સ્થાનિક રહીશોની રજૂઆતને પગલે હાલ પુરતું કામ સ્થગિત કરી સરકાર પાસે અભિપ્રાય લેવાશે : સ્ટેન્ડિંગ ચેરમેન
ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ
રાજકોટનાં વિવિધ પોષ વિસ્તારોમાં આવાસ યોજના તેમજ રેનબસેરા સ્થાનિકોની મંજૂરી વિના જ આકાર લેતા હોય છે. જેમાં મવડી વિસ્તારનાં જીવરાજ પાર્કમાં અનેક સોસાયટીની વચ્ચે આવેલા કોમન પ્લોટ ઉપર રેન બસેરાનો પ્રોજેક્ટ બનાવવાની તૈયારીઓ શરૂ કરવામાં આવી હતી. જોકે સ્થાનિકોએ તેનો વિરુદ્ધ કરી સ્ટેન્ડીંગ ચેરમેન જયમીનભાઇ ઠાકરને રજુઆત કરી હતી. જેને લઈને તેઓએ હાલ પુરતું કામ સ્થગિત કરાવી સરકાર પાસે અભિપ્રાય લઈને આગળની કાર્યવાહી કરવામાં આવશે તેવો નિર્ણય કર્યો છે.
- Advertisement -
પ્રાપ્ત વિગત મુજબ રાજકોટનાં વોર્ડ નં.11માં જીવરાજ પાર્ક વિસ્તારમાં મવડી પોલીસ લાઇનની બાજુમાં આવેલ સીટી ક્લાસીક થતા કોપર સેન્ડ કો.ઓપરેટીવ હાઉસિંગ સોસાયટી તથા હેવન હિલ્સ તેમજ અમી રીસેડન્સી તથા વ્રજ અક્ષર રેસીડેન્સી અને આજુબાજુની અલગ અલગ સોસાયટીઓના રહેવાસીએ ગઈકાલે સ્ટેન્ડિંગનાં ચેરમેન જયમીન ઠાકરને રજૂઆત કરી હતી.
સ્થાનિકોએ જણાવ્યું હતું કે, કોર્પોરેશન દ્વારા આ પ્લોટ સરકારને સોંપયો છે. જેમાં હાલ શ્રમ રોજગાર વિભાગ ગાંધીનગર દ્વારા શ્રમિક લોકો માટે રહેણાંક બનાવવાનો એટલે કે, રેન બસેરા-શ્રમ બસેરા બનાવવાની કામગીરી શરૂ કરવામાં આવી છે. આ પ્લોટની આજુબાજુમાં જ રેસીડેન્સી સોસાયટીઓ તથા હાઇરાઇઝ બિલ્ડિંગો આવેલા છે. રેનબસેરા તમામ સોસાયટીઓની મધ્યમાં હોવાથી અહીં રહેતા લોકોને કાયમી ન્યુસન્સનો સમાનો કરવો પડશે. તેવી જ રીતે રેન બસેરામાં આવતા લોકો દ્વારા સ્થાનિક રહેવાસીઓ સાથે કેવા પ્રકારનું વર્તન કરવામાં આવે તે મુદ્દે પણ ભય વ્યપો છે. ત્યારે આંગણવાડી, લાઇબ્રેરી, આરોગ્ય કેન્દ્ર અથવા કોમ્યુનિટી હોલ સહિતના પ્રોજેક્ટ બનાવવામાં આવે તેવી અમારી માંગણી છે.
સમગ્ર મામલે સ્ટેન્ડિંગ ચેરમેન જયમીન ઠાકરે જણાવ્યું હતું કે, કોર્પોરેશન દ્વારા ટીપી સ્કીમ બન્યા બાદ પ્લોટ સરકારને સુપ્રત કરવામાં આવ્યો છે. આ પ્લોટ પર રેનબસેરા પણ સરકાર દ્વારા બનાવવામાં આવી રહ્યું છે. છતાં લોકોની લાગણીને માન આપીને હાલ પૂરતો આ પ્રોજેકટ સ્થગિત કરી દેવામાં આવ્યો છે. આ સ્થળે અન્ય પ્રોજેક્ટ બની શકે કે કેમ? તે અંગે સરકાર પાસેથી અભિપ્રાય માંગવામાં આવશે અને સરકાર પાસેથી અભિપ્રાય મળ્યા બાદ જ આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવશે. તેમજ રેનબસેરા આ જ વિસ્તારમાં પણ અન્ય કોઈ પ્લોટમાં બનાવવા માટેની શક્યતા તેમણે વ્યક્ત કરી હતી.