાઠવી હતી. તેવામાં ચોટીલા ખાતે હિન્દુ સંગઠન દ્વારા પણ જમ્મુ કાશ્મીરના આતંકી હુમલાના વિરોધમાં સ્થાનિકો દ્વારા દેખાવો કરાયા હતા. ચોટીલાના ગૌરક્ષક હરેશભાઈ ચૌહાણ સહિતની ટીમ દ્વારા પાકિસ્તાની ઝંડાને સળગાવી પાકિસ્તાન અને આતંકી સંગઠનો સામે વિરોધ પ્રદર્શન કરાયા હતા. આ તરફ પાટડી ખાતે કોંગી કાર્યકરો અને હિન્દુ સંગઠનો દ્વારા પણ જમ્મુ કાશ્મીરના આતંકી હુમલામાં અવસાન થયેલ લોકોને શ્રધ્ધાંજલિ પાઠવવા માટે કેન્ડલમાર્ચનું આયોજન કરાયું હતું જેમાં રેલી સ્વરૂપે મૌન ધારણ કરી મોટી સંખ્યામાં કોંગી કાર્યકરો સાથે સ્થાનિકો જોડાયા હતા. તમામ લોકોએ મૃતકોને શ્રધ્ધાંજલી પાઠવી આતંકી સામે વિરોધ નોંધાવ્યો હતો.