જૂની પેન્શન યોજનાની માગ સાથે આંદોલનનાં મંડાણ
ગાંધીનગરમાં સત્યાગ્રહ છાવણીમાં પોલીસના ધાડેધાડા ઊતર્યા !
- Advertisement -
ખાસ-ખબર સંવાદદાતા
ગુજરાતમાં છેલ્લા કેટલાક દિવસથી જૂની પેન્શન યોજનાની માગને લઈ સરકારી કર્મચારીઓ અલગ અલગ રીતે વિરોધપ્રદર્શન કરી રહ્યા છે. સરકારી કર્મચારીઓના જિલ્લાકક્ષાનું આંદોલન હવે પાટનગર સુધી પહોંચ્યું છે. આજે રાજ્યભરના અલગ અલગ જિલ્લામાંથી કર્મચારીઓ ગાંધીનગર પહોંચ્યા છે. સત્યાગ્રહ છાવણીમાં હજારોની સંખ્યામાં કર્મચારીઓ એકઠા થતા પોલીસના પણ ધાડેધાડા ઉતારવામાં આવ્યા છે. સત્યાગ્રહ છાવણીમાં ધરણા પ્રદર્શન યોજી રહેલા કર્મચારીઓ કહી રહ્યા છે કે, ’સરકાર આપેલા વચનો પૂરા કરે. અમે જૂની પેન્શન યોજના લાગુ કરાવીને જ અહીંથી જઈશું.’
ગુજરાત વિધાનસભાની ચૂંટણી ટાણે પણ ગુજરાતમાં જૂની પેન્શન યોજના માટે આંદોલન શરૂ થયું હતું. ત્યારે હવે લોકસભાની ચૂંટણી આવી રહી હોઈ ગુજરાત સરકાર માટે જૂની પેન્શન યોજનાનો મુદ્દો માથાના દુખાવા સમાન બની રહ્યો છે. ઘણા સમયથી કર્મચારીઓ ઉગ્ર માંગણી કરી રહ્યા છે અને કેટલાક રાજ્યમાં નવી પેન્શન યોજનાને રદ કરીને જુની પેન્શન યોજના લાગુ કરી દેવાઈ છે. જે અન્વયે આજે જુની પેન્શન યોજના લાગુ કરવાની માંગ સાથે કર્મચારીઓએ ગાંધીનગરથી ફરીવાર આંદોલનનાં શ્રી ગણેશ કર્યા છે. આજે સવારથી જ સેંકડો કર્મચારીઓ સત્યાગ્રહ છાવણી ઉમટી પડ્યા છે. જેને લઈ સત્યાગ્રહ છાવણીની પોલીસે ચારે દિશાથી કિલ્લે બંધી કરી લીધી છે.
ગુજરાતના અલગ અલગ જિલ્લાઓમાં શિક્ષકો સહિતના સરકારી કર્મચારીઓ જૂની પેન્શન યોજનાની માગને લઈ છેલ્લા કેટલાક દિવસોથી અલગ અલગ રીતે વિરોધ પ્રદર્શિત કરી રહ્યા છે. જિલ્લા કક્ષાએ ધરણા પ્રદર્શન, કાળી પટ્ટી ધારણ કરી વિરોધ પ્રદર્શન સહિતના કાર્યક્રમો યોજ્યા બાદ આજે રાજ્યભરમાંથી શિક્ષકો સહિતના સરકારી કર્મચારીઓ જૂની પેન્શન યોજનાની માગને પ્રબળ બનાવવા ગાંધીનગર પહોંચ્યા છે.
દેશમાં કેન્દ્ર અને રાજ્ય સરકારના કર્મચારીઓમાં જૂની પેન્શન યોજના લાગુ કરવાની માંગ પ્રબળ બની છે. જૂની પેન્શન યોજના લાગુ કરવાની માંગ પર કેટલાય સમયથી રાજ્યના શિક્ષકોએ સરકાર સામે બાંયો ચઢાવી છે. સમગ્ર રાજ્યમાં બધા જ કર્મચારીઓને જૂની પેન્શન યોજનામાં સમાવવા, ફિક્સ પગારી યોજના દૂર કરવા અને સરકાર સાથે થયેલા સમાધાન મુજબના પ્રશ્નોનું નિરાકરણ ન મળતાં ગુજરાત રાજ્ય સંયુક્ત કર્મચારી મોરચા અને ગુજરાત રાજય કર્મચારી મહામંડળ દ્વારા નક્કી થયેલા આંદોલનાત્મક કાર્યક્રમોના ભાગ રૂપે આજે મોટી સંખ્યામાં કર્મચારીઓ સત્યાગ્રહ છાવણી ઉમટી પડ્યા છે.
કર્મચારીઓએ કહ્યું: ‘સરકારે આપેલાં વચનો પૂરાં કરે’
- Advertisement -
આ વિરોધપ્રદર્શનમાં ગુજરાત રાજ્ય સંયુક્ત કર્મચારી મોરચાના પદાધિકારીઓ અને કર્મચારીઓ સામેલ થયા છે. કર્મચારીઓ એક જ માગ કરી રહ્યા છે કે, સરકારે આપેલા વચનો પૂરાં કરે. ઉલ્લેખનીય છે કે, 16 સપ્ટેમ્બરના મંત્રીઓ સાથે બેઠક મળી હતી. જોકે, તે સમયે પ્રશ્નનું નિરાકરણ આવ્યું હતું અને સરકાર તરફથી ખાતરી અપાઈ હતી, પરંતુ તેનો અમલ ન થતા હવે કર્મચારીઓએ સરકાર સામે ફરી આંદોલનના મંડાણ કર્યા છે. આ ધરણા પ્રદર્શનને લઈ રાજ્યભરમાંથી કર્મચારીઓ ગાંધીનગર આવી રહ્યા છે.
કર્મચારીઓની મુખ્ય માગણી
-રાજ્યના તમામ કર્મચારીઓ માટે જૂની પેન્શન યોજનાનો અમલ
-ફિક્સ પગાર યોજના મૂળ અસરથી દૂર કરવામાં આવે
-સરકાર સાથે થયેલા સમાધનમાં બાકી રહેલા પ્રશ્નોનું નિરાકરણ લાવવામાં આવે
-સાતમાં પગાર પંચના બાકી રહેલા ભથ્થા આપવામાં આવે
-કેન્દ્રના ધોરણે મોંઘવારી ભથ્થું 25 ટકા અને ઘર ભાડું પણ 10,20,30ના ધોરણે મળવું જોઈએ